- આઇનોક્સના 1200 કર્મીએ 24 કલાક કામ કરી દેશની 800 હોસ્પિટલોમાં 500 ટેન્કરથી ઓક્સિજન સપ્લાય કર્યો
- એપ્રિલ-ડિસે.માં SVP, 1200 બેડમાં 8 કરોડનો ઓક્સિજન વપરાયો
કોરોનામાં ઓક્સિજન પ્રાણવાયુ સાબિત થયો છે. માત્ર અમદાવાદની બે મુખ્ય કોવિડ હોસ્પિટલો એસવીપી અને 1200 બેડમાં એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં 7.95 કરોડનો ઓક્સિજન વપરાયો છે. દેશભરની કોવિડ હોસ્પિટલોમાં 60 ટકા ઓક્સિજન પૂરો પાડતી આઇનોક્સ કંપનીના દેશભરમાં આવેલા 44 ઓપરેટિંગ લોકેશનના 1200થી વધુ કર્મીઓએ રાત-દિવસ કામ કરી રોજના 3300 ટન ઓક્સિજનનું ઉત્પાદન કર્યું અને 800 હોસ્પિટલોમાં સપ્લાય કર્યો હતો. ઓક્સિજન પહોંચાડવા 500 ટ્રાન્સપોર્ટ ટેન્કર્સની મદદ લેવાઈ હતી. ઇતિહાસમાં પહેલી વાર રેકોર્ડ સમયમાં 100થી વધુ આ પ્રકારની જમ્બો ટેન્ક બનાવી દેશનાં મોટાં શહેરોની હોસ્પિટલોમાં આપી છે. આ ટેન્કથી સીધો જ પાઇપ દ્વારા ઓક્સિજન સપ્લાય થાય છે. હાલોલની મારુતિ ઓક્સિજનના ચેરમેન ભાસ્કર પટેલે કહ્યું કે, સયાજી હોસ્પિટલમાં ઓક્સિજનનો સપ્લાય 250 બોટલની આસપાસ હોય છે, કોરોનામાં તે 750 થઈ ગયો હતો.
આ 4 મુખ્ય યુનિટ હવામાંથી કુદરતી ઓક્સિજન લઈ કૃત્રિમ ઓક્સિજન તૈયાર કરે છે
ઓક્સિજન પ્લાન્ટના મુખ્ય 4 કમ્પોનન્ટ હોય છે. સૌપ્રથમ કોમ્પ્રેશર યુનિટ હવામાંથી ઓક્સિજન ખેંચે છે, ત્યાર બાદ પ્યુરિફિકેશન યુનિટમાં હવામાંથી ખેંચેલો ઓક્સિજન શુદ્ધ કરાય છે. આ શુદ્ધ ઓક્સિજનને સેપરેશન કોલમમાં એકઠો કરાય છે. ત્યાર પછી હવારૂપે ભરવા રિફિલિંગ સેક્શનમાં લઈ જવાય છે.
કોમ્પ્રેશર: હવામાંથી કલાકે 215 ઘન મીટર ઓક્સિજન ખેંચે છે
- આ યુનિટ હવામાંથી એક કલાકમાં 215 ક્યુબિક મીટર ઓક્સિજન ખેંચે છે. આ યુનિટની લંબાઈ આશરે 50 ફૂટ જેટલી હોય છે. જ્યારે મોટર અને પિસ્ટન મુખ્ય ભાગ હોય છે. મોટર અને પિસ્ટન સતત ધમધમતા રહે છે, જેના લીધે હવામાંથી ઓક્સિજન સતત ખેંચાતો રહે છે.
પ્યુરિફિકેશન: માઇક્રો લેવલે ધૂળ, અશુદ્ધિ દૂર કરાય છે
- પ્યુરિફિકેશન યુનિટમાં હવામાંથી ખેંચેલો ઓક્સિજન શુદ્ધ કરે છે. અહીં માઇક્રો લેવલની અશુદ્ધિ દૂર થઈ જાય છે. ખાસ તો ઝીણી ધૂળ, રજકણ અને અન્ય ઝેરી અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે. પ્યુરિફિકેશન યુનિટની પાછળ ડ્રેઇન વિભાગ હોય છે. જ્યાંથી અશુદ્ધ હવા બહાર ફેંકવામાં આવે છે.
સેપરેશન : 30 ફૂટ કોલમમાં ઓક્સિજન એકઠો કરાય છે
- સેપરેશન યુનિટમાં 25થી 30 ફૂટ ઊંચા કોલમમાં તૈયાર થયેલો ઓક્સિજન ભેગો કરાય છે. અહીં પ્રવાહી ઓક્સિજન હોય છે, જેને એક બીકરમાં કઢાય છે. ગણતરીની સેંકડમાં હવામાં ઊડી જતો હોવાથી ઓક્સિજનને બોટલમાં હવારૂપે ભરવા માટે રિફિલિંગ સેક્શનમાં લઈ જવાય છે.
રિફિલિંગ: ગેસ સેપરેશનમાંથી સીધો પાઇપ દ્વારા આવે છે
- રિફિલિંગ સેક્શનમાં 18-18 બોટલની બે કોલમ હોય છે. આ સેક્શનમાં સેપરેશન કોલમમાંથી સીધો જ ગેસ પાઇપ દ્વારા આવે છે. જ્યાં દરેક બોટલ પર એક નાની પાઇપ જોડાયેલી હોય છે. અહીં સિલિન્ડરમાં 150 બાર દબાણે ગેસ ભરવામાં આવે છે. દરેક બોટલનું વજન 25 કિલો હોય છે.
દર્દી દીઠ અંદાજે આટલો વપરાશ
| દર્દી | પ્રતિ મિનિટ ઓક્સિજન | અંદાજિત ખર્ચ |
| બાયપેપ | 40 લિટર | 1200થી 1500 |
| NRBM | 15 લિટર | 700થી 800 |
| વેન્ટિ માસ્ક | 4-8 લિટર | 400થી 500 |
| HNFC | 50-60 લિટર | 1700થી 1800 |
નવેમ્બરમાં સિવિલ-SVPમાં સૌથી વધુ 5.52 લાખ ઘન મીટરનો વપરાશ થયો
| વિગત | 1200 બેડની કોવિડ | SVP હોસ્પિટલ |
| ઓક્સિજન ટેન્કની કેપેસિટી | 16500 ક્યુબિક મીટર | 16550 ક્યુબિક મીટર |
| એપ્રિલથી ડિસેમ્બર સુધી વપરાયેલો ઓક્સિજન | 2505171 ક્યુબિક મીટર | 538730 ક્યુબિક મીટર |
| એપ્રિલથી ડિસેમ્બર સુધી વપરાયેલો ઓક્સિજન | 278352 ક્યુબિક મીટર | 59859 ક્યુબિક મીટર |
| મે મહિનામાં વપરાયેલો ઓક્સિજન | 249573 ક્યુબિક મીટર | 51258 ક્યુબિક મીટર |
| જૂન મહિના વપરાયેલો ઓકિસજન | 348704 ક્યુબિક મીટર | 66868 ક્યુબિક મીટર |
| નવેમ્બરમાં વપરાયેલો ઓક્સિજન | 468894 ક્યુબિક મીટર | 84711 ક્યુબિક મીટર |
| દર મહિને કેટલીવાર ટેન્ક ભરાતી હતી | દરરોજ | દર મહિને 10 વાર |
| સૌથી વધારે ક્યારે ટેન્ક ભરાઈ હતી | નવેમ્બર મહિનામાં | નવેમ્બરમાં 18 વખત |
| એપ્રિલ-ડિસે.વચ્ચેના વપરાશની કિંમત | રૂપિયા 7.60 કરોડ | રૂપિયા 1.35 કરોડ |
એક્સપર્ટ વ્યૂ – નરેન્દ્ર રાવલ, સિનિયર પલ્મોનોલોજિસ્ટ
- સાજો અને સ્વસ્થ માણસ એક મિનિટમાં 18 શ્વાસ લે છે, તે હિસાબે એક શ્વાસમાં તે અંદાજે 400થી 600 એમએલ શ્વાસ લેતો હોય છે, જ્યારે કોરોનાનો ગંભીર દર્દી એક શ્વાસમાં અંદાજે 150થી 300 એમએલ શ્વાસ લે છે.
- શ્વાસ લેતી વખતે 20 ટકા ઓક્સિજન ફેફસાંમાં જાય છે અને જ્યારે શ્વાસ બહાર કાઢે ત્યારે તેમાં 15 ટકા ઓક્સિજન અને 5 ટકા કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે.
