- ગુજરાત માટે સિરમ કોવિશિલ્ડ વેક્સિનનો કુલ 2 લાખ 76 હજાર જથ્થો આવ્યો
- અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશન સ્ટોરેજ ખાતે જથ્થો લઈ જવાશે
11 વાગે વેક્સિન અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. જ્યાં એરપોર્ટ પર વેક્સિનને વધાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ અને સિવિલ હોસ્પિટલના અધિકારી હાજર રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એરપોર્ટ પર આવી વેક્સિનના વધામણાં કર્યા હતા. એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેસીપી ગૌતમ પરમાર, ડીસીપી, એસીપી અને પીઆઇ સહિતના અધિકારીઓ એરપોર્ટ પર હાજર રહ્યા હતા.
ભરૂચમાં 14-15 જાન્યુઆરીએ આવશે કોરોના વેક્સિનનો પ્રથમ લોટ
જ્યારે ભરૂચમાં 14-15 જાન્યુઆરીએ આવશે કોરોના વેક્સિનનો પ્રથમ લોટ આવશે. જેને આરોગ્ય શાખાના વેક્સિનેશન સ્ટોરેજ રૂમમાં રાખવામાં આવશે.ત્યાર બાદ 16 જાન્યુઆરીએ જિલ્લામાં 7 કેન્દ્રો પર 700 આરોગ્ય કર્મચારીઓને કોરોના વેક્સિન આપવામાં આવશે.
મુખ્યમંત્રીએ પીએમ મોદી સાથે ગુજરાતમાં રસીકરણની સજ્જતા અંગે ચર્ચા કરી હતી
કોરોના રસીકરણ અભિયાનની પૂર્વ તૈયારીઓની સમીક્ષા તેમજ રાજ્ય સરકારોને આ અંગે માર્ગદર્શન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં ગુજરાતમાં આ રસીકરણ અંગે રાજ્ય સરકારની સજ્જતા અને પૂર્વ તૈયારીઓની માહિતી અને વિગતો મુખ્યમંત્રી રૂપાણીએ આ બેઠકમાં વડાપ્રધાનને સવિસ્તર આપી હતી. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવ અનિલ મુકીમ અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન સહિત વરિષ્ઠ અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો અને સચિવો આ બેઠકમાં જોડાયા હતા.
તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી સામેના જંગમાં ભારત દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન કરવા જઇ રહ્યું છે. ગુજરાતમાં આપણે ઝડપથી ડેટાબેઝ તૈયાર કરવાનું કાર્ય પૂર્ણ કરી લીધું છે. ચાર લાખથી વધુ હેલ્થકેરવર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઇનવર્કર્સ, જેમાં પોલીસ, સફાઇકર્મચારી અને કોવિડની ડ્યૂટીમાં ડાયરેક્ટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે, એમ કુલ 11 લાખથી વધુ કોવિડ કર્મચારીઓને વેક્સિનનો ડોઝ પહેલા અપાશે.
50 વર્ષથી વધુની વયના લગભગ 1 કરોડ પાંચ લાખ નાગરિકોનો ડેટાબેઝ તૈયાર
મુખ્યમંત્રીએ આગળ કહ્યું હતું કે ગુજરાતમાં હાઉસ ટુ હાઉસ સર્વેનું કામ પણ પૂર્ણ થઇ ગયું છે, જેમાં 50 વર્ષથી વધુની વયના લગભગ 1 કરોડ પાંચ લાખ નાગરિકો તેમજ 50 વર્ષથી નાના 2 લાખ 75 હજાર લોકો જે લોકો અન્ય બીમારીથી પીડાય છે તેમનો પણ ડેટાબેઝ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમા લગભગ 16 હજારથી વધુ હેલ્થવર્કર્સને વેક્સિનેટર તરીકેની વિશેષ ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવ્યા છે.
વેક્સિન લીધા પછી વ્યક્તિને થોડો સમય ઓબ્ઝર્વેશનમાં રાખવા ઓબ્ઝર્વેશન રૂમ
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે કોવિડ વેક્સિનના ટ્રાન્સપોર્ટેશન માટે કોલ્ડ ચેન ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ સરકારે કરી લીધી છે. વેક્સિન માટેની વ્યવસ્થા માટે 6 રીજનલ ડેપો તૈયાર કર્યા છે. કેન્દ્ર સરકાર તરફથી પણ વધારાનાં સાધન-સામગ્રી ગુજરાતને મળી છે. ગુજરાતમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 6 સ્થળો ઉપર વેક્સિન ટ્રાયલ રન અપ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. વેક્સિન સેન્ટર ઉપર પણ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવશે. એક વેઇટિંગ રૂમ એક વેક્સિન રૂમ અને વેક્સિન લીધા પછી વ્યક્તિને થોડો સમય ઓબ્ઝર્વેશનમાં રાખવા માટે પણ અલાયદો ઓબ્ઝર્વેશન રૂમ રાખવામાં આવશે.
