- અત્યારસુધી 6%ને જ 2 ડોઝ મળ્યા, જરૂરિયાત 70%ને બંને ડોઝની…
- આજથી અમદાવાદમાં PPP ધોરણે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન, 1000 રૂપિયા આપો, રસી લો
- 1.60 કરોડ કુલ રસીકરણ થતાં ગુજરાત દેશભરમાં ચોથા ક્રમે છે
દેશમાં વેક્સિનેશનમાં ગુજરાત ચોથા ક્રમે છે, પણ હાલ જે ઝડપે રસીકરણ ચાલી રહ્યું છે એ જોતાં રાજ્યની 70 ટકા વસતિને બન્ને ડોઝ મળતાં અંદાજે બે વર્ષનો સમય લાગી શકે છે. જોકે અમદાવાદમાં ગુરુવારથી ડ્રાઈવ થ્રુ પીપીપી ધોરણે 1000 રૂપિયામાં વેક્સિનેશન શરૂ થઈ રહ્યું છે. નિષ્ણાતોના મતે હર્ડ ઇમ્યુનિટી માટે 70 ટકા વસતિને બન્ને ડોઝ મળે એ જરૂરી છે.
40 લાખને જ બીજો ડોઝ મળ્યો
રાજ્યમાં અત્યારસુધી 1.60 કરોડ લોકોને રસી અપાઇ ચૂકી છે, જે કુલ વસતિના 23% થાય છે, જેમાંથી 1.20 કરોડને પહેલો ડોઝ, જ્યારે 40 લાખને બીજો ડોઝ પણ આપવામાં આવ્યો છે. 18% વસતિને પહેલો ડોઝ મળી ગયો છે, જ્યારે માત્ર 6% લોકોને જ બન્ને ડોઝ મળ્યા છે. નેશનલ પોપ્યુલેશન પ્રોજેક્શન રિપોર્ટના અંદાજ મુજબ, 2021માં ગુજરાતની કુલ વસતિ 6.79 કરોડ થઇ હશે, જેમાંથી પુરુષો 3.55 કરોડ, મહિલાઓ 3.23 કરોડ હશે. પ્રોજેક્શન મુજબ, 18થી 45 વર્ષની વયજૂથમાં 3.10 કરોડ વસતિ હોવાનો અંદાજ છે. 45 વર્ષથી વધારેની ઉંમરમાં 1.82 કરોડ વસતિ હોવાનો અંદાજ છે.
સૌથી વધુ રસીકરણ બનાસકાંઠામાં
અમદાવાદ શહેરમાં વસતિ મુજબ પહેલા ડોઝ માટે 16 %, જ્યારે બીજા ડોઝ માટે 5 % રસીકરણ કરવામાં આવ્યું છે. પહેલા ડોઝમાં વડોદરામાં 29 %, જ્યારે રાજકોટમાં 24 % રસીકરણ થયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ રસીકરણ બનાસકાંઠા જિલ્લામાં થયું છે. બનાસકાંઠામાં કુલ વસતિના 21%ને પહેલો ડોઝ, જ્યારે 4.7 %ને બીજો ડોઝ અપાયો છે.
એકપણ શહેરમાં બંને ડોઝની ટકાવારી 8થી વધુ નહીં
| શહેર | વસતિ | પહેલો ડોઝ | ટકા | બીજો ડોઝ | ટકા |
| અમદાવાદ | 80 લાખ | 13 લાખ | 16 | 4 લાખ | 5 |
| સુરત | 65 લાખ | 9.60 લાખ | 14 | 2.75 લાખ | 4 |
| વડોદરા | 20 લાખ | 5.85 લાખ | 29 | 1.80 લાખ | 9 |
| રાજકોટ | 18 લાખ | 4.40 લાખ | 24 | 1.30 લાખ | 7.2 |
| ભાવનગર | 8 લાખ | 1.60 લાખ | 20 | 63 હજાર | 7.8 |
| જામનગર | 7 લાખ | 1.55 લાખ | 22 | 48 હજાર | 6.9 |
| જૂનાગઢ | 4 લાખ | 65 હજાર | 16 | 28 હજાર | 7 |
કોરોના વિરુદ્ધ 70% વસતિમાં રોગપ્રતિકારક શક્તિ જરૂરી’
કોરોનાની સામે હર્ડ ઇમ્યુનિટી માટે 70 ટકા વસતિમાં રોગપ્રતિકારક શક્તિ હોવી જોઇએ. આ ઉપરાંત રસીનો એક ડોઝ લીધો હોય તેવી વ્યક્તિને ઇમ્યુનાઇઝ્ડ એટલે કે રોગપ્રતિકારક શક્તિ મેળવી લીધેલી ન ગણી શકાય, એ માટે બન્ને ડોઝ લીધેલા હોવા જરૂરી છે. – ડૉ. તેજસ પટેલ, સિનિયર કાર્ડિયોલોજિસ્ટ (કોવિડ ટાસ્કફોર્સ).
70% રસીકરણનું ગણિત
- 6.80 કરોડ અંદાજિત વસતિ
- 4.76 કરોડ (કુલ વસતિના 70%)
- 9.52 કરોડ કુલ ડોઝની જરૂર – (એક વ્યક્તિને બે લેખે)
- 60 લાખ મહિને સરેરાશ રસીકરણ
- 2 વર્ષ લાગશે 70%ના રસીકરણમાં
18થી 45 વર્ષમાં માત્ર 8% લોકોનું રસીકરણ
- હાલની સ્થિતિ – રાજ્યમાં 18થી 45 વર્ષની વયજૂથમાં અંદાજે 3.10 કરોડ વસતિ છે. અત્યારસુધીમાં આ વયજૂથમાં 25 લાખ લોકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે, એટલે કે માત્ર 8 ટકાને જ.
- સંભાવના – દૈનિક એક લાખને રસી આપવાનું લક્ષ્ય છે. જો આ લક્ષ્યાંક જળવાયેલો રહે તો 15 જૂન સુધી કુલ 45 લાખ આસપાસ લોકોને રસી અપાઇ જશે, એટલે કે 15% આસપાસ થશે.
45+ના 54%ને પહેલો, 20%ને બંને ડોઝ મળ્યા
- હાલની સ્થિતિ – 1.82 કરોડ લોકો 45 વર્ષથી ઉપરના છે. અત્યારસુધી 1.35 કરોડનું રસીકરણ થયું છે, એટલે કે લગભગ 75% લોકોના, જેમાંથી 54%ને પહેલો, 20%ને બંને ડોઝ મળ્યા છે.
- સંભાવના – આ ગતિએ આગામી 20 દિવસમાં 1.15 કરોડ લોકોને પહેલો ડોઝ મળી જશે, જે આ વયજૂથમાં 63 ટકા હશે. 40 લાખને બન્ને ડોઝ મળી જશે, જે આ વયજૂથમાં અંદાજે 21 ટકા હશે.
