ચાય.. ગરમ..ચાય:’ચા’ માટે આખો દિવસ કબ્રસ્તાનમાં રહેતી ભીડ જોઈ છે તમે? ગુજરાતમાં અહીં મળશે તમને બોર્નવિટાથી માંડીને આદુ-એલચી-મસાલાયુક્ત ચા!

By Abhishek Raghuvanshi
12 Min Read
તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઈસ્કોન ટી સ્ટોલ પર બેસીને ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમ શરૂ કર્યો હતો.
  • પહેલીવાર ગુજરાતનાં ચાર શહેર- અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતના ફેમસ ‘ચાયવાલા’ની ચાની ચુસ્કીઓની ખાસમખાસ વાતો
  • કડક મીઠી ચા તો ઘરમાં પણ બને અને એ પણ આખા દૂધની છતાં રસિયાઓને ખરો ટેસ્ટ તો લકી-કનકાઈ-ખાડા-સોમનાથની ચામાં જ આવે

એવું કહેવાય છે કે ચા વિના દિવસ અધૂરો.. એમાં પણ ગુજરાતીઓના જીવનમાં ચાનું મહાત્મ્ય અનેરું છે. ચાપ્રેમીઓને ચાની ચુસ્કીનું નામ પડતાં જ રોમ રોમમાં શક્તિનો સંચાર થાય છે. ઘણા ચાપ્રેમીઓ તો ઊઠતાવેંત જ સૌથી પહેલા ચા પીવે છે ને પછી દાતણ કરે છે. ચાનો પણ એક અલગ જ નશો હોય છે. જો દિવસ દરમિયાન ચા ના મળે તો ઘણા લોકોને ચેન પડતું નથી. ચા ભારતનું રાષ્ટ્રીય પીણું છે એમ કહેવામાં લગીરે અતિશયોક્તિ નથી, કારણ કે વર્લ્ડ ટી બોર્ડના રિપોર્ટ અનુસાર, દુનિયાનો અડધાથી વધારે ચાનો પુરવઠો એશિયામાં જ પીવાય છે. આજે સેટર ડે સ્પેશિયલમાં વાત માંડવી છે કડક મીઠી ચા અને ગુજરાતનાં ચાર મહાનગરમાં જ્યાંની ચાની લહેજત માણવા સવાર અને બપોરના સમયે રીતસર કીડિયારું ઊભરાય છે એવા શોખીન ચારસિકોની યાદોની.

‘કરકસરિયું અમદાવાદ’ હોય કે ‘રંગીલું રાજકોટ’, ચા પીવા બધે તૈયાર
ગુજરાતનાં ચાર મહાનગરમાં ચાની પ્રખ્યાત હોટલ કે કીટલીઓ પર સવારમાં જ લોકોની ભીડ જામેલી જોવા મળે છે. આ લોકોની ચાય પે ચર્ચા પણ સાવ અલગ પ્રકારની જ રોચક હોય છે, એટલે જ તો દિવ્યભાસ્કરે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં પ્રખ્યાત ટી-સ્ટોલ પર જઈને સ્ફૂર્તિમાં લાવી દેતી ચા અંગે એક સ્પેશિયલ રિપોર્ટ તૈયાર કર્યો છે, પરંતુ આ પહેલાં એના વિશે કેટલીક માહિતી આપી દઈએ. હાલ દુનિયાના 23 જેટલા દેશો ચા ઉગાડે છે, જેમાં ચીન સૌથી પહેલા (2400 લાખ મે. ટન) અને ભારત બીજા (900 લાખ મે. ટન) સ્થાને છે. જોકે ચા ઉગાડતા અડધાથી ઓછા દેશોનું ઉત્પાદન નિકાસ કરી શકે છે, જેનો સીધો અર્થ એ થયો કે પોતાનું ઉત્પાદન પોતાના દેશમાં જ વપરાઈ જાય છે.

અમદાવાદઃ M.F. હૂસૈન હતા આ ચાના ચાહક, SG હાઈવે પર અહીં જામે છે ભીડ
અમદાવાદમાં રહેતા અને સિટી એરિયામાં કામકાજ અર્થે બહારગામથી આવતા લોકોને લકીની ચા વિશે ખબર ન હોય એવું બને જ નહીં. કદાચ આખી દુનિયામાં આ જ એક એવું સ્થળ છે, જ્યાં કબ્રસ્તાનમાં કબરોની વચ્ચે ગોઠવેલા ટેબલ-ખુરશીઓમાં બેસીને લોકો લહેજતથી ચા પીવે છે. રાજકારણીઓથી લઇ દેશવિદેશના ખ્યાતનામ લોકો લકીની ચા પીવા આવે છે. ચિત્રકાર એમ એફ હૂસૈને તો એક સરસ પેઈન્ટિંગ પણ બનાવીને તેના માલિકને ગિફ્ટ કર્યું હતું, જે આજે પણ એની દીવાલ પર શાનભેર લટકે છે.

કબ્રસ્તાન વચ્ચે આવેલો લકી ટી સ્ટોલ 1950માં શરૂ થયો હતો.

લકીની 26 કબર વચ્ચે ચા પીને કામ શરૂ કરનારની ફતેહ થવાની વાયકા
લકી ટી સ્ટોલના કેશિયર રજાકભાઈ મન્સૂરીએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે 1950માં આ લકી ટી સ્ટોલ શરૂ થયો હતો. આ રેસ્ટોરન્ટ કબ્રસ્તાનની વચ્ચે આવેલી છે, જ્યાં કુલ 26 કબરો અને બે લીમડાનાં ઝાડ પણ છે. એવી વાયકા છે કે લકી ટી સ્ટોલ પર કબરોની વચ્ચે બેસી ચા પીને કામની શરૂઆત કરનારનું કામ સફળ થાય. 71 વર્ષ જૂના આ ટી સ્ટોલની ચા એટલા માટે ફેમસ છે, કારણ કે એમાં બોર્નવિટા ઉમેરવામાં આવે છે. દરરોજ અંદાજે 1000 લિટરથી વધુ દૂધની ચા બનતી હોય છે. સવારે 4 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી ચા ઊકળતી જ રહે છે અને અહીં અંદાજે રોજના 5000થી વધુ લોકો ચા પીવા આવે છે.

- Advertisement -

SG હાઈવે પર આવો ને ઈસ્કોનની ચા ના પીવો એવું બને!
જે રીતે સિટી એરિયામાં લકીની ચા ફેમસ છે એ રીતે પશ્ચિમ વિસ્તારમાં SG હાઈવે પર ઈસ્કોનની ચાએ પણ લોકોને ઘેલું લગાડ્યું છે. દસેક વર્ષ પહેલાં શરૂ થયેલા ઈસ્કોન ટી સ્ટોલને 2014માં રાતોરાત પ્રસિદ્ધિ મળી ગઈ, કારણ કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઈસ્કોન ટી સ્ટોલ પર બેસીને ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમ શરુ કર્યો હતો. અહીંના કર્મચારી ધાર્મિક પટેલે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે અમે દુકાન શરૂ કરી ત્યારથી એકધારી ટેસ્ટની જ ચા બનાવીએ છીએ અને વિશેષ મસાલાનો જ ઉપયોગ કરીએ છીએ. અમારું દૂધ પણ એક જ જગ્યાએથી આવે છે.

જ્યારે ઇસ્કોનની સામે છેલ્લા ઘણા સમયથી ખૂલેલા ખેતલાઆપા સ્ટોલમાં પણ ભીડ જામે છે.

ડીએચ કોલેજ સામે ફૂટપાથ પર બેસી દિલાવરભાઈએ 1974માં ચાની લારી શરૂ કરી હતી, જે આજે જાફરની ચા નામે પ્રખ્યાત છે.

રાજકોટઃ જો ઘૂંટડો ગળામાં ચોંટે તો જ માનવું કે આ જાફરની ચા
રાજકોટ શહેરના ડો. યાજ્ઞિક રોડ પર ડીએચ કોલેજ સામે ફૂટપાથ પર બેસી મૂળ ઉપલેટાના દિલાવરભાઇ પારખાણિયાએ 1974માં ચાની લારી શરૂ કરી હતી. આજે દિલાવરભાઇના પુત્ર અને ભત્રીજા જાફરની ચાથી રાજકોટમાં પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે જે ચાનો ઘૂંટડો ગળામાં ચોંટે તો જ માનવું કે આ જાફરની ચા છે. આજે જાફર ચા દ્વારા રોજ 250થી 300 લિટર દૂધની ચા બનાવવામાં આવી રહી છે. હાલ રોજના 300 લિટર દૂધની કડક ચા બને છે. ચામાં ખાંડ, ચા , આદુ અને એલચી મસાલાનો ઉપયોગ કરાય છે, માટે જ લોકોને એ પીવી ગમે છે.

રાજકોટમાં મોમાઈ અને જય અંબે ચા પણ ખૂબ જ ફેમસ છે. ત્યાં પણ ચા માટે ભીડ જામતી જોવા મળે છે.

કનકાઈમાં આવતા લોકો ચાની સાથે સાથે ગાંઠિયા અને ફરસીપૂરી અચૂક ખાય છે.

મોર્નિંગ વોક હોય કે મીટિંગ, કનકાઈની ચા સાથે બધું સેટ થાય
રાજકોટમાં 37 વર્ષ પહેલાં રેસકોર્સ રોડ પર કનકાઈ ચાની શરૂઆત થઈ હતી અને આજે મોર્નિંગ વોકર્સ જ નહીં, દિવસે ઓફિસ સ્ટાફનો પણ ચા પીવા અહીં જમાવડો રહે છે. કનકાઈ ચા રોજ 100 લિટર દૂધનો વપરાશ કરે છે. ત્યાંના માલિક પાર્થભાઈ ભદ્રેશાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે અમારી ચાની ખાસિયત એ અમારો સ્પેશિયલ મસાલો છે, જે રાજકોટમાં બીજે ક્યાંય મળતો નથી. આજે પણ કનકાઈમાં આવતા લોકો ચાની સાથ સાથ ગાંઠિયા અને ફરસીપૂરી અચૂક ખાય છે.

સૌરાષ્ટ્રવાસીઓમાં સોમનાથની ચા વર્ષોથી વખણાય છે અને રત્નકલાકારો માટે તો એ અમૃત સમાન છે.

સુરતઃ સોમનાથની ચા અને વરાછાનો વા, વર્ષો વીતે તોય એમના એમ..
સૌરાષ્ટ્રથી સુરત જતા અને વતન પરત ફરતાં તમામ રત્નકલાકારો આ જોડકણું બોલતાં હોય છે. સુરતમાં ખાસકરીને સૌરાષ્ટ્રવાસીઓમાં સોમનાથની ચા વર્ષોથી વખણાય છે અને રત્નકલાકારો માટે તો તે અમૃત સમાન છે. સુરતના ખૂણે ખૂણે ચાલતી સોમનાથના સ્ટોલમાં ચાની ચુસકી મારો એટલે તેજ મસાલા અને આદુ સહિત ઘટ્ટ અને ખૂબ પકાવેલી તથા કડક ચાનો ટેસ્ટ આવે જ આવે. રાજસ્થાનના સિરોહી જિલ્લાનો પુરોહિત પરિવાર 1965માં સુરત સ્થાયી થયો અને સોમનાથદાદાના નામે ચા વેચવાની શરૂઆત કરી ત્યારથી તેમણે પાછું વળીને જોયું જ નથી. સોમનાથ ઉપરાંત ચામુંડાના નામથી પણ શાખાઓ ચાલી રહી છે.

‘કર્મકાંડી છું, એટલે જ તો સવારે પડે ને સોમનાથ જાઉં છું’
કર્મકાંડના વ્યવસાય સાથે સંકળાયેલા અને સોમનાથની ચાના વર્ષો જૂના ચાહક ધીરુભાઈ જોષીએ દિવ્યભાસ્કરને કહ્યું હતું કે મારે રોજેરોજ બહાર જવાનું હોય. ઘર ઘરની અને ઘાટ ઘાટની ચા પીવાની થતી હોય છે, પરંતુ સોમનાથ જેવી તો ક્યાંય મળે નહીં. રોજ સવાર પડે અને સોમનાથની ચાથી શરૂઆત થાય તો મજા આવી જાય. અહીંની ચા હું વર્ષોથી રોજ પીવું છું ને સ્વાદમાં ક્યારેય ફરક પડતો નથી. મારી જેમ અનેક લોકો અહીં ચા પીવા આવતા હોય છે, એટલે જ તો કહું છું કે કર્મકાંડી છું એટલે સવાર પડે ને સોમનાથ જાઉં છું.

સુરતમાં મટકામાં ચા પીવી હોય તો મટકા ચાએ જવું.

મટકા કિંગ સાંભળ્યું હતું, પણ મટકાની ચા તો સુરતમાં જ મળે
સુરત અઠવા ગેટ વિસ્તારમાં વનિતા વિશ્રામ ગ્રાઉન્ડની સામે સૌરાષ્ટ્ર મટકા ચા આવેલી છે. પાંચેક વર્ષથી ચાલતી આ દુકાનમાં રોજ સવાર પડતાં તો કીડિયારું જામે છે. મટકા ચાના માલિક જિજ્ઞેશ શાહે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે અમારી ચાની વિશેષતા એ છે કે અમે મટકામાં ચા આપીએ છીએ, જે લોકોને ખૂબ પસંદ આવે છે. બીજું એ કે અમે ચાના મસાલા જાતે જ તૈયાર કરીએ છીએ, એટલે સ્વાદ કદી બદલાતો નથી. કૃષ્ણપુરી ગોસ્વામી નામના ગ્રાહકે કહ્યું હતું કે હું અહીં નિયમિત ચા પીવા આવું છે. સવારે ઓફિસ જતી વખતે પણ અહીંની ચા ચોક્કસ પીવું છું. અહીંની ચા પીધા વગર મને ચેન પણ પડતું નથી.

વડોદરા બેઠક પરથી ચૂંટણી લડ્યા ત્યારે વડાપ્રધાન મોદીએ મહીડાને પોતાના નામના પ્રસ્તાવક બનાવ્યા હતા

વડોદરાઃ મ્યુનિ. ઓફિસ પાસેના ચાવાળાને મોદીએ બનાવ્યા હતા ફેમસ
વડોદરામાં રાજમહેલ રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ સામે કિરણ મહીડા ચાની લારી ચલાવે છે. આમ તો કિરણભાઈના પિતા 1967માં આ ચાની લારી શરૂ કરી હતી, પરંતુ એને 2014ની લોકસભા ચૂંટણીમાં દેશવ્યાપી ખ્યાતિ મળી હતી. એ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહીડાને વડોદરા બેઠક પરથી ચૂંટણી લડતી વેળાએ પોતાના નામના પ્રસ્તાવક બનાવ્યા હતા. મોદી સાથેના ફોટા છપાતાં કિરણ મહીડા રાતોરાત સેલિબ્રિટી બની ગયા હતા. જો કે આજે પણ દરરોજે સવારે 7 વાગ્યે તેમની ચાની લારી શરૂ થઈ જાય છે અને દિવસભર ભીડ રહે છે. ચાના શોખીન કિરણ હરપડેએ જણાવ્યું હતું કે હું પાંચ વર્ષથી અહીં ચા પીવા આવું છું. સવારે ઘરેથી ઓફિસ જવા નીકળું ત્યારે અને ઘરે પરત જઉં ત્યારે અહીંની ચા અવશ્ય પીને ઘરે જઉં છું.

1962માં શબુરભાઇએ વડોદરામાં ગેલોર્ડ ટી-સ્ટોલ શરૂ કર્યો હતો.

વે…લા… સ્ટેશને ગયો ને ગેલોર્ડની ચાના પીધી તો તે શું કર્યું!
આવો ટિપિકલ ડાયલોગ વડોદરાના કોટ વિસ્તારમાં કોઈ નવયુવાન તેના દોસ્તને અવારનવાર કહેતો સાંભળવા મળે. આ ગેલોર્ડની ચા વડોદરા રેલવે સ્ટેશનની પાછળ મળે છે. ગેલોર્ડના માલિક ઇમરાનભાઇ ઘાસવાલાએ દિવ્યભાસ્કરને કહ્યું હતું કે 1962માં મારા દાદા શબુરભાઇએ વડોદરામાં ગેલોર્ડ ટી-સ્ટોલ શરૂ કર્યો હતો. આજે પણ અમારા 70 ટકા તો કાયમી ગ્રાહકો છે અને ચાની સાથે મસ્કાબન ફેમસ છે. ગેલોર્ડની ચાના શોખીન ડો. મુઝ્ઝમિલ પઠાણે જણાવ્યું હતું કે મારા દિવસની શરૂઆત જ ગેલોર્ડની ચાથી થાય છે, જ્યારે ચંદ્રેશ મકવાણાએ કહ્યું હતું કે હું 6 વર્ષ પહેલાં અહીં હોસ્ટેલમાં રહેતો ત્યારથી અહીં મિત્રો સાથે ચા પીવા આવું છું.

કમાટીબાગની સામે ફાઇન આર્ટ્સ ફેકલ્ટીની બાજુમાં ખાડામાં આવેલો વિષ્ણૂ ટી સ્ટોલ.

ખાડાની વિષ્ણુની ચા યંગસ્ટર્સ જ નહીં, મોટા લોકોમાં પણ છે ફેવરિટ
કમાટીબાગની સામે ફાઇન આર્ટ્સ ફેકલ્ટીની બાજુમાં ખાડામાં ટી સ્ટોલ ચલાવતા વિષ્ણુભાઇ પારટેએ જણાવ્યું હતું કે હું 1992થી અહીં ચા બનાવું છું. એ સમયે માત્ર 1 રૂપિયામાં ચા વેચતો હતો. મારી આદુની ચા સૌથી ફેમસ છે. આ ઉપરાંત હું આઇસ ટી, હોટ કોફી, કોલ્ડ કોફી અને કોલ્ડ બોનર્વિટા પણ બનાવું છું. મારે ત્યાં એમ.એસ. યુનિવર્સિટીમાંથી ભણીને વિદેશ સ્થાયી થયેલા લોકો પણ વડોદરા આવે ત્યારે ચા પીવા અચૂક આવે છે. મન લહુટે નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે હું 4 વર્ષથી વિષ્ણુની ચા પીવા રેગ્યુલર આવું છું. જ્યારે ઘનશ્યામ નામના અન્ય ગ્રાહકે જણાવ્યું હતું કે હું કોલેજકાળથી અહીં ચા પીવા માટે આવું છું. હું અને મારા મિત્રો છેલ્લાં 10થી 12 વર્ષથી અહીં બેસીને ચા પીએ છીએ.

Exit mobile version