- ગુજરાતના દિગ્ગજ નેતાઓના પ્રાદેશિક પક્ષ ફ્લોપ, પણ બીજાં રાજ્યના નેતાઓના પક્ષને રાજ્યના મતદારો આવકારી રહ્યા છે
ગુજરાતના રાજકારણમાં નવો યુ ટર્ન આવી રહ્યો હોવાનું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામોને આધારે દેખાઈ રહ્યું છે, ગુજરાતમાં વર્ષોથી પ્રાદેશિક નેતાઓએ બનાવેલા પ્રાદેશિક પક્ષને ગુજરાતના મતદારોએ જાકારો આપ્યો છે, પણ આ ચૂંટણીમાં બીજાં રાજ્યના પ્રાદેશિક બની ગયેલા પક્ષને તક આપી છે, એમાં પણ ઔવેસીના AIMIM જેવા પક્ષને પણ ગુજરાતમાં એન્ટ્રી મળી છે, જ્યારે દિલ્હી રાજ્યના શાસક પક્ષ- આમઆદમી પાર્ટીને પણ પ્રજાએ સ્વીકાર્યો છે.
ગુજરાતના દિગ્ગજ નેતાઓએ પણ પ્રાદેશિક પક્ષ બનાવ્યો હતો
ગુજરાતના રાજકારણમાં અનેક પ્રાદેશિક નેતાઓએ બળવો કરીને નવા પક્ષની રચના કરી અલગ અલગ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ જનતાએ આવા નેતાઓને કે તેમના પક્ષને સ્વીકાર્યો નથી, જેમાં ગુજરાતના રાજકારણના દિગ્ગજ નેતાઓ એવા ચીમનભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલે પણ પ્રાદેશિક પક્ષ બનાવ્યો હતો, પણ તેઓ એમાં ફેલ ગયા હતા.
બહારના પ્રાદેશિક વડાને ગુજરાતની જનતાએ સ્વીકાર્યા
ગુજરાતની હાલની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં ગુજરાત બહારના પ્રાદેશિક વડાનોરાજ્યની જનતાએ થોડાઘણા અંશે પણ સ્વીકાર કર્યો છે, એટલું જ દિલ્હીની આમ આદમી પાર્ટીની સાથે અસદુદીન ઔવેસીના પક્ષ (એઆઈએમઆઈએમ)એ પણ ગુજરાતમાં બેઠકો મેળવી છે.
ચૂંટણીમાં 27 સીટ જીતી AAPએ દેશભરનું ધ્યાન ખેંચ્યું
આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયતની સાથે તાલુકા પંચાયત અને નગરપાલિકામાં રાજ્યભરમાં 46 જેટલા તેના પ્રતિનિધિઓ વિજેતા બન્યા છે. અગાઉ મહાપાલિકાની ચૂંટણીમાં પણ સુરતમાં 27 બેઠકો મેળવીને ‘આપ’એ દેશભરનું ધ્યાન ખેંચ્યું હતું અને હવે ગ્રામીણ તથા અર્ધશહેરી મતદારોમાં પણ ‘આપ’ એક સ્થાન ધરાવતો પક્ષ બની ગયો છે.
ઔવેસીને ગોધરા-મોડાસા નપામાં સફળતા મળી
2022ની ચૂંટણીમાં ‘આપ’ એ હાલની સ્થિતિમાં ફક્ત કોંગ્રેસને જ નહીં, ભાજપને પણ ડેમેજ કરી શકે છે. બીજી બાજુ, અમદાવાદ મહાપાલિકાની ચૂંટણીમાં લઘુમતી વિસ્તારમાં મર્યાદિત સફળતા મેળવનાર અસદુદ્દીન ઔવેસીના પક્ષ એઆઈએમઆઈએમને હવે અમદાવાદ બહાર ગોધરા અને મોડાસા નગરપાલિકામાં જે 16 બેઠક પર સફળતા મળી છે એ જ બતાવે છે કે ગુજરાતના રાજકારણમાં નવાં સમીકરણો રચાઈ રહ્યાં છે, ગુજરાતના મતદારોનો મૂડ બદલાઈ રહ્યો છે. મોડાસામાં નગરપાલિકાએ 12 બેઠક પર એ પક્ષે ઝુકાવ્યું હતું, એમાં 9 બેઠક જીતીને મુખ્ય વિપક્ષનું સ્થાન મેળવ્યું છે.
ઔવેસી, AAPથી ભાજપ કરતાં કોંગ્રેસને વધુ ડેમેજ
જ્યારે ગોધરામાં 8 બેઠકો લડી હતી અને આ નગરપાલિકામાં 7 બેઠક પર જીત મળી છે. આ બન્ને લઘુમતી વિસ્તાર છે અને તેથી ઔવેસીને જીત મળી છે. ઔવેસી અને આમ આદમી પાર્ટી હાલ ભાજપ કરતાં કોંગ્રેસને વધુ ડેમેજ કરે છે. એ વાસ્તવિકતા હોવા છતાં ગુજરાતમાં ઔવેસીના પક્ષનો વ્યાપ વધે તો ભવિષ્યમાં ચૂંટણીપરિણામો પર એની અસર પડશે. પરિણામે, ભાજપની સ્થિતિ પણ કફોડી બની રહી છે, કેમ કે છેલ્લાં 25 વર્ષથી કોંગ્રેસ જ એક વિપક્ષ હતો, પરંતુ હવે કૉંગ્રેસ તો ફેંકાઈ ગયો; બીજા પક્ષોએ પગપેસારો કરી દીધો છે.
