પ્રી-મોન્સૂન પ્લાન પાણીમાં:રાજકોટમાં ધોધમાર વરસાદથી પોપોટપરા ગળનાળું બંધ કરાયું, શહેરમાં CP ઓફિસ સામે વૃક્ષ ધરાશાયી, પહેલા જ વરસાદે તંત્રની પોલ ખૂલી

By Abhishek Raghuvanshi
3 Min Read
ધોધમાર વરસાદ.
  • લોધિકા અને ખીરસરા સહિત ગ્રામ્યમાં પણ ધોધમાર વરસાદ

રાજકોટ સહિત લોધિકા અને ખીરસરામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સવારથી વાતાવરણ ખોરંભાતાં આકાશ કાળાં ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. અચાનક વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આસપાસનાં ગામોમાં પણ ધીમી ધારે વરસાદ વરસતાં રસ્તા પર પાણી ભરાઈ ગયાં હતાં.જેના કારણે પોપોટપરા ગળનાળુ બંધ કરવામાં આવ્યું છે.

CP ઓફિસ સામે વૃક્ષ ધરાશાયી.

પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી
રાજકોટ શહેરમાં ચોમાસાની સીઝનની શરૂઆતમાં જ પ્રી-મોન્સૂન પ્લાન અંગે સવાલો ઊભા થયા છે. થોડા વરસાદમાં જ શહેરમાં પાણી ભરાઈ ગયાં હતાં. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત પોલીસ કમિશનર કચેરીની પાસે પણ વરસાદ અને ભારે પવનને કારણે એક વૃક્ષ ધરાશાયી થયું હતું.

લોધિકા અને ખીરસરામાં ધોધમાર વરસાદ.

રાજકોટમાં સવારે ઝરમર વરસાદ વરસ્યો
રાજકોટમાં છેલ્લા ઘણા દિવસથી અસહ્ય ગરમી અને બફારો થઇ રહ્યો છે, જેને કારણે રાજકોટવાસીઓ વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. શહેરમાં હાલ મેઘસવારી આવી પહોંચી હતી. શહેરના અમુક વિસ્તારોમાં ધોધમાર તો અમુક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, જેમાં યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો.

લોકોએ ગરમીમાંથી રાહત મેળવી
લોધિકા અને ખીરસરામાં વરસાદ વરસતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી તેમજ અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થવાની ફરિયાદ પણ મળી હતી. ભારે બફારા વચ્ચે વરસાદ આવતાં વાતાવરણ ઠંડું બની ગયું છે. પંથકમાં વરસાદ વરસતાં આગોતરા પાકનું વાવેતર કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.

- Advertisement -

ગઈકાલે જેતપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો
ગઈકાલે જેતપુર પંથકમાં ભારે પવન-ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વાવણીલાયક વરસાદની ખેડૂતો રાહ જોઇ રહ્યા છે. ગઈકાલે રાજકોટ જિલ્લામાં વરસેલા વરસાદની વાત કરીએ તો લોધિકામાં 1 ઇંચ, જસદણમાં 7 મિમી, ધોરાજીમાં પોણો ઇંચ અને કોટડાસાંગાણીમાં 0.5 ઇંચ સહિત જિલ્લામાં કુલ 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.

વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

રાજકોટમાં સવારે ઝરમર વરસાદ વરસ્યો
રાજકોટના મોરબી રોડ, આજીડેમ, ગ્રીનલેન્ડ ચોકડી, અમૂલ સર્કલ સહિતના વિસ્તારોમાં આજે વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો, આથી રસ્તાઓ ભીના થયા હતા. જ્યારે સરધારમાં વરસાદી ઝાપટું વરસી જતાં રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી લોકો અસહ્ય ગરમીથી ત્રસ્ત બન્યા હતા, પણ વરસાદ થતાં લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે.

રસ્તાઓ ભીના થયા હતા.

વાહનચાલકોને દર વર્ષની માફક પરેશાની
રાજકોટ શહેર અને જિલ્લામાં પડેલા વરસાદે તંત્રની પોલ છતી કરી દીધી છે. વરસાદી ઝાપટાંને કારણે ક્યાંક રસ્તા પર પાણીનાં ખાબોચિયાં તો ક્યાંક રસ્તા પર ખાડા નજરે પડી રહ્યાં છે. માત્ર વરસાદી ઝાપટાંથી રાજકોટમાં ગોંડલ રોડ ચોક ખાતે ખાડા અને પાણીનાં ખાબોચિયાં ભરેલાં નજરે પડ્યાં હતાં, જેને કારણે વાહનચાલકોને દર વર્ષની માફક આ વર્ષે પણ ચોમાસાની શરૂઆતથી જ મુશ્કેલીનો સામનો કરવાની શરૂઆત થઇ ચૂકી હોય એવું લાગી રહ્યું છે.

Exit mobile version