- કોરોનાના ટેસ્ટ યોગ્યતાપૂર્વક થતા ન હોવાનો જિલ્લા આરોગ્ય વિભાગે બી. જે. મેડિકલને પત્ર લખ્યો
- અમદાવાદ જિલ્લા વિસ્તારોમાં કોરોના ટેસ્ટિંગમાં વ્યાપક ગોટાળા સામે વિરોધ
- જિલ્લામાં કોરોનાના ટેસ્ટિંગમાં છબરડાં થતાં હોવાનું ડોક્ટરોએ આરોગ્ય વિભાગનું ધ્યાન દોર્યું હતું
- બી. જે. મેડિકલ તરફથી પત્રનો જવાબ ન આવતાં હવે ગાંધીનગરમાં આરોગ્ય વિભાગનું ધ્યાન દોરાશે
- ખોટા રિપોર્ટને કારણે લોકોએ વિરોધ શરૂ કરતાં ટેસ્ટિંગની કેટલીક જગ્યાઓએ સ્ટાફ જતો ન હતો
અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરાતા કોરોનાના આરટી-પીસીઆર ટેસ્ટ ખાનગી લેબમાં બદલાઈ જતા હોવા અંગે બી. જે. મેડિકલના માઇક્રો બાયોલોજિકલ વિભાગને પત્ર લખવામાં આવ્યો છે.
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આરટી-પીસીઆરનાં સેમ્પલ બી. જે. મેડિકલ કોલેજના માઇક્રો બાયોલોજિકલ વિભાગમાં મોકલાતાં હતાં, જેમાં નેગેટિવ સેમ્પલનો રેશિયો વધુ હોવાના આક્ષેપ થયા છે. કોરોના ટેસ્ટિંગમાં ગોટાળા થતાં લોકોએ વિરોધ પણ કર્યો હતો. વિરોધને પગલે સ્થાનિક તબીબી સ્ટાફે જિલ્લા આરોગ્ય વિભાગનું ધ્યાન દોર્યું હતું કે જિલ્લા હેલ્થ વિભાગ દ્વારા થતા કોરોના ટેસ્ટિંગના નેગેટિવ રિપોર્ટ ખાનગી લેબમાં પોઝિટિવ અને પોઝિટિવ રિપોર્ટ ખાનગી લેબમાં નેગેટિવ આવે છે. તબીબોના અભિપ્રાય બાદ જિલ્લા આરોગ્ય વિભાગે બી. જે. મેડિકલને આરટી-પીસીઆર ટેસ્ટ યોગ્યતાપૂર્વક થતા ન હોવાનો પત્ર પણ લખ્યો હતો. મહિના અગાઉ લખેલા પત્રનો હજી સુધી માઇક્રો બાયોલોજિકલ વિભાગે જવાબ આપ્યો નથી. આમ હવે જિલ્લા આરોગ્ય વિભાગ ગાંધીનગર આરોગ્ય વિભાગનું ધ્યાન દોરશે.
કોરોના વધી રહ્યો હતો ત્યારે ટેસ્ટિંગમાં ગરબડથી ઘણાના જીવ જોખમાયા
જિલ્લા કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે માર્ચ-એપ્રિલમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા હતા ત્યારે ટેસ્ટિંગમાં ગરબડોને કારણે લોકો ગેરમાર્ગે દોરાયા હતા, ઘણા લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. િવિભાગ પાસે કોઈ વિકલ્પ ન હોવાથી બી.જે.મેડિકલમાં સેમ્પલ મોકલવાનું ચાલુ છે, આ રિપોર્ટ્સ પણ યોગ્ય આવતા નથી.
સરકારે આ મામલે તપાસ કરીને તરત પગલાં લેવાં જોઈએ: જિ. કોંગ્રેસ-પ્રમુખ
અમદાવાદ જિલ્લા કોંગ્રેસ-પ્રમુખ પંકજસિંહ વાઘેલાએ કહ્યું- કોરોનાના રિપોર્ટમાં ગોટાળા બહાર આવ્યા પછી ધીમે ધીમે વિરોધ વધતાં કેટલાંક સ્થળોએ ટેસ્ટિંગ માટે સ્ટાફ જતો ન હતો. આ અંગે માર્ચ મહિનામાં જ જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા પંચાયતના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન પણ દોર્યું હતું. મને પગલાં ભરવાની ખાતરી પણ આપી હતી, પરંતુ કોઈ પગલાં ભરાયાં ન હતાં. લોકોના આરોગ્ય સાથે રમાતી રમત તંત્ર મૂકપ્રેક્ષક બનીને જોયા કરતું હતું. રાજ્યના અન્ય જિલ્લાની સરકારી લેબના કોરોના રિપોર્ટ સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. સરકારે આ અંગે તપાસ કરી ત્વરિત પગલાં ભરવા જોઇએ.
30થી વધુ સિટી સ્કોર હોય તો નેગેટિવ: બી.જે. મેડિકલ
કોરોનાના ટેસ્ટિંગ અંગે બી. જે. મેડિકલના સત્તાવાળાઓને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે આઈસીએમઆરની ગાઇડલાઇન્સ પ્રમાણે, અગાઉ 39 સિટી સ્કોર હોય તો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ ગણાતો હતો. ત્યાર બાદ નવી ગાઇડલાઇન્સ મુજબ, જો 30થી ઉપર સ્કોર હોય તો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ ગણાતો હતો. રિપોર્ટમાં વાયરસનો ગ્રાફ જોવામાં આવે છે, જેને આધારે કોરોનાનો નેગેટિવ અને પોઝિટવ રિપોર્ટ તૈયાર થાય છે.
કિસ્સો -1 : રિપોર્ટ નેગેટિવ, પણ ઓક્સિજન લેવલ ઘટતું હતું
સાણંદના એક દર્દીએ નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે પીએચસી સેન્ટરના આરટી-પીસીઆરના નેગેટિવ રિપોર્ટના બે દિવસ બાદ મારી તબિયત લથડી હતી. આરોગ્ય ચકાસણીમાં ઓક્સિજન લેવલ ઘટતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો હતો. જોકે વેન્ટિલેટરની જરૂર ઊભી થઈ ન હતી, પરંતુ આવા બેજવાબદાર રિપોર્ટ સામે મારી નારાજગી છે.
કિસ્સો -2 : 2 જુદા જુદા રિપોર્ટ વચ્ચે આઇસોલેટ થવું પડ્યું
દસક્રોઈના એક દર્દીએ કહ્યું, ખાનગી લેબમાં કોરોનાના મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પછી મિત્રના કહેવાથી પ્રાઇમરી હેલ્થ કેર (પીએચસી) સેન્ટરમાં આરટી-પીસીઆર કરાવ્યો હતો, જે નેગેટિવ આવતાં હું ગભરાયો હતો. કયો રિપોર્ટ સાચો માનવો એની મૂંઝવણ હતી. મારા ડોક્ટરે સલાહ આપતાં તાત્કાલિક કોવિડની સારવાર શરૂ કરી દીધી હતી. હું ઘરે 12 દિવસ આઇસોલેટ રહ્યો હતો.
કિસ્સો -3: ધોળકાના આરોગ્ય કેન્દ્રમાં કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો, ખાનગીમાં કરાવ્યો તો પોઝિટિવ આવ્યો
ધોળકાની મહિલાએ પીએચસી સેન્ટરમાં કોરોનાનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ તેની તબિયત સારી નહીં રહેતાં એક દિવસ પછી ખાનગી લેબમાં રિપોર્ટ કરાવ્યો તો એ પોઝિટિવ આવ્યો હતો. આ અંગે પીએચસી સેન્ટરમાં જાણ કરી ન હતી, પરંતુ કોવિડ કેર સેન્ટરના ડોક્ટરને જાણ કરી હતી.
