- એક મહિના પહેલાં લગ્ન કરનાર નવદંપતી સાથે લગ્નની મન્નત ચઢાવ્યા બાદ નદીમાં નાહવા જતા પરિવારના 5 સભ્ય ડૂબ્યાં
- ગત રોજ રાત સુધી નદીમાં ગુમ ત્રણની શોધખોળ કરી હતી, આજે ફરી શોધખોળ કરતા વધુ એક મહિલાનો મૃતદેહ મળ્યો
સુરતના મુસ્લિમ પરિવારના દીકરાના એક માસ પહેલાં જ લગ્ન થયા હોઈ, મહુવાના કુમકોતર ખાતે આવેલી જોરાવર પીરબાવાની દરગાહની લીધેલી મન્નત પૂરી કરવા આવ્યા હતા. દરગાહ પર મન્નત ચઢાવી નવદંપતી સહિત પરિવારના સભ્યો નદીમાં નાહવા ગયાં અને 5 સભ્ય ડૂબી જવાની ઘટનાથી પરિવારની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ હતી. પરિવારમાં 2 ભાઈ અને પિતા તેમજ બાળકો રહી ગયાં હતાં. ગત રોજ બે મહિલાના મૃતદેહ મળ્યા બાદ આજે વધુ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પરિવારના સભ્યો નાહવા જતાં આનંદની ક્ષણ ક્ષણવારમાં શોકમાં પરિવર્તિત થઈ. પરિવાર દ્વારા લેવામાં આવેલી છેલ્લી તસવીરો સામે આવી છે.
નવદંપતી સહિત પરિવારના 10 સભ્ય નદીમાં નાહવા ગયા હતા
રતના લીંબાયત ખાતે રહેતા આરીફશા સલીમશા ફકીર શહેરમાં કાપડ માર્કેટમાં નોકરી કરતો હતો. તેમના લગ્ન એક મહિના પહેલાં જ સમીમબી આરીફશા ફકીર સાથે થયા હતા. પરિવારે પુત્રના લગ્નની જોરાવર પીરબાવાની દરગાહની મન્નત માગી હતી, જે પૂરી કરવા માટે મંગળવારે રિક્ષામાં મહુવાના કુમકોતર ખાતે પરિવાર સાથે આવ્યા હતા. દરગાહ પર મન્નત ચઢાવીને નવદંપતી સહિત પરિવારના 10 સભ્ય દરગાહ નજીક અંબિકા નદીમાં નાહવા માટે ગયા હતા.
નવોઢા લગ્નના માંડ એક માસ જોઈ શકી
પરિવારના સભ્યો નાહતા આનંદની ક્ષણ ક્ષણવારમાં શોકમાં પરિવર્તિત થઈ હતી. પાણીમાં નવદંપતી સહિત પરિવારના 5 સભ્ય ગરક થઈ જવાની ઘટના બની હતી. મન્નત ચઢાવવા આવેલા પરિવારના 5 સભ્ય પર કાળનો કહેર થયો હતો. નવોઢાના લગ્નને માંડ એક માસનો સમય થયો હતો. આ નવદંપતીની પાણીમાં રાત્રે શોધખોળ કરવા છતાં ભાળ મળી નથી. પિતા અને ભાઈ સુરત હોઈ, જાણ થતાં જ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. પરિવારના પાંચ સભ્ય ડૂબી ગયા હોઈ, જેના આક્રંદથી સ્થાનિકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
નદીકાંઠે બાળકો અને એક ભાઈ હતો, પણ બચાવી ન શક્યો
યુવાન આરીફશા સલીમશા ફકીર નદીના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. દીકરાને ડૂબતો જોઈ માતા રૂક્ષાનાબી સલીમશા ફકીર બચાવવા જતાં તે પણ ખેંચાઈ ગઈ હતી, એ જોતાં પત્ની સમીમબી આરીફશા ફકીરે બચાવવાની કોશિશ કરી હતી, તે પણ ડૂબવા લાગતાં અન્ય હાજર યુવકની 2 ભાભી પરવીનબી જાવીદશા ફકીર અને રૂક્ષારબી જાકુરશા ફકીર પણ બચાવવા જતાં ઊંડા પાણીમાં ખેંચાઈ ગયાં હતાં. જોતજોતાંમાં પરિવારના 5 સભ્ય પાણીમાં ગરક થયા હતા. બહાર બાળકો અને ભાઈ જાવીદશા સલીમશા ફકીર જે નદીમાં નાહવા પડ્યા નહોતાં. તેમણે બૂમાબૂમ કરી હતી, પરંતુ ત્યાં કોઈ હાજર ન હોવાથી 4 મહિલા અને 1 યુવક ઊંડા પાણીમાં ખેંચાયાં હતાં. સ્થાનિક અને ફાયરની મદદથી રૂક્ષાનાબી સલીમશા ફકીર (55) અને પરવીનબી જાવીદશા ફકીર (30)ના મૃતદેહ મળ્યા હતા, જ્યારે અન્ય 3ની શોધખોળ કરવા છતાં ભાળ મળી ન હતી. આજે ફરી શોધખોળ કરવામાં આવતા રૂક્ષારબી જાકુરશા ફકીરનો મૃતદેહ મળી આવ્યો હતો. હજુ નવદંપતીની શોધખોળ ચાલુ છે.
મારી પત્ની-માતા સહિતનો પરિવાર મારી નજર સામે જ ડૂબી ગયાઃ બચી જનાર ભાઈ
જાવીદશા સલીમશા ફકીર (ડૂબી જનાર પરિવારનો સભ્ય)એ જણાવ્યું હતું કે સુરતથી રિક્ષા લઈ પરિવારજનો સાથે જોરાવર પીરબાવાનાં દર્શને આવ્યા હતા. દર્શન કરી પત્ની, ભાઈ, માતા અને ભાભી સહિતના પરિવાર સભ્યો નદીમાં નાહવા ગયાં હતાં અને હું બહાર જ બેઠો હતો. અચાનક નાહતાં નાહતાં મારો ભાઈ નદીના પાણીમાં ડૂબવા લાગ્યો હતો, જેને બચાવવા પ્રથમ મારી માતા ગઈ, તે પણ ડૂબવા લાગતાં તેમને બચાવવા મારા ભાઈની પત્ની અને ત્યાર બાદ મારી પત્ની અને ભાભી પણ બચાવવા જતાં તમામ મારી નજર સામે જ ડૂબી ગયાં હતાં. મેં નદીના પાણીમાંથી બાળકોને બહાર કાઢી લીધા હતા, પરંતુ અન્યોને ડૂબતા બચાવી શક્યો નહોતો.
બે વર્ષ અદાઉ પણ બે યુવાન ડૂબ્યા હતા
બે વર્ષ અગાઉ 11 નવેમ્બર 2019ના રોજ પણ સુરતના બે યુવાન કુમકોતર ગામે દરગાહ પર ચાદર ચઢાવી અંબિકા નદીમાં નાહવા ગયા હતા અને નાહતાં નાહતાં બંને ડૂબી ગયા હતા. બહારથી આવતા લોકોની અહીં ડૂબવાની ઘટના બની છે. સ્થાનિકો આ ડુબાઉ સ્થળથી પરિચિત છે, જેથી તેઓ આ સ્થળે જતા નથી.
નદીમાં ન નાહવા બાબતે બોર્ડ પણ મુકાયાં છે
જોરાવરપીરની દરગાહ પરથી લોકો અંબિકા નદીમાં નાહવા જતા હોવાથી ટ્રસ્ટ બે રસ્તા પર બેરિકેડ્સ બનાવ્યા છે. અંબિકા નદીમાં ન નાહવા બાબતે બોર્ડ પણ મૂકવામાં આવ્યાં છે છતાં સુરતનો પરિવાર નદીમાં નાહવા ઊતર્યો હતો અને એક પરિવારના 5 સભ્ય પાણીમાં ગરક થયા હતા.
એક જ પરિવારના 5 સભ્ય ડૂબતાં અધિકારીઓ દોડી આવ્યા હતા
એક જ પરિવારના 5 સભ્ય નદીમાં ખેંચાઈ જવાની ઘટનાને પગલે વહીવટીતંત્ર પણ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. જિલ્લા પોલીસવડાં ઉષા રાડા, ડીવાયએસપી રૂપલ સોલંકી, બારડોલી પ્રાંત અધિકારી વિજય રબારી , મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓ સ્થળ પર આવ્યાં હતાં.
મૃતકનાં નામ
- રૂક્ષાનાબી સલીમશા ફકીર(55)
- પરવીનબી જાવીદશા ફકીર(30)
- રૂક્ષારબી જાકુરશા ફકીર(27)
નદીમાં ગુમ થયેલા સભ્યો
- આરીફશા સલીમશા ફકીર (22)
- સમીમબી આરીફશા ફકીર(18)
