જીવ સટોસટીનો ખેલ:રાજકોટમાં મોટામવાના પુલ પર બાઇક સવાર યુવાન તણાયો, લાલપરીના બેઠા પુલ પર ખાડામાં છકડો રીક્ષા ડૂબી, LIVE દૃશ્યો

By Abhishek Raghuvanshi
3 Min Read
બન્ને ઘટનાનાં LIVE દૃશ્યો મોબાઇલમાં કેદ
  • ગઈકાલે પણ એક યુવક અને 3 મુસાફરો સાથે એક બસ પાણીના ધસમસતા પ્રવાહમાં પોપટપરાના નાળામાં ફસાયા હતા

હાલ રાજકોટમાં મેઘરાજાના મંડાણ થઈ ગયા છે. ત્યારે તંત્રના પ્રિ-મોન્સૂન પ્લાનની ખામી દર્શાવતી બે ઘટના સામે આવી છે. જેમાં મોટામવાના પુલ પર એક બાઇક સવાર યુવાન તણાયો હતો તો બીજી તરફ લાલપરીના બેઠા પુલ પર ખાડામાં છકડો રીક્ષા ડૂબી ગઈ હતી. આ બન્ને ઘટનાઓમાં સ્થાનિકો દ્વારા ડૂબેલા નાગરિકોનો જીવ બચાવવામાં આવ્યો હતો. આ બન્ને ઘટનાનાં LIVE દૃશ્યો મોબાઇલમાં કેદ થયા છે.

સ્થાનિકો દ્વારા છકડો રીક્ષાને બહાર કાઢવામાં આવી
મોટામવા પાસે સ્થાનિક યુવાનોએ બાઇક બહાર કાઢવા માટે રેસ્કયૂ ઓપરેશન હાથ ધર્યું.

ચાર જિંદગીને જીવનદાન મળ્યું
ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ અનરાધાર વરસાદ પડતા રસ્તાઓ નદી બની ગયા હતા અને નાલા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જોકે, શહેરનું સૌથી વધારે જોખમી નાલુ હોય તો તે પોપટપરાનું નાલુ છે. પહેલા બસ સ્કૂલ બસ ફસાઇ હતી. જેમાં ડ્રાઇવર, મહિલા સહિત 3 વ્યક્તિ સવાર હતા. જેને સ્થાનિક યુવાનોએ બચાવી લીધા હતા. બાદમાં એક યુવાન પાણીના ધસમસતા પ્રવાહમાં નાલુ પાર કરવા સાયકલ સાથે પાણીમાં ઉતર્યો હતો. જોકે પાણીના પ્રચંડ પ્રવાહ સામે તે સાયકલ સાથે જ પડી ગયો હતો. પરંતુ આ યુવાન સામેની બાજુ માંડ માંડ જીવ બચાવીને નીકળ્યો હતો. આમ પોપટપરાના નાલામાં ફસાતા અને તણાતા ચાર જિંદગીને જીવનદાન મળ્યું હતું.

પોપટપરામાં સ્કૂલ-બસચાલકે બસને નાળામાંથી બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો

મોટામવા પાસે બેઠાપૂલ પર યુવાન બાઇક સાથે તણાયો
રાજકોટમાં ભારે વરસાદને કારણે જયભીમનગરથી મોટામવા જવાના રસ્તે બેઠા પૂલ પર કેડસમું પાણી ફરી વળ્યું હતું. મોટામવા ગામ જવા માટે આ એક જ પૂલ છે. આથી લોકો દર વર્ષે હેરાન પરેશાન બને છે. ત્યારે આજે આ પૂલ પરથી એક યુવાન બાઇક સાથે પસાર થઇ રહ્યો હતો. ત્યારે અચાનક ધસમસતા પ્રવાહમાં યુવાન બાઇક સાથે તણાયો હતો. આથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને યુવાનને બચાવી લીધો હતો. જ્યારે બાઇકને બહાર કાઢવા માટે લોકોએ રેસ્કયૂ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ હજી સુધી બાઇક હાથ લાગ્યુ નથી. આ બેઠા પૂલ પર મોટો પૂલ બનાવવા લોકોએ અનેકવાર તંત્રને રજુઆત કરી છે છતાં વર્ષોથી આ પ્રશ્ન તેમને તેમ જ લટકી રહ્યો છે. યુવાને બાઇક ગુમ થયાની અરજી મોટામવા પોલીસ સ્ટેશનમાં કરી છે. તેમના સ્પ્લેન્ડર પ્લસ બાઇક નંબર GJ-03-JB-1928 છે.

પોપટપરામાં યુવાન સાયકલ સાથે પાણીમાં તણાયો હતો
Exit mobile version