- ગઈકાલે સૌથી વધુ પંચમહાલના મોરવા હડફ 2 ઈંચ વરસાદ નોંધાયો છે
- હવામાન વિભાગ દ્વારા સપ્ટેમ્બરમાં અમદાવાદમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે
થોડા દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી મેઘ મહેર જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 115 તાલુકામાં અડધાથી 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ પંચમહાલના મોરવા હડફ તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારબાદ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, મહેસાણા, તાપી, ગાંધીનગર, છોટા ઉદેપુર, ખેડા, અરવલ્લી, અમદાવાદ સહિતમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી 4 દિવસ રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. જુનાગઢ, ભાવનગર, અમદાવાદ, મોરબી, કચ્છ, રાજકોટ, પાટણ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, સુરત, મહેસાણા, વડોદરા સહિતના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે.
24 કલાકમાં 20 તાલુકામાં અડધાથી 2 ઈંચ વરસાદ
| જિલ્લો | તાલુકો | વરસાદ(મિમિ) |
| પંચમહાલ | મોરવા હડફ | 55 |
| પાટણ | સિધ્ધપુર | 51 |
| બનાસકાંઠા | તલોદ | 50 |
| વલસાડ | ઉમરગામ | 48 |
| વલસાડ | વાપી | 40 |
| પાટણ | પાટણ | 39 |
| મહેસાણા | ઉંઝા | 36 |
| સાબરકાંઠા | પ્રાંતિજ | 35 |
| તાપી | વ્યારા | 34 |
| બનાસકાંઠા | વડગામ | 33 |
| છોટાઉદેપુર | ક્વાંટ | 32 |
| ગાંધીનગર | દેહગામ | 22 |
| ખેડા | ખથલાલ | 20 |
| અરવલ્લી | મોડાસા | 19 |
| રાજકોટ | જેતપુર | 19 |
| બનાસકાંઠા | ભાભર | 18 |
| આણંદ | ઉમરેઠ | 17 |
| મહેસાણા | બેચરાજી | 16 |
| ડાંગ | વઘાઈ | 16 |
| પાટણ | હારિજ | 15 |
31મી ઓગસ્ટ બાદ અનેક વિસ્તારોમાં મેઘમહેરની આગાહી
બીજી તરફ રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ચાર દિવસમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. એટલે કે 31મી ઓગસ્ટ બાદ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં આણંદ અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ખેડા, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થઈ શકે છે. પહેલી સપ્ટેમ્બરના રોજ રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ 3 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.
સપ્ટેમ્બરમાં અમદાવાદમાં સારા વરસાદની આગાહી
રાજ્યમાં 30 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન હળવોથી ભારે વરસાદ જયારે અમદાવાદમાં એક અઠવાડિયા દરમિયાન 1થી 3 ઇંચ વરસાદ પડવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4.1 ડિગ્રી વધીને 36.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 1.8 ડિગ્રી વધીને 26.6 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે શહેરમાં દિવસ દરમિયાન ગરમીનું જોર યથાવત રહ્યું હતું. પરંતુ, હાલમાં બંગાળની ખાડીમાં સક્રીય થયેલા લો-પ્રેશરની અસરોથી સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયા દરમિયાન વરસાદી ઝાપટાથી લઇને 1થી 3 ઇંચ હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
ચોમાસાની સિઝન પુરી થવામાં દોઢ મહિનો બાકી
રાજ્યમાં ચોમાસાની સિઝન પુરી થવામાં હવે માંડ એકથી દોઢ મહિનાનો સમય બાકી રહ્યો છે. જૂનમાં 120 મિમી, જુલાઈમાં 177 મિમી અને ઓગસ્ટમાં 54 મિમી મળીને કુલ 352 મિમી વરસાદ થયો છે. ગુજરાતમાં થતાં 840 મિમી વરસાદની સામે માંડ 42 ટકા જેટલો વરસાદ થયો છે. હવે ચોમાસામા બાકી રહેતા દિવસોમાં ઘટ જેટલો વરસાદ પડવો જરૂરી છે. નહીંતર રાજ્યમાં દુષ્કાળના ડાકલા વાગશે. હાલની સ્થિતિએ રાજ્યના 12 જિલ્લા એવા છે જ્યાં ખેતીની સિંચાઈ માટે પાણી આપવા તો ઠીક પરંતુ પીવાના પાણીના પણ ફાંફાં થાય તેવી સંભાવના પણ નકારી શકાય એવી નથી. બીજી બાજુ ડેમોમાં પાણી ઓછું હોવાના કારણે ખેતીના પાકને પણ ભારે નુકસાન થવાની ભિતી છે.
ગુજરાતમાં સિઝનનો માત્ર 14 ટકા વરસાદ નોંધાયો
ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 14 ટકા વરસાદ નોંધાયો છે, આમ સમગ્ર ચોમાસાની સિઝનના કુલ એવરેજ વરસાદની સરખામણીએ હજુ 58 ટકા વરસાદની ઘટ છે. મહત્વનું છે કે, છેલ્લા બે વર્ષથી ઓગસ્ટ માસમાં ધોધમાર વરસાદ વરસવાનો સિલસિલો આ વર્ષે જળવાયો નથી. આ વખતે ઓગસ્ટના 28 દિવસમાં માત્ર ૨ ઈંચ જ વરસાદ વરસ્યો છે જેની સામે ગત વર્ષે 22 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વર્ષ-2019માં પણ 17.29 ઈંચ જેટલો વરસાદ માત્ર ઓગસ્ટ માસમાં જ વરસ્યો હતો. આમ છેલ્લા પાંચ વર્ષમાં આ વર્ષે ઓગસ્ટ માસનો સૌથી ઓછો વરસાદ નોધાયો છે.
