મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલા નીતિનભાઈ, વિજય રૂપાણી બાદ પક્ષ પ્રમુખ પાટીલને મળ્યાં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા

By Abhishek Raghuvanshi
6 Min Read
  • 12:39એ ઉદ્વેગ ચોઘડિયું હોવાથી 2.20 વાગે લેશે સીએમ શપથ
  • ઘરેથી પૂજા કરીને થલતેજના સાંઈ બાબાના મંદિરે દર્શન કર્યાં
  • જામનગરમાં વરસાદની સ્થિતિ અંગે કલેક્ટર સાથે વાત કરી

રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયેલા ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે રાજભવન જઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપરત કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ આજે બપોરે 2.20 વાગ્યે રાજભવન ખાતે યોજાશે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીપદના શપથ લેવા જતા પહેલાં ઘરે ભગવાનની પૂજા કરી હતી. પૂજા કર્યા બાદ તેઓ સીધા જ થલતેજ ખાતેના સાંઈ બાબાના મંદિરમાં દર્શન કરીને સુરધારા સર્કલ પાસે નીતિન પટેલના ઘરે તેમના આશિર્વાદ લેવા માટે પહોંચ્યા હતાં. હવે તેઓ મેમનગર ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે ગાયની પૂજા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા

નીતિનભાઈ, વિજય રૂપાણી અને પાટીલ સાથે મુલાકાત
નીતિન પટેલે કહ્યું હતું કે, હું ભુપેન્દ્ર પટેલની સાથે છું, તેઓ મારા જુના અને નજીકના મિત્ર છે.સામાજિક રીતે પણ અમે નજીક છીએ. તેમને જરૂર પડશે ત્યારે ચોક્કસ માર્ગદર્શન આપીશ. આજના શપથગ્રહણ સમારંભમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત, કર્ણાટક, ગોવા અને આસામના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. શપથવિધી બાદ મહત્વની બેઠક મળશે જેમાં મંત્રીમંડળને લઈને ચર્ચાઓ કરાશે. નીતિન પટેલ બાદ તેમણે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે પણ મુલાકાત કરી હતી.

શપથ લીધા પહેલાં જ પ્રજા લક્ષી અભિગમ
ગુજરાતના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લામાં વરસાદને કારણે અસર પામેલા 3 ગામોના અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોંચાડી સલામત સ્થળે ખસેડવા અને એર લિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી છે.

ઘરેથી ભગવાનની પૂજા અર્ચના કરી રહેલા નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

સરકાર રચવાનો દાવો કર્યા બાદ દાદા ભગવાનના દર્શને ગયાં હતાં
રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યા બાદ તેઓ અડાલજ સ્થિતિ દાદા ભગવાનના મંદિર પહોંચ્યા હતા અને દર્શન કર્યા હતા. આ અગાઉ નવા મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ કમલમથી જ સરકારી ગાડીમાં બેસી અને રાજભવન પહોંચ્યા હતા. ગાડીમાં આગળ ભૂપેન્દ્ર પટેલ પાછળ સીઆર પાટીલ બેઠા હતા. કમલમથી જ નવા મુખ્યમંત્રીને સરકારી ગાડીનો કાફલો મળી ગયો હતો. આ પ્રસંગે રૂપાણી ઉપરાંત પાટીલ, કેન્દ્રીય નિરીક્ષકો ભૂપેન્દ્ર યાદવ, નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ જોશી તેમજ ભાજપના પ્રદેશ અગ્રણીઓ, સાંસદો વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

આ રાજ્યોના મુખ્યપ્રધાનો ઉપસ્થિત રહેશે
આજે ગુજરાતના મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારોહમાં કર્ણાટકના સીએમ બસાવરાજ બોમ્માઈ, ગોવાના સીએમ પ્રમોદ સાવંત, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા, આ ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આવે તેવી સંભાવના છે. તે ઉપરાંત અમિત શાહ પણ આજે ખાસ ઉપસ્થિત રહેશે.

ભુપેન્દ્ર પટેલ રસ્તામાં રસ્તામાં હતા ત્યારે ફોન આવ્યો કે તમને મોટી જવાબદારી સોંપાશે

અમિત શાહની હાજરીમાં નવા મંત્રીમંડળનો નિર્ણય થશે
બીજા ધારાસભ્યોની જેમ ભૂપેન્દ્રભાઈ પણ કમલમની બેઠકમાં સામેલ થવા નીકળ્યા હતાં. તેઓ રસ્તામાં હતા ત્યારે ફોન આવ્યો કે તમને મોટી જવાબદારી સોંપાશે. કમલમમાં દાખલ થયા અને ધારાસભ્યોની પાંચમી લાઈનમાં જઇને બેસી ગયા. થોડી વાર પછી મંચ પરથી એલાન થયું કે ભૂપેન્દ્ર પટેલ સીએમ હશે. હવે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ આવશે. ત્યારબાદ નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં કોને લેવા અને કોને પડતા મૂકવા તેનો શાહની હાજરીમાં નિર્ણય લેવાશે. અમિત શાહ નવા મંત્રીમંડળના લિસ્ટ સાથે જ આવશે અને અનઔપચારિક બેઠક મળશે. બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે અને નવા મંત્રી મંડળના નામોની મહોર લાગશે.

ઘાટલોડિયા વિધાનસભા બેઠક ના બીજા મુખ્યમંત્રી,પહેલા બેન અને હવે દાદા
ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર થી બીજા ધારાસભ્ય મુખ્યમંત્રી સુધી પહોંચ્યા, અગાઉ આનંદીબેન પટેલ 2012 માં આ જ વિધાનસભા માંથી ચૂંટાયેલા હતા,2014 માં મુખ્યમંત્રી બન્યા હતા, બેન ના અનુગામી તરીકે ભુપેન્દ્ર પટેલ ને ઘાટલોડિયા ની ટિકિટ બેન ની ભલામણ થી આપવા માં આવી હતી, અને ભુપેન્દ્ર પટેલ પણ બેનની બેઠક પર ધારાસભ્ય પણ બન્યા અને બેન ની જેમ મુખ્યમંત્રી પણ મળ્યા.

અમિત શાહની હાજરીમાં નવા મંત્રીમંડળનો નિર્ણય લેવાઈ શકે ( ફાઈલ ફોટો)

મૃદુભાષી અને સૌમ્ય સ્વભાવ એ મુખ્ય ખાસિયત

  • મૂળ અમદાવાદના દરિયાપુર વિસ્તારની કડવાપોળમાં નાનપણમાં રહેતા હતા ભૂપેન્દ્ર પટેલ.
  • આજે પણ દરિયાપુર વિસ્તારમાં તો ભૂપેન્દ્રભાઈને લોકો ‘કડવાપોળના લાડકવાયા’ જ કહે છે.
  • 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા
  • પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 1,17,750 મતની જંગી સરસાઈથી જીત્યા, જે ગુજરાતમાં સૌથી મોટી લીડ
  • ભૂપેન્દ્રભાઈ 1999-2000, 2004-05 સુધી મેમનગર નગરપાલિકાના ચેરમેન રહ્યા હતા.
  • તે પછી તેઓ 2010થી 2015 સુધી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટીના ચેરમેન રહ્યા હતા. આનંદીબેન પટેલના ખાસ છે ભૂપેન્દ્ર પટેલ
  • પોતાના મત વિસ્તારમાં અને પાર્ટીના કાર્યકરોમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે ભૂપેન્દ્ર પટેલ.
  • જ્યારે ભૂપેન્દ્ર પટેલે 2015-17 દરમિયાન ઔડાના ચેરમેનનો અતિ મહત્ત્વપૂર્ણ હોદ્દો પણ સંભાળ્યો છે.
  • 15 જુલાઈ 1962ના રોજ જન્મેલા ભૂપેન્દ્ર પટેલનો અભ્યાસ ધો. 12 પાસ સુધીનો જ છે
  • વ્યવસાયે બિલ્ડર ભૂપેન્દ્ર પટેલ શીલજ વિસ્તારમાં કલ્હાર રોડ પરની આર્યમાન રેસિ.માં રહે છે
  • ઔડાના ચેરમેન તરીકે એસ.પી. રિંગ રોડને અડીને આવેલા વિસ્તારોમાં સૌથી મહત્ત્વની ભૂમિકા
  • 2017 પહેલાં આનંદીબેન ઘાટલોડિયાના ધારાસભ્ય હતા, જેમણે જતા-જતા તેમના વિશ્વાસુ ભૂપેન્દ્ર પટેલને ટિકિટ અપાવી હતી પોતાના મતવિસ્તારમાં મજબૂત લોકસંપર્ક ધરાવે છે ભૂપેન્દ્ર પટેલ
  • ભૂપેન્દ્ર પટેલ 2017માં વિધાનસભા ચૂંટણી લડ્યા તે સમયે ફાઈલ કરેલા એફિડેવિટ મુજબ રૂ. 5.20 કરોડની અસ્ક્યામતો ધરાવે છે.
  • ઔડાના ચેરમેન રહી ચૂકેલા ભૂપેન્દ્ર પટેલ વાહનોમાં આઈ-20 કાર અને એક્ટિવા ટુ-વ્હીલરની માલિકી ધરાવે છે.
Exit mobile version