- પ્રથમ દર્દીના સંપર્કમાં આવેલા 9 લોકોનો બેવાર ટેસ્ટ કરાતાં 2 પોઝિટિવ અને 7 નેગેટિવ આવ્યા હતા
- દિવાળી અને લગ્નપ્રસંગ બાદ વધતા જતા કોરોનાના કેસોમાં બાળકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે
ગુજરાતમાં ઓમિક્રોનનો સૌથી પહેલો કેસ જામનગરમાં નોંધાયા બાદ તેમના જ સંપર્કમાં રહેલા તેનાં જ બે પરિવારજનોનો રિપોર્ટ પોઝિટિવ આવતાં રાજ્યમાં ઓમિક્રોન પોઝિટિવ કેસની સંખ્યા 3 પર પહોંચી છે. ત્યારે દિવ્યભાસ્કર દ્વારા જામનગરના ઓમિક્રોન વોર્ડના નોડલ ઓફિસર ડો.એસ.એસ. ચેટર્જી સાથે ખાસ વાચતીત કરવામાં આવી હતી, જેમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના પ્રથમ ઓમિક્રોન પોઝિટિવ દર્દીનો રિપોર્ટ 12 દિવસ બાદ પણ નેગેટિવ જાહેર ન થતાં ચિંતાનો વિષય બની ગયો છે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે, ઓમિક્રોનના દર્દીઓને દવામાં પેરાસિટામોલ અને ડોલો આપીએ છીએ.
પ્રથમ દર્દીના સંપર્કમાં આવેલા 9 લોકોનો બેવાર ટેસ્ટ કરાયો હતો
ડો.એસ.એસ. ચેટર્જીએ વધુમાં જણાવ્યું હતું કે કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ કરતાં પણ વધુ ઝડપથી ઓમિક્રોન વેરિયન્ટ ફેલાઇ રહ્યો છે. ગુજરાતમાં પ્રથમ ઓમિક્રોન પોઝિટિવ દર્દી ઝિમ્બાબ્વેથી આવ્યા હતા. તેનામાં તાવ અને કળતરનાં લક્ષણો દેખાતાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ 2 ડિસેમ્બરના રોજ પોઝિટિવ જાહેર થતાં તેને આઇસોલેટ કરી સારવાર આપવાની શરૂઆત કરી હતી. આ સાથે તેમના સંપર્કમાં આવેલા 9 લોકોને પણ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા તેમજ કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ મુજબ બે વખત તેમના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ વખત તમામ 9 લોકોના રિપોર્ટ નેગેટિવ જાહેર થયા હતા, જ્યારે બીજી વખત ટેસ્ટ કરાતાં એક મહિલા અને એક પુરુષનો રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો હતો, બાકીના 7 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
નોડલ ઓફિસરની દિવ્યભાસ્કર સાથે ખાસ વાતચીત
દિવ્યભાસ્કરઃ ઓમિક્રોન પોઝિટિવ દર્દીમાં શું શું લક્ષણો જોવા મળે છે?
નોડલ ઓફિસરઃ કોરોનાની માફક ઓમિક્રોન પોઝિટિવ દર્દીને પણ તાવ, શરદી, ઉધરસ, ગળામાં બળવું, નબળાઇ આવવી જેવાં લક્ષણો જોવા મળી રહ્યાં છે. જામનગરની વાત કરીએ તો હાલમાં જે ત્રણ દર્દી સારવાર હેઠળ છે તેમનામાં ઓમિક્રોનના માઇલ્ડ એટલે કે A સિમ્પ્ટમ્સ લક્ષણો જોવા મળી રહ્યાં છે.
દિવ્યભાસ્કરઃ ઓમિક્રોનના દર્દીઓને કેવી સારવાર આપવામાં આવી રહી છે?
નોડલ ઓફિસરઃ જામનગર ડેન્ટલ હોસ્પિટલ ખાતે 400 બેડની સુવિધા સાથે ઓમિક્રોન વોર્ડ તૈયાર રાખવામાં આવ્યો છે, જેમાં અત્યારે 3 દર્દી સારવાર હેઠળ છે. આ દર્દીને કોરોનાની જેમ ગાઇડલાઇન્સ મુજબ સારવાર આપવામાં આવી રહી છે અને દવામાં પેરાસિટામોલ તથા ડોલો આપીએ છીએ. હાલ તેમનામાં ઓક્સિજન લેવલ પણ પૂરતું જણાય રહ્યું છે અને માઇલ્ડ સિમ્પ્ટમ્સ હોવાને કારણે ઓક્સિજન કે વેન્ટિલેટરની જરૂરિયાત જણાતી નથી.
દિવ્યભાસ્કરઃ ઓમિક્રોન દર્દીને કેટલા સમય સુધી સારવાર આપવામાં આવે છે?
નોડલ ઓફિસરઃ કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ મુજબ 10 દિવસે બે રિપોર્ટ નેગેટિવ જાહેર થાય તો તેમને ડિસ્ચાર્જ કરવામાં આવે છે. ગુજરાતના પ્રથમ દર્દીનો રિપોર્ટ 10 દિવસે પણ નેગેટિવ ન આવતાં તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યાં સુધી દર્દીના બે રિપોર્ટ નેગેટિવ જાહેર નહીં થાય ત્યાં સુધી સારવાર ચાલુ રાખવામાં આવશે.
દિવ્યભાસ્કરઃ ડેલ્ટા પ્લસ અને ઓમિક્રોન વેરિયન્ટમાં શું શું તફાવત છે?
નોડલ ઓફિસરઃ કોરોના વાઇરસમાં મ્યૂટેશન જોવા મળતું હોય છે. પ્રથમ ડેલ્ટા, ત્યાર બાદ ડેલ્ટા પ્લસ અને હવે સાઉથ આફ્રિકાથી શરૂ થયેલો ઓમિક્રોન વેરિયન્ટ શરૂ થયો છે. ઓમિક્રોન વેરિયન્ટ એ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ કરતાં વધુ ઝડપથી ફેલાઇ રહ્યો છે, જેથી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.
દિવ્યભાસ્કરઃ સરકાર સાથે થયેલી વીડિયો-કોન્ફરન્સમાં શું ચર્ચા કરવામાં આવી?
નોડલ ઓફિસરઃ ઓમિક્રોનના વધુ બે કેસ શુક્રવારે પોઝિટિવ જાહેર થયા બાદ આરોગ્ય વિભાગ અને સરકાર સાથે વીડિયો-કોન્ફરન્સ યોજાઇ હતી, જેમાં આગામી સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી ચર્ચા કરવામાં આવી હતી અને હોસ્પિટલમાં રહેલી સુવિધાઓ અંગે રિપોર્ટ માગવામાં આવ્યો હતો. આ સાથે સાવચેત કરતાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે આફ્રિકામાં ઓમિક્રોન પોઝિટિવ દર્દીની સંખ્યા વધી રહી છે અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે, જેને જોતાં તમામને સાવચેતીનાં સૂચનો આપવામાં આવ્યાં હતાં.
દિવ્યભાસ્કરઃ કોરોનાના કેસની સંખ્યા વધે છે તો તમારું શું કહેવું છે?
નોડલ ઓફિસરઃ હાલમાં દિવાળીના તહેવારો અને લગ્નપ્રસંગમાં લોકો ક્યાંક કોવિડ ગાઇલાઇન્સનું પાલન કરવાનું ચૂકી ગયા હતા. માટે કોરોના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ચિંતાનો વિષય એ પણ છે કે શાળાઓ શરૂ થયા બાદ નોન-વેક્સિનેટેડ બાળકો અને યુવાનો સંક્રમિત થઇ રહ્યાં છે. માટે બાળકોમાં પણ વેક્સિનેશન કરવું ખૂબ જરૂરી છે.
દિવ્યભાસ્કરઃ વેક્સિનેટેડ વ્યક્તિ પણ કોરોના પોઝિટિવ આવે છે, શા માટે?
નોડલ ઓફિસરઃ વેક્સિન લેવાથી કોરોના નથી થતો એવું નથી, પરંતુ કોરોના થાય તો માઇલ્ડ સિમ્પ્ટમ્સ, યોગ્ય તકેદારી અને સારવાર સાથે દર્દી સાજા થઇ શકે છે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય તેવી વ્યક્તિને હવે કોરોના બૂસ્ટર ડોઝની જરૂરિયાત છે તેમજ 12 વર્ષથી ઉપરના કિશોરો માટે વેક્સિનેશન શરૂ થવું જોઇએ, કારણ કે આજે જામનગરમાં 3 બાળક કોરોનાથી સંક્રમિત થયાં છે.
આફ્રિકાની જેમ જામનગર પણ ઓમિક્રોનના ભરડામાં સપડાય શકે છે
પ્રથમ ઓમિક્રોન દર્દીના સંપર્કમાં આવેલા લોકો તકેદારીપૂર્વક કોવિડ ગાઇડલાઇન્સનું પાલન નહીં કરે તો આગામી દિવસોમાં સાઉથ આફ્રિકાની જેમ જામનગરમાં પણ ઓમિક્રોનનો ભરડો ફેલાય શકે છે. હાલ જામનગરમાં ઓમિક્રોનના 3 દર્દી સારવાર હેઠળ છે. બીજી તરફ, કોરોનાએ પણ માથું ઊંચક્યું હોય તેમ પાંચ દિવસમાં 50થી વધુ દર્દી જાહેર થયા છે.
