કાર્યવાહી:અમદાવાદ શહેરની સૌથી મોટા જુગારની રેડમાં દરિયાપુર PI, ડિસ્ટાફ PSI સસ્પેન્ડ

By Abhishek Raghuvanshi
3 Min Read
જુગારની રેડ દરમિયાન ઝડપાયેલા આરોપીઓ.
  • PCBના વહીવટદાર યોગેન્દ્ર સહિત 9ની બદલી, હવે અન્યનો વારો
  • પોલીસ કમિશનરને શરમજનક સ્થિતિમાં મૂકનાર સામે કાર્યવાહીની ચાબુક
  • હવે PCB સ્ક્વોડ વિખેરાય તો ખરી કાર્યવાહી થઈ એમ કહેવાય

અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનર કચેરીથી નજીક આવેલા દરિયાપુરના મનપસંદ જિમખાનમાં સૌથી મોટા જુગારની રેડ થઈ અને 183 જેટલા જુગારી ઝડપાયા હતા. આ રેડને કારણે અમદાવાદ પોલીસ કમિશનરની શાખને ડાઘ લાગ્યો હતો. હવે રથયાત્રા બાદ પોલીસ અધિકારીઓ એક્શન મોડમાં આવી ગયા છે.અને જવાબદારોની બદલી અને સસ્પેન્ડનો ઓર્ડર કરી દીધો છે, જેમાં આજે PCBમાં મહત્ત્વના વહીવટ કરતા યોગેન્દ્ર સિંહ સહિત 9ની બદલી થઈ છે. બીજી તરફ દરિયાપુર પીઆઈ આર. આઈ. જાડેજા, ડિસ્ટાફ PSI કે. સી. પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાની વિગત સૂત્રોએ જણાવી છે.

PCBની 9 વ્યક્તિની ટ્રાન્સફર કરી દેવાઈ
અમદાવાદના વિવાદાસ્પદ રહેલા ઝોન 4 વિસ્તારમાં અનેક બદીઓને કારણે ઉચ્ચ અધિકારીઓની શાખમાં ડાઘ લાગ્યા છે. દરિયાપુરમાં થયેલી જુગારની રેડમાં 183 લોકો ઝડપાયા, જેમાં પહેલેથી આશંકા હતી તેમ દરિયાપુર PI આર. આઈ. જાડેજા અને ડિસ્ટફ PSIને સસ્પેન્ડ કરી દીધા છે. બીજી તરફ આજે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે PCBની 9 વ્યક્તિની ટ્રાન્સફર કરી છે.

દરિયાપુરના મનપસંદ જિમખાનમાં સૌથી મોટા જુગારની રેડ થઈ અને 183 જેટલા જુગારીઓ ઝડપાયા.

અમદાવાદના અનેક પોલીસકર્મીઓ સાણસામાં આવી શકે
દરિયાપુર જિમખાના રેડમાં હવે DCPના વહીવટદાર પ્રકાશસિંહ તેમજ અન્ય ઝોન-4ના વહીવટદાર સામે પોલીસ કમિશનર તરત જ કાર્યવાહી કરવાના મૂડમાં આવી ગયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. હવે બંસી બૂટલેગર કેસમાં તપાસ DCP ઝોન-4ના સુપરવિઝનમાંથી ખેંચવામાં આવે તો તેમાં પણ અમદાવાદ શહેરના અનેક પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસકર્મચારીઓ સાણસામાં આવી શકે છે. બીજી તરફ હવે IPSના વહીવટકર્તા લોકોના લીધે શહેરની કંટ્રોલ થયેલી ઇમેજને રોજ રોજ નુકસાન થઈ રહ્યું છે. જેમની આગામી દિવસોમાં આવતી બદલીઓમાં સરકાર દ્વારા બદલી કરવાની પણ ચર્ચા કરવામાં આવી છે.

રેડ થયા બાદ સમગ્ર પ્રકરણમાં પોલીસકર્મીઓનાં નામ પણ તપાસમાં ખૂલ્યાં.

પૈસા ઉઘરાવતા પોલીસકર્મીનાં નામ તપાસમાં ખૂલ્યાં હતાં
દરિયાપુર પીઆઈ વતી તેમના બે વહીવટદાર ક્રાઈમ બ્રાંચના ભગીરથસિંહ જાડેજા અને રિવરફ્રન્ટ ઈસ્ટના કૃષ્ણપાલસિંહ ચૂડાસમા પૈસા ઉઘરાવતા હતા. જ્યારે એફ ડિ‌વિઝન એસીપી જે.કે.ઝાલા વતી નિવૃત્ત પોલીસકર્મી મહાવીરસિંહ ઝાલા અને ડીસીપી રાજેશ ગડિયા વતી એસસી એસટી સેલમાં ફરજ બજાવતા પ્રકાશસિંહ ચંપાવત પૈસા ઉઘરાવતા હોવાનું તપાસમાં ખૂલ્યું હતું

- Advertisement -
Exit mobile version