ચિચિયારીથી હાઇવે ગુંજી ઊઠ્યો:નવસારીના ખડસુપા પાસે ટ્રકે ટક્કર મારતાં કાર હવામાં ફંગોળાઈ, બેનાં મોત, ઇજાગ્રસ્તે કહ્યું- બધા લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા

By Abhishek Raghuvanshi
3 Min Read
  • નવસારીથી કામરેજ જતા મધ્યપ્રદેશના પરિવારને અકસ્માત નડ્યો
  • કારમાં બે બાળક સહિત 10 સભ્ય સવાર હતાં
  • ખડસુપા પાસે બેવાર ઇકો કાર બંધ પડી ગઈ હતી

નવસારીથી કામરેજ જતા મધ્યપ્રદેશના એક પરિવારને ખડસુપા પાસે અકસ્માત નડ્યો હતો, જેમાં પરિવારના સભ્યનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 5 સભ્યને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોઈ કારણસર ઇકો કાર ખડસુપા પાસે બંધ પડી ગઇ હતી અને એ દરમિયાન એક ટ્રકે પાછળથી ટક્કર મારતાં કાર હવામાં ફંગોળાઈ હતી, જેને કારણે રાત્રિની નીરવ શાંતિનું વાતાવરણ એકાએક ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યું હતું. સુરતમાં સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્તે જણાવ્યું હતું કે બધા લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડ્યા હતા. અકસ્માતને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પરિવાર એક મહિનાથી નવસારીમાં મજૂરીકામ કરતો હતો
બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, મધ્યપ્રદેશનો પરિવાર છેલ્લા એક મહિનાથી નવસારીમાં મજૂરીકામ કરતો હતો અને રાત્રે કામરેજ જઇ રહ્યો હતો. એ દરમિયાન રાત્રિના બે વાગ્યાની આસપાસ ઇકો કાર ખડસુપા પાસે પહોંચી ત્યારે ટેક્નિકલ ખામી સર્જાતાં કાર બંધ પડી હતી. પરિવારના સભ્યો ભરનિદ્રામાં હતા એ સમયે બેફામ આવતી ટ્રકે કારને ટક્કર મારી હતી, જેમાં પરિવારના બે સભ્યોનાં મોત થયાં હતાં.

દુર્ઘટનામાં મારા કાકાની દીકરીનું મોતઃ ઇજાગ્રસ્ત
ઇજાગ્રસ્ત વિનુ ધુલિયા નિનામાએ સુરત સિવિલમાં સારવાર દરમિયાન જણાવ્યું હતું કે એક મહિનાથી નવસારીમાં મજૂરીકામ કરી રહ્યા હતા. ઇજાગ્રસ્ત તમામ પરિવારના સભ્યો છે. કારમાં 10 મોટા અને 2 બાળકો હતાં. નવસારીથી રાત્રે ઇકો કારમાં બેસી કામરેજ આવવા નીકળ્યા હતા. ખડસુપા પાસે બેવાર કાર બંધ પડી ગઈ હતી. ડ્રાઇવર નીચે ઊતરી કોઈને ફોન કરી રહ્યો હતો. તમામ સભ્યો ઊંઘતા હતા. ત્યારે અચાનક જોરદાર અવાજ આવ્યો ને કાર હવામાં ફંગોળાઈ હોય એવો અહેસાસ થયો હતો. તમામની ચિચિયારી પડી ગઈ હતી. બધા જ લોહીલુહાણ હાલતમાં રોડ ઉપર પડેલા હતા. એમ્બ્યુલન્સ આવીને તમામને સારવાર માટે નજીકના દવાખાને લઈ ગઈ હતી. મારા કાકાની દીકરી સીજી અને સંબંધી પ્રકાશનાં આ દુર્ઘટનામાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે.

ઇજાગ્રસ્તોની યાદી
1.) સોનુ ડામોર (ઉં.વ. 15. રહે- કાકાનવાની ગામ, એમપી)
2.) શર્મિલા ખીમો નિનામાં (ઉં.વ. 25. રહે- કાકાનવાની ગામ, એમપી)
3.) માનસી વેડું (ઉં.વ. 7. રહે. કાકાનવાની ગામ, એમપી)
4.) વિનુ ધુલિયા નિનામા (ઉં.વ. 40. રહે. કાકાનવાની ગામ, એમપી)

- Advertisement -
Exit mobile version