આરોગ્ય સાથે ચેડાં:વલસાડના ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં 4 દર્દીઓને એક્સપાયરી ડેટ વાળા ગ્લૂકોઝના બાટલા ચઢાવાયા, પરિવારનું ધ્યાન જતા હોસ્પિટલમાં હોબાળો

By Abhishek Raghuvanshi
5 Min Read
  • બ્લોકોઝનો બોટલ પર એક મહિના પૂર્વેની એક્સપાયરી ડેટ લખેલી હતી
  • સુરત RDD વિભાગમાં વલસાડ DDO અને આરોગ્ય વિભાગે તપાસ કરવા જાણકારી આપી

વલસાડ જિલ્લાના અંતરીયાળ વિસ્તાર એવા ધરમપુરની સરકારી સ્ટેટ્સ હોસ્પિટલની બેદરકારીનો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક પ્રસૂતાને હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક્સપાયરી ડેટ વાળી બોટલ ચડાવવામાં આવી હતી. ત્યારે આ સરકારી હોસ્પિટલના સ્ટાફ અને તબીબોની ગંભીર બેદરકારી સામે દર્દીના સ્વજનોની સાથે આદિવાસી સમાજમાં પણ રોષ વ્યાપી ગયો છે. આથી ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી અંગે તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ઘટનાની જાણ વલસાડ DDO અને આરોગ્ય વિભાગની ટીમને થતા તેઓએ સુરતના RDD વિભાગને તપાસ કરવા જણાવ્યું છે.

સમગ્ર વિસ્તારમાં રોષ
વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલી આ વિસ્તારની સૌથી મોટી સરકારી હોસ્પિટલ જેને થોડા વર્ષો અગાઉ જ સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ વિસ્તારના આદિવાસીઓને સારવાર માટે ખુલી મૂકી હતી. જોકે, આ આધુનિક સુવિધાઓથી સજ્જ આ સરકારી હોસ્પિટલમાં લાલિયાવાડી ચાલી રહી હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેને લઈ સમગ્ર વિસ્તારમાં રોષ વ્યાપી ગયો છે.

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
આ સરકારી હોસ્પિટલમાં એક મહિલા દર્દીને એક્સપાયરી ડેટ વાળો ગ્લૂકોઝનો બાટલો ચડાવવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. બનાવની વિગત મુજબ ધરમપુર તાલુકાના આંબોસી ગામના મોટી ભટાણ ફળિયામાં રહેતા અમિતાબેન પવાર નામના એક મહિલા દર્દીને પ્રસૂતિ માટે ધરમપુરની સરકારી સ્ટેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેમની સારવાર દરમિયાન હોસ્પિટલના તબીબોએ બેદરકારી દાખવી એક્સપાયરી ડેટ ચેક કર્યા વગર દર્દીઓને ગ્લૂકોઝની બોટલ દર્દીને ચડાવી દીધી હતી.

બોટલ ઉપર ફક્ત સરકારી ઉપયોગ માટે જ લખેલું હતું
આ દર્દીને ચઢાવેલી બોટલ એક મહિના પહેલા જ એક્સપાયર થઈ ચૂકી હતી. ગ્લૂકોઝના બોટલ ઉપર ફક્ત સરકારી ઉપયોગ માટે જ લખેલું હતું. આથી જે દવા ફક્ત સરકારી હોસ્પિટલમાં જ ઉપયોગમાં લેવાની હતી. તેવી સરકારી દવાના જથ્થાની આ બોટલ એક મહિના અગાઉ જ એક્સપાયર થઇ ચુકી હતી. જોકે, તેમ છતાં હોસ્પિટલના તબીબોએ એક્સપાયરી ડેટ જોયા વિના જ દર્દીને ચડાવી દીધી હતી. ત્યારબાદ દર્દીના સ્વજનોને એનું ધ્યાન જતાં હોસ્પિટલ સત્તાવાળાઓની બેદરકારી બદલ તેમની સામે રોષ વ્યક્ત કર્યો હતો.

- Advertisement -

આથી થોડા સમય સુધી મામલો ગરમાતાં હોસ્પિટલના સિનિયર તબીબો દર્દી અને તેમના સ્વજનને મળ્યા હતા. અને સ્વજનોનો રોષ પારખી ગયેલા તબીબોએ પણ બેદરકારી સ્વીકારી હતી. ભવિષ્યમાં આવી ઘટના ન બને તેનું ધ્યાન રાખવા બાહેંધરી આપી હતી.

દર્દીઓના પરિવારજનોએ હોબાળો મચાવ્યો

ફાર્મશિષ્ટ અને તબીબોની પણ બેદરકારી
આમ આ ઘટનામાં પ્રથમ હોસ્પિટલના ફાર્મશિષ્ટ અને તબીબોની પણ બેદરકારી છતી થઈ રહી છે. આથી દર્દીના સ્વજનો બેદરકારી માટે જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ પણ અડગ રહ્યા હતા. તો મામલો ગંભીર બનતા ધરમપુરના આદિવાસી સંગઠનોએ પણ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદાર સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવા માંગ કરી ધરમપુર મામલદારને આવેદનપત્ર આપ્યું હતું. બનાવની જાણ DDO અને જિલ્લા આરોગ્ય અધિકારીને થતા તેઓએ તાત્કાલિક સુરતના RDD વિભાગને ઘટનાની ઊંડાણ પૂર્વક તપાસ કરવા જણાવ્યું છે. હોસ્પિટલના બેદરકાર સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. વલસાડ DDOએ જિલ્લા આરોગ્ય અધિકારીને જરૂરી તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા છે.

કડક કાર્યવાહી કરવાની ખાતરી અપાઈ
ધરમપુરની સ્ટેટ હોસ્પિટલ અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે. ત્યારે અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ચાલતી આ સરકારી હોસ્પિટલમાં ગરીબ અને અભણ આદિવાસી લોકોની અજ્ઞાનતાનો લાભ લઇ અને હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી સામે હવે આદિવાસી સમાજમાં પણ રોષ વ્યાપી રહ્યો છે. ત્યારે હવે આ મામલામાં તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની જિલ્લા આરોગ્ય અધિકારી એ ખાત્રી આપી રહ્યા છે.

બોટલ પર માત્ર સરકારી ઉપયોગ માટે જ લખ્યું હતું

આમ રાજ્ય સરકાર દ્વારા અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલો તો બનાવી દીધી છે. પરંતુ આવા પછાત વિસ્તારોમાં સરકારી હોસ્પિટલમાં આવી લાલિયાવાડી અને બેદરકારીને કારણે લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે. આથી આવા કિસ્સાઓમાં જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરી હોસ્પિટલના સ્ટાફને જવાબદારીનું ભાન કરાવવામાં આવે તે જરૂરી છે.

Exit mobile version