- વિધાનસભામાં 3864 લોકોનાં મોતનો આંકડો રજૂ કરાયો, જ્યારે આરોગ્ય વિભાગ 10,380 કહે છે, એવો વિપક્ષના નેતાનો આક્ષેપ
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના સભ્યોએ બેનરો સાથે પ્રદર્શન કર્યું હતું. વિપક્ષના હોબાળાને લઈને 15 મિનિટ સુધી ગૃહ મુલતવી રાખવામાં આવ્યું હતું . 15 મિનિટ બાદ ગૃહની કાર્યવાહી ફરીવાર શરૂ થતાં કોંગ્રેસના સભ્યોએ હોબાળો મચાવી જોર જોરથી તાળીઓ પાડીને ગૃહમાં રઘુપતિ રાઘવ રાજા રામ સબકો સન્મતિ દે ભગવાનની ધૂન શરૂ કરી હતી. બીજી તરફ ગૃહમાં વિરોધપ્રદર્શન કરતાં વેલમાં પહોંચેલા કોંગ્રેસના 4 ધારાસભ્યને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બાદમાં હોબાળો થતાં અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ કોંગ્રેસના ચાર સભ્યનું સસ્પેન્શનન રદ કર્યું હતું. હવે ફરીવાર કાર્યવાહી શરૂ થઈ છે અને બંને પક્ષના ધારાસભ્યો પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા હતા. ગૃહમાં રૂપાણી સરકારની કામગીરી, નિર્ણયોની ટીકા કરતો કેગનો અહેવાલ રજૂ કરાયો, કેગના અહેવાલની બુકને બદલે સીડી આપવામાં આવી છે.
અમદાવાદમાં 56 વ્યક્તિ પાસેથી રેમડેસિવિરનો ગેરકાયદે જથ્થો પકડાયો
કોંગી ધારાસભ્યના સવાલમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષમાં રેમડેસિવર ઈન્જેક્શનના ગેરકાયદે જથ્થાના કેસો સામે આવ્યા, અમદાવાદમાં 56 વ્યક્તિ અને વડોદરામાં 15 વ્યક્તિ પાસે ગેરકાયદે જથ્થો પકડાયો, 54 ઈસમ સામે કોર્ટમાં કેસ દાખલ થયા, જ્યારે 17 ઈસમ સામે કેસ કરવાની કાર્યવાહી ચાલુ છે. સરકારે રસીકરણ અંગે જવાબ આપતાં જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં અમદાવાદ શહેરમાં કોરોનાની કુલ 34610064 લોકોને રસી આપવામાં આવી, જેમાં 4487654 લોકોને કોવિશીલ્ડ, 229035 લોકોને કોવેક્સિન અને 7933 લોકોને સ્પુતનિકની રસી આપવામાં આવી. જ્યારે અમદાવાદ જિલ્લામાં કુલ 1195218 લોકોને કોવિશીલ્ડ , 95951 લોકોને કોવેક્સિનની રસી આપવામાં આવી.
રાજ્ય સરકારે રસીના ડોઝ વેસ્ટેજ ગયા હોવાનું સ્વીકાર્યું
રસીકરણ મુદ્દે બગાડનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો હતો. જાન્યુઆરી 2021થી જુલાઈ 2021 દરમિયાન કેન્દ્ર સરકારે 3.19 કરોડ ડોઝ રાજ્યને આપ્યા. રાજ્ય સરકારે જુલાઈ મહિના સુધીમાં 3.32 કરોડ નાગરિકોને રસી આપી. રસીનો વાયલ ખોલ્યા બાદ ચાર કલાક સુધીમાં વપરાશ કરવાનો હોય છે. સમય વીતી જતાં ડોઝનો બગાડ થતો હોવાનું સરકારનું કારણ કોંગી ધારાસભ્ય પુંજાભાઈ વંશના સવાલમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો.
બિનઅનામત આયોગની 47.96 લાખની ગ્રાંટ વપરાઈ નથી
રાજ્યમાં બિનઅનામત આયોગ દ્વારા છેલ્લાં બે વર્ષે માં 174.01 લાખની ગ્રાંટ ફળવામાં આવી, જેની સામે છેલ્લાં બે વર્ષેમાં 126.05 રૂપિયાની ગ્રાંટ વાપરવામાં આવી. 47.96 લાખની ગ્રાંટ વણવપરાયેલ રહી છે. વિધાનસભાગૃહમાં સરકારનો લેખિત જવાબ વહીવટી કારણોસર ગ્રાંટ વણવપરાયેલ રહી છે.
છેલ્લાં 2 વર્ષમાં જાફરાબાદ અને રાજુલામાંથી 31 સિંહને ખસેડાયા
છેલ્લાં 2 વર્ષમાં જાફરાબાદ અને રાજુલામાંથી 31 સિંહને ખસેડવામાં આવ્યા હોવાનો સરકારે કોંગી ધારાસભ્ય અંબરીશ ડેરના સવાલમાં લેખિતમાં સ્વીકાર કર્યો છે. બીમાર સિંહોની સારવાર અને સ્વાસ્થ્યની ચકાસણી માટે ખસેડયા હોવાનું સરકારે જણાવ્યું છે. આ પૈકી 23 સિંહને રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં, 5 સિંહને ગીર રક્ષિત વિસ્તારમાં મુક્ત કરાયા છે. 3 સિંહનાં સારવાર દરમિયાન મોત થયાં છે.
કોરોનાકાળમાં આવકમાં ઘટાડો નહીં થયો હોવાનો સરકારનો સ્વીકાર
કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠોડના સવાલનો સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે કોરોનાકાળમાં સરકારની આવકમાં ઘટાડો નથી થયો, સપ્ટેમ્બર 2019થી ઓગસ્ટ 2020 સુધીમાં SGSTમાં સરકારને 29 હજાર 257 કરોડની આવક થઈ છે. આ સમય ગાળામાં વેટમાં સરકારને 20 હજાર 036 કરોડની આવક થઈ છે. સપ્ટેમ્બર 2020થી ઓગસ્ટ 2021 દરમિયાન સરકારને SGSTમાં 38,645 કરોડની આવક જ્યારે વેટમાં 25,456 કરોડની આવક થઈ છે.
કોરોનામાં મૃત્યુ પામેલા 11 અધિકારીના પરિવારોને સહાય ચૂકવાઈ
અમદાવાદ શહેરમાં કોરોનાને કારણે કુલ 14 આરોગ્ય અધિકારી કર્મચારીનાં મૃત્યુ થયાં હતાં, જે પૈકી 11 આરોગ્ય અધિકારી કર્મચારીઓના પરિવારને સહાય ચૂકવામાં આવી છે. પરિવારજનોને પ્રતિ કોરોના વોરિયર્સને રૂપિયા 50 લાખની સહાય ચૂકવામાં આવી છે. અન્ય મૃત્યુ પામેલા દર્દીના વારસદારને અત્યારસુધી કોઈ રકમની સહાય ચૂકવવાની થતી નહિ હોવાનો સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે.
