ગીર સોમનાથના દરિયામાં 15 બોટ ડૂબી, 11 માછીમાર લાપતા, માછીમારોને શોધવા બે હેલિકોપ્ટરની મદદ લેવાઈ
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી માવઠું થઈ રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો છે. ત્યારે ગીર-સોમનાથના દરિયામાં10 બોટો દરિયામાં ડૂબી ગઇ છે. જેમાં 12 માછીમાર પણ લાપતા થયા છે. ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટરે ઘટનાની પુષ્ટિ કરીને જણાવ્યું હતું કે હાલમાં 4 માછીમારને બચાવી લેવાયા છે.
માછીમારોને શોધવા હેલિકોપ્ટરની મદદ લેવાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથના નવાબંદર પર વાવાઝોડા અને વરસાદને કારણે માછીમારી માટેની 12 બોટમાં રહેલા 12 જેટલા ખલાસી માછીમારો પૈકીના 8 જેટલા વ્યક્તિઓ સમુદ્રમાં ગુમ થઈ જવાની ઘટના અંગે જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરીને બચાવ રાહત માટેના તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીની આ સૂચનાને પગલે કોસ્ટ ગાર્ડ સાથે સંકલન સાધીને કોસ્ટ ગાર્ડની બોટસ અને બે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરી ગુમ થયેલા માછીમારોને શોધવા અને પરત લાવવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે ઉપાડવામાં આવી છે. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ પંકજ કુમારને પરિસ્થતિ પર નજર રાખવાની પણ સૂચનાઓ આપી છે.
માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ હતી
હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં ભારે પવન અને વરસાદની આગાહી કરી હતી. એની સાથે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચનાઓ પણ આપી હતી. જેથી માછીમારો દરિયામાં નહોતા ગયા પરંતુ, કાંઠે લાંગરેલી 40 ફીશીગ બોટો ભારે પવનના લીઘે એક-બીજા સાથે અથડાતા નાનુ-મોટું વ્યાપક નુકસાન થયુ છે. જેમાં 12 બોટોએ જળ સમાધિ લીધી છે. જેમાં 12 ખલાસીઓ લાપતાં થયાં હતા. જોકે 4 ખલાસીઓને બચાવી લેવાયા છે અને બાકી 8 ખલાસીઓની બચાવ કામગીરી ચાલું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં છૂટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં છેલ્લા 3 દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6 ઈંચ કમોસમી વરસાદ પડ્યો છે, તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 38 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
અનેક સ્થળોએ હિલસ્ટેશન જેવું વાતાવરણ
વાતાવરણ પલટાતાં અનેક સ્થળોએ હિલસ્ટેશન જેવું વાતાવરણ થયું છે અને ઠંડીમાં એકાએક વધારો જોવા મળ્યો છે. વલસાડ, નવસારી, પારડી, ખેરગામ, ઉમેરગામ, મહુવા અને પલસાણામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાની માહિતી સામે આવી છે. તો ડાંગ, સુરત, તાપી, નર્મદા,ભરૂચ, છોટાઉદ્દેપુર, ઉના અને ખાંભામાં 1 ઈંચથી વધુ કમોસમી વરસાદ વરસ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં ત્રણ ડીગ્રી તાપમાન ગગડ્યું
સમગ્ર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં માવઠાને કારણે એક જ દિવસમાં ત્રણ ડીગ્રી તાપમાન ગગડ્યું છે. સુરતના બારડોલી અને મહુવા પંથકમાં પણ માવઠાને કારણે ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. દીવમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદને કારણે એક ખલાસીનું દરિયામાં મોત થયું હતું, તો અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ બેલ્ટ પર માવઠું પડ્યું. આ તરફ રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો.
આજે રાજ્યમાં ફરીવાર માવઠાની આગાહી
મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાંક શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સાબરકાંઠા સહિત અરવલ્લી, દાહોદ, મહીસાગરનો સમાવેશ થાય છે. વડોદરા, આણંદ, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ સૌરાષ્ટ્રનાં કેટલાંક શહેરો, જેવા કે, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આજે રાજ્યના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે.
