- છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 240 તાલુકામાં મેઘમહેર
- સમગ્ર રાજ્યમાં કુલ સીઝનનો 30 ટકા વરસાદ થયો
આજે સવારે ચાર કલાકમાં રાજ્યના 88 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સવારે જૂનાગઢના માળિયામાં દોઢ ઈંચ વરસાદ થયો છે. જામનગરના જામજોધપુર તાલુકાના નરમાણા ગામે બપોર બાદ આભ ફાટતાં 3 કલાકમાં 10 ઇંચ વરસાદથી ગામમાં ‘સ્થળ ત્યાં જળ’ની સ્થિતિ જોવા મળી હતી. કાલાવડમાં પણ બપોરે 2થી 6 એટલે કે 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ધ્રોલ અને જોડિયા તાલુકામાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે છોટાઉદેપુર તાલુકામાં 7.5 ઇંચ, ક્વાંટ તાલુકામાં 6.73 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આગામી 30 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના 240 તાલુકામાં ચોમાસાની જમાવટ થઈ
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્ચના 240 તાલુકામાં ચોમાસાની જમાવટ થઈ છે, જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ, સુરેન્દ્રનગર, મહીસાગર, મહેસાણા,ડાંગ, તાપી, અરવલ્લી, પાટણ, અમદાવાદ, ખેડા, સુરત જિલ્લામાં નોંધાયો છે. સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં 5 ઇંચ, મહેસાણાના ઊંઝામાં 3.50 ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લાના વાપીમાં 2 ઇંચ, કપરાડામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. પંચમહાલના ગોધરામાં 3 ઇંચ, મોરવા(હ)માં 2.5 ઇંચ, જાંબુઘોડા અને શહેરમાં 3 ઇંચ ખાબક્યો હતો.
30મી જુલાઈ સુધી વરસાદની આગાહી
હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં 30 જુલાઈ સુધી વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં હજી વરસાદની ઘટ જોવા મળી રહી છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે માછીમારોને હાલમાં દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપી છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને દૂર જતા રહેવા માટે પણ જણાવવામાં આવ્યું છે.
રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ
ગુજરાતમાં હજુ સુધી 10.77 ઈંચ સાથે મોસમનો સરેરાશ 32.58 ટકા વરસાદ નોંધાયો છે. અત્યારસુધી કચ્છમાં 5.00 ઈંચ સાથે 30.25 ટકા, ઉત્તર ગુજરાતમાં 7.95 ઈંચ સાથે 28.16 ટકા, મધ્ય ગુજરાતમાં 9.56 ઈંચ સાથે 30.8 ટકા, સૌરાષ્ટ્રમાં 8.77 ઈંચ સાથે 31.89 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 20.23 ઈંચ સાથે મોસમનો 32.58 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
સમગ્ર રાજ્યમાં કુલ સીઝનનો 30 ટકા વરસાદ
ગુજરાતમાં શનિવારે રાજકોટ, ગોંડલ, અમરેલી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વડોદરા અને અમદાવાદ શહેરમાં એકથી પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ગોંડલમાં તો ચાર કલાકમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજકોટમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તથા બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી વાતાવરણ જામ્યું છે, જોકે રાજ્યમાં હજી પણ 8થી 10 ટકા જેટલી ઘટ છે અને કુલ સીઝનનો 30 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મોડી સાંજે વરસાદ પડ્યો હતો તેવી જ રીતે બનાસકાંઠાના પાલનપુર, ડીસા, રાધનપુરમાં પણ વરસાદે હાજરી પુરાવી હતી.
જળાશયોમાં નવાં નીર આવ્યાં
છેલ્લા બે દિવસથી વરસાદ થવાથી રાજ્યનાં જળાશયોમાં નવા નીરની આવક થઈ છે, જેમાં ઉકાઈ, દમણગંગા, વાત્રક, ગુહાઈ, માઝમ, મેશ્વો, હાથમતિ જેવાં જળાશયોમાં નવાં નીર આવ્યાં છે. ઉકાઈ ડેમમાં 0.95 ક્યુસેક પાણીની આવક થઈ છે. દમણગંગામાં 0.29 લાખ ક્યુસેક, મચ્છુમાં 0.044 લાખ, કડાણામાં 0.69 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે, જ્યારે ઉકાઈમાં 52.29 ટકા પાણીનો જથ્થો છે અને 0.83 ટકા પાણીની આવક નોંધાઈ છે.
