- કલ્પનાને પણ ટક્કર મારે તેવી સત્ય ઘટના, એસપી યાદવે આખા જિલ્લાની પોલીસને કામે લગાડી આરોપીને ઝડપી લીધો
- અંધજનમંડળથી રાશન કિટ લઈ બાવળા જતી મહિલાનો વિશ્વાસ કેળવી આરોપી મટોડાની અવાવરૂ જગ્યાએ લઈ ગયો
- મહિલાએ બૂમો પાડતાં દુષ્કર્મનો આરોપી કિટ લઈ નાસી ગયો હતો, રીક્ષાચાલકની મહત્ત્વની ભૂમિકા
વર્ષ 2017માં ઋતિક રોશન અને યામી ગૌતમની ‘કાબિલ’ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ એક યુવા પ્રજ્ઞાચક્ષુ દંપતીની છે, જેમાં પત્ની પર એક પરિચિત જ રેપ કરે છે અને તે હિંમત હારીને જીવન ટૂંકાવી દે છે. ‘કાબિલ’ ફિલ્મ જેવી જ એક ઘટના બાવળાની એક મહિલા સાથે બની હતી. એક હેવાને સહારો આપવાના બહાને આ મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જોકે પ્રજ્ઞાચક્ષુ પતિએ પત્નીને હિંમત આપી અને કહ્યું, અંધ છીએ તો શું થયું, આવા હેવાનને તો પાઠ ભણાવવો જ પડે અને સબક શીખવ્યો પણ ખરો.
એક અવાજ પરથી દુષ્કર્મના પ્રયાસનો આરોપી ઝડપાયો
આ દંપતી જિલ્લા પોલીસવડા વિરેન્દ્રસિંહ યાદવને મળ્યું અને આપવીતી કહી. એસપી યાદવે પણ દાખલારૂપ કામગીરી કરીને આખા જિલ્લાની પોલીસને કામે લગાડી અને ગણતરીના દિવસોમાં જ આરોપીને પકડી પાડ્યો હતો. આ ઘટનામાં સૌથી મોટી ચેલેન્જ આરોપીની ઓળખ કરવાની હતી, પરંતુ કહે છે ને કે ઉપરવાળો એક બારી બંધ કરે છે તો બીજો દરવાજો ખોલી નાખે છે. બીજા રૂમમાં બેઠેલા આરોપીના અવાજ પરથી પ્રજ્ઞાચક્ષુ મહિલાએ પોતાની પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર હેવાનને ઓળખી બતાવ્યો હતો.
અંધજનમંડળેથી કિટ લઈ ઘરે જતાં સાંજ પડી ગઈ
આ વાત છે અમદાવાદ જિલ્લાના બાવળામાં રહેતી પ્રજ્ઞા અને તેના પતિ પરેશની (બંનેનાં નામ બદલ્યાં છે). બંને પ્રજ્ઞાચક્ષુ છે અને એકબીજાના સહારે જિંદગી વિતાવે છે. થથરતા અવાજે પ્રજ્ઞાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ”થોડાક દિવસો પહેલાં જ હું મહિનાની રાશન કિટ (ઘઉંનો લોટ, ચોખા, દાળ, તેલ, ખાંડ વગેરે) લેવા અમદાવાદ અંધજનમંડળે આવી હતી. પાછા જતાં સાંજ પડી ગઈ અને રાશન કિટ લઈ હું શટલ રિક્ષામાં સરખેજ સર્કલે પહોંચી હતી. ત્યાંથી બીજી રિક્ષામાં બાવળા જઈ રહી હતી.”
શટલ રિક્ષામાં સાથે બેસનારે વિશ્વાસ કેળવી દગો કર્યો
”બાવળાની શટલ રિક્ષામાં હું બેઠીને જ મારી બાજુમાં આવીને એક વ્યક્તિ બેસી ગઈ. તેણે મને કહ્યું હતું કે હું પણ તમારા ગામનો જ છું અને તમને છેક ઘરે મૂકી જઈશ. મને હાશ થઈ કે ચાલો, અંધારું થવા આવ્યું છે તેવામાં કોઈ સહારો તો મળ્યો. રિક્ષા આગળ વધવા લાગીને મોરૈયા આવ્યું હશે ત્યાં જ પેલા ભાઈએ રિક્ષા ઊભી રખાવીને મને કહ્યું ચાલો, બાવળા આવી ગયું. પેલા રિક્ષાવાળાએ કહ્યું કે હજી ક્યાં બાવળા આવ્યું છે તો પેલા ભાઈએ રિક્ષાવાળાને ધમકાવ્યો કે આ મારી પત્ની છે, તારે બોલવાનું નહીં… મને લાગ્યું કે તેની પત્ની હશે જોડે અને તેણે મને પણ ઉતારી દીધી,” એમ મહિલાએ ઉમેર્યું હતું
બાવળાનું કહી મોરૈયા ઉતારી મહિલા સાથે જબરદસ્તી કરી
મહિલાની આપવીતીના સૂરમાં હવે ગભરાટ વર્તાવા માંડ્યો હતો. તેણે કહ્યું, થોડી વારમાં મને પેલા ભાઈએ બીજી રિક્ષામાં બેસાડીને અમે મટોડા તરફ આગળ વધવા લાગ્યાં. કોઈ ભેંકાર જગ્યાએ તેણે મને રિક્ષામાંથી ઉતારી દીધી અને મને કહ્યું કે ચાલો, હવે તમારા ઘરે જઈએ. હું તેનો હાથ પકડીને ભરોસે ચાલવા લાગી, ત્યાં તો તેણે મને ખરાબ સ્પર્શ કરવાનું શરુ કર્યું. હું પ્રતિકાર કરવા લાગી તો તેણે મને નીચે પટકી દીધી અને શારીરિક સંબંધ માટે જબરદસ્તી કરવા લાગ્યો. હું બૂમો પાડવા લાગી અને કોઈ આવ્યું તેવું લાગતાં પેલી વ્યક્તિ નાસી ગઈ. જતાં-જતાં તે મારી રાશન કિટનો સામાન પણ લઈ ગયો.
અંધ મહિલાએ બૂમાબૂમ કરતાં હુમલાખોર કિટ લઈ ભાગી ગયો
એવામાં બે-ચાર ભલા માણસો આવ્યા અને તેમની મદદથી હું જેમ-તેમ ઘરે પહોંચી. મેં મારા પતિને બધી વાત કરી અને રડવા લાગી. મારા પતિએ મને હિંમત આપી કે આપણે અંધ છીએ તો શું થઈ ગયું. આપણને પણ ન્યાય મેળવવાનો અધિકાર છે, આપણે પેલા હેવાનને સજા કરાવીશું જ. પછી અમે જિલ્લા પોલીસવડા વિરેન્દ્રસિંહ યાદવ સાહેબને મળ્યા અને આખી વાત કરી. તે પણ મારી વાત સાંભળી સમસમી ઊઠ્યા અને મને ખાતરી આપી કે બહેન, અમે આકાશ-પાતાળ એક કરીને પણ પેલા હેવાનને પકડીશું, આવું મહિલાએ દિવ્ય ભાસ્કરને કહ્યું ત્યારે તેના અવાજમાં હિંમત દેખાવા લાગી હતી.
એસપી વિરેન્દ્ર યાદવે કહ્યું, કોઈપણ ભોગે હેવાનને પકડીશું
આ ઘટના બાદ એસપી વિરેન્દ્રસિંહ યાદવે આખા જિલ્લા પોલીસની વિવિધ એજન્સીના તમામ બાહોશ અધિકારીઓ અને કર્મચારીઓની એક ટીમ બનાવીને તેમને કોઈપણ ભોગે અને કોઈપણ સંજોગોમાં આ નરાધમને પકડી લેવા કહ્યું. ટીમ માટે આ કામ ઘાસના પૂળામાંથી સોય શોધવા જેવું હતું. એક તો ભોગ બનનાર અંધ એટલે આરોપીની કોઈ ઓળખ નહોતી કે નહોતો તેનો કોઈ સ્કેચ. ચાંગોદર પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક ફરિયાદ નોંધીને પોલીસે સરખેજથી બાવળા સુધીના તમામ કંપની પ્રિમાઈસીસ, દુકાનો, ઓફિસોના બહારના સીસીટીવી ચકાસવાનું શરૂ કર્યું.
હજારો ફૂટેજ ચકાસ્યા છતાં આરોપી ઓળખાતો નહોતો
હજારો ફૂટેજ ચકાસ્યા પછી પણ કશું હાથ ન લાગતાં પોલીસે રિક્ષાચાલકોની પૂછપરછ શરૂ કરી. આવામાં પોલીસને એક શકમંદ મળ્યો, પણ તે છેવટે રસ્તા પર રખડતી વ્યક્તિ હતી, માટે ફરી તપાસ ઝીરોએ આવીને ઊભી રહી ગઈ. આવામાં ચાંગોદર પીઆઈ મંડોરાને એક કડી મળી. એક રિક્ષાચાલકે તેમને કહ્યું હતું કે એક અંધ મહિલાને સરખેજથી રિક્ષામાં બેસાડી હતી અને તેની સાથે એક વ્યક્તિ હતી, પણ તે કેવી હતી એ સમજાવી શકતો નહોતો.
એક રિક્ષાચાલકે ઘટનાની પુષ્ટિ કરી ને હેવાન ઝડપાઈ ગયો
હવે પોલીસે જ્યાંથી શકમંદને બેસાડ્યો અને ઉતાર્યો એ વચ્ચેના સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું. આ વખતે એક વ્યક્તિ જોવા મળી, જે રીક્ષાચાલકના વર્ણન પ્રમાણેની હતી. પોલીસે તેના છુપાઈને ફોટા પાડ્યા અને તે રિક્ષાચાલકને બતાવ્યા, જેણે તેની પુષ્ટિ કરી. આ શકમંદને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ આકરી પૂછપરછ કરતાં તેણે પોતાનું પાપ સ્વીકારી લીધું. આરોપીની ઓળખ પરેડ માટે તેને મામલતદાર ઓફિસે લઈ જવાયો, પણ ફરિયાદી અંધ હતી તો ઓળખ કેવી રીતે થઈ શકે?
એસપી યાદવે આખા પોલીસ તંત્ર માટે દાખલારૂપ કામગીરી કરી
આ માટે પણ એસપી વિરેન્દ્રસિંહ યાદવે કુનેહ વાપરીને યુક્તિ શોધી કાઢી. આરોપીને ઓળખ કરાવવા બીજા રૂમમાં રાખ્યો અને તેની સાથે ઘટનાની વાતચીત શરૂ કરી. બાજુના રૂમમાં જ બેઠેલી મહિલાએ અવાજ સાંભળીને પોતાની પર રેપનો પ્રયાસ કરનારા હેવાનને ઓળખી કાઢ્યો હતો. આ અંધ યુગલે એસપી વિરેન્દ્રસિંહ યાદવ તથા ચાંગોદર પીઆઈ મંડોરા તથા આખી જિલ્લા પોલીસે ઉઠાવેલી જહેમતને બિરદાવી હતી. જ્યારે એસપી વિરેન્દ્રસિંહ યાદવે પણ કહ્યું હતું કે આ રીતે દરેક જણ હિંમત દાખવે તો ગમે તેવા અત્યાચારીને પણ પકડી શકાય.
