પાટીલે કહ્યું- અંબરીશ ડેરને મેં આમંત્રણ આપ્યું નથી, પાટીદાર આંદોલનના 78 કેસ પાછા ખેંચાશે, સૌરાષ્ટ્ર યુનિ.માં પેધી ગયેલા સિન્ડિકેટ સભ્યોને હટાવાશે

By Abhishek Raghuvanshi
5 Min Read
  • 15 નવેમ્બરે ભાજપના સ્નેહમિલનમાં રૂપાણી અને મોકરિયા વચ્ચે બોલાચાલી થઈ હતી
  • રાજકોટ શહેરમાં ભાજપનું સંગઠન મજબૂત છે, રૂપાણી સ્ટાર પ્રચારક જ રહેશેઃ પાટીલ

રાજકોટ ભાજપમાં જૂથવાદ વચ્ચે સી.આર. પાટીલ સૌપ્રથમ વખત રાજકોટ આવ્યા છે. ત્યારે શહેર ભાજપના કાર્યકરો દ્વારા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રસ્તા પર ફૂલની જાજમ પાથરવામાં આવી હતી તો ડીજેના તાલે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ માટે સવારથી જ રાજકોટ ભાજપના આગેવાનો એરપોર્ટ પર પહોંચી ગયા હતા. પાટીલ રાજકોટ આવ્યા ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત ગયા છે અને ભાજપના સૌથી સિનિયર નેતા વજુભાઈ વાળા બહારગામ જતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. પ્રેસ-કોન્ફરન્સમાં પાટીલે જણાવ્યું હતું કે અંબરીશ ડેરને મેં આમંત્રણ આપ્યું નથી, પાટીદાર આંદોલનના 78 કેસ પાછા ખેંચાશે, સૌરાષ્ટ્ર યુનિ.માં પેધી ગયેલા સિન્ડિકેટ સભ્યોને હટાવાશે.

લોકો પ્રતિબંધિત નથી એ વસ્તુ વેચી શકે છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે 2014 પછી 1,64,000 કરોડ જેવી માતબર રકમ ખેડૂતોનાં ખાતાંમાં નાખવામાં આવી છે. અમરીશ ડેરને આમંત્રણ આપ્યું નથી. પાટીદાર આંદોલનના ઘણાબધા કેસો પાછા ખેંચી લીધા છે, બીજા 78 કેસો પાછા ખેંચવાની કાર્યવાહી ચાલી રહી છે. આ દેશની અંદર લોકોએ જે ખાવું હોય એની સ્વતંત્રતા છે. લોકો નોન-વેજ પણ ખાઈ શકે છે. પ્રતિબંધિત નથી એ વસ્તુ લોકો વેચી શકે છે.

સર્કિટ હાઉસ ખાતે પ્રેસ-કોન્ફરન્સ યોજાઈ.

સૌરાષ્ટ્ર યુનિ.માં નો-રિપીટની થિયરી અપનાવાશે
તેમણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં પેધી ગયેલા સિન્ડિકેટ સભ્યોને હટાવવામાં આવશે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નો-રિપીટ થિયરી અપનાવવામાં આવશે. અધ્યાપકોની ભરતીકાંડમાં જે કોઈ જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી થશે. વડાપ્રધાને કૃષિના ત્રણ કાયદા પાછા ખેંચીને ખેડૂતના હિત માટે પગલું ભર્યું છે, એના માટે કામ કરીશું. દરેક અર્થનો અનર્થ કરવામાં આવ્યો નથી. મેં કોઈ અમરીશ ડેરને આમંત્રણ આપ્યું નથી. અંબરીશ ડેર પહેલાં ભાજપમાં હતા. માસ્ક અને દંડ મુદ્દે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીશું.

પાટીલનું એરપોર્ટ પર સ્વાગત.

રાજકોટમાં કોઈ જૂથવાદ નથી
રાજકોટમાં જૂથવાદને લઇને વિવાદ થયો છે, એને લઇને તેમણે જણાવ્યું હતું કે મારા કાર્યક્રમમાં પણ મારા માટે સૂચના હતી કે વધુ મોટો કાર્યક્રમ ન કરવો. રાજકોટ ભાજપમાં કોઈ જૂથવાદ નથી. કમલેશ મીરાણીની આગેવાનીમાં જ ચૂંટણી લડાશે. કોઈ કોંગ્રેસના લોકોને લેવામાં આવશે નહીં. પાર્ટીના કાર્યકર્તા સમક્ષ છે. ચૂંટણી જીતવા માટે તમામ પડકારોનો સામનો કરી પાર્ટીને જિતાડવા કાર્યકરોને કામે લગાડવામાં આવશે.

- Advertisement -

આજે સ્નેહમિલન પણ રદ કરવું પડ્યું
રાજકોટમાં પ્રદેશ ભાજપ-પ્રમુખ સીઆર પાટીલનો 20મીનો કાર્યક્રમ અગાઉથી જાહેર થઇ ગયો હતો અને પાટીલની હાજરીમાં 20મીએ કાર્યકર્તા સ્નેહમિલન યોજાવાનું હતું, પરંતુ 15મીએ શહેર ભાજપે સ્નેહમિલન યોજી નાખ્યું હતું અને એમાં જે રીતે સિનિયર નેતાઓ વચ્ચે બોલાચાલી થઇ એના બીજા જ દિવસે પાટીલની હાજરીમાં યોજાનારું સ્નેહમિલન રદ કરવાની જાહેરાત થઇ હતી.

ટ્રેડિશનલ ડ્રેસમાં દીકરીઓએ પાટીલનું સ્વાગત કર્યું.

સીઆર પાટીલ આજે 4 વાગ્યા સુધી રાજકોટમાં
આ તમામ તણાવની વચ્ચે આજે સીઆર પાટીલ રાજકોટ આવ્યા છે, ત્યાં આગેવાનો-કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. એરપોર્ટથી પાટીલ સીધા સર્કિટ હાઉસ પહોંચ્યા છે અને અહીં પત્રકાર પરિષદ યોજી પ્રદેશ પ્રમુખ ત્રણ-ચાર ખાનગી કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે 12.30 વાગ્યે ઇમ્પીરિયલ હોટલ ખાતે ઉદ્યોગપતિઓ સાથે મિલન યોજાશે. 3 વાગ્યે શહેર ભાજપના આગેવાનો સાથે હેમુ ગઢવી હોલ ખાતે મિલન થશે અને એ જ સ્થળે 4 વાગ્યે બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં હાજર રહેશે.

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, રામ મોકરિયા, મોહન કુંડારિયા, રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી સહિતના આગેવાનો એરપોર્ટ પર જોવા મળ્યા.

બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં નીતિન ભારદ્વાજ ગેરહાજર રહેશે
સત્તાપરિવર્તન બાદ સીઆર પાટીલ પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે, ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળા રાજકોટમાં હાજર નથી. બંને નેતાઓ બહારગામ હોવાનું કહેવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બ્રહ્મ સમાજના જ આગેવાન નીતિન ભારદ્વાજ પણ બહારગામ હોવાનું સ્થાનિક નેતાઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

લોકોએ સીઆર પાટીલ સાથે સેલ્ફી લેવા પડાપડી કરી.

કેટલાક આગેવાનો સાથે બંધબારણે બેઠક થવાની સંભાવના
પ્રદેશ પ્રમુખ પાટીલની હાજરીમાં શહેરના હોદ્દેદારો અને સંગઠનની વિવિધ પાંખના નેતાઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મીડિયાને પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે. શહેર ભાજપમાં કેટલાક દિવસોથી શરૂ થયેલા જૂથવાદ મુદ્દે પ્રદેશ પ્રમુખ કેટલાક નેતાઓ માટે સાંકેતિક વાતો કરશે તેમજ કેટલાક નેતાઓ સાથે બંધબારણે પણ બેઠક કરશે, એવું ભાજપનાં સૂત્રોએ કહ્યું હતું.

ભાજપ દ્વારા પાટીલનું સ્વાગત.
Exit mobile version