- કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પણ માન્યું છે કે હજી સુધી 50 ટકા મુદ્દાના ઉકેલ નથી આવ્યા
ખેડૂત આંદોલનનો શુક્રવારે (15 જાન્યુઆરીએ) 51મો દિવસ છે. કેન્દ્ર સરકાર અને ખેડૂતનેતાઓ વચ્ચે આજે 10મી વખત બેઠક થવાની છે. માનવામાં આવે છે કે, આ છેલ્લી બેઠક હોઈ શકે છે. ખેડૂતો સરકાર સાથે વાતચીત કરવા વિજ્ઞાન ભવન રવાના થઈ ગયા છે. બીજી બાજુ, ખેડૂતનેતાઓએ કહ્યું છે કે અમે સરકાર સાથે બેઠક કરી રહ્યા છીએ, પરંતુ આ બેઠકથી અમને વધારે આશા નથી. અમે માત્ર કૃષિ કાયદા પરત લેવાની વાત કરીએ છીએ, એ સાથે અમારા પાકના ટેકાના ભાવની ગેરંટી ઈચ્છીએ છીએ.
કૃષિ કાયદા વિશે ખેડૂતો સાથે ચર્ચા માટે સુપ્રીમ કોર્ટના આદેશથી 12 જાન્યુઆરીએ 4 નિષ્ણાત સભ્યોની એક કમિટી બનાવવામાં આવી છે. 14 જાન્યુઆરી એટલે કે બે દિવસ પછી કમિટીથી ભારતીય ખેડૂત યુનિયનના અધ્યક્ષ ભૂપિન્દ્ર સિંહ માને તેમનું નામ પરત લઈ લીધુ છે. હવે કમિટી 19 જાન્યુઆરીએ ખેડૂતો સાથે પહેલી બેઠક કરશે.
ખેડૂતનેતા અભિમન્યુ કોહરે કહ્યું છે કે, કૃષિ કાયદા સંસદમાં પાસ થયા છે અને સરકાર જાણે છે કે આ કાયદાઓને કોર્ટ નિષ્પ્રભાવી ન કરી શકે. જે ખેડૂતો 26 નવેમ્બરથી દિલ્હીની સીમા પર બેઠા છે, કેન્દ્ર સરકારે તેમની લાગણીઓ સાથે રમત રમવાનું બંધ કરવું જોઈએ. કોઈ કમિટી બનાવી દેવી જ સમાધાન ન હોઈ શકે.
ખેડૂત આંદોલન અપડેટ્સ…
- ખેડૂતનેતાઓ વિજ્ઞાન ભવન પહોંચ્યા. તેમણે કહ્યું, કૃષિ કાયદો પરત લેવાય એ જ અમારી માંગણી છે. આ જ અમારી આશા છે અને તેણે સરકારે જ પૂરી કરવી પડશે.
- સિંધુ અને ટીકરી બોર્ડરથી બસોમાં બેસીને ખેડૂતનેતાઓ વિજ્ઞાન ભવન માટે રવાના થયા.
અમરિંદરે કહ્યું- કાયદો પરત લેવા સિવાય બીજુ કઈ મંજૂર નથી
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ગુરુવારે કહ્યું છે કે, નવા કૃષિ કાયદાને પરત લેવા સિવાય તેમને બીજુ કઈ જ મંજૂર નથી. કેન્દ્ર સરકારને મૂળભુત તકલીફો વિશે કઈ જ ખબર નથી. તે ઉપરાંત પંજાબ કેબિનેટે સરકાર પાસે ટેકાના ભાવનો બંધારણીય હક આપવાની માંગણી કરી છે.
ગુરુવારે થયેલી પંજાબ કેબિનેટની બેઠકમાં આંદોલનમાં ખેડૂતોના મૃત્યુથી બે દિવસનું મૌન રાખવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં અંદાજે 78 ખેડૂતોના મોત થયા છે.
નવા કૃષિ કાયદાના રિફોર્મ્સનો રસ્તો બતાવીશું: IMF
ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ (IMF)એ કહ્યું છે કે, નવા કૃષિ કાયદાને રિફોર્મ્સ કરવા માટે નવો રસ્તો કાઢીશું. IMFના કોમ્યુનિકેશન ડિરેક્ટર ગૈરી રાઈસના જણાવ્યા પ્રમાણે, ભારતના આ નવા કાયદા ખેડૂતો માટે ખૂબ મદદગાર સાબીત થશે. ખેડૂતો વચેટીયા વગર જ સીધો વેપારીઓ સાથે સંપર્ક કરી શકશે. તેનાથી ગામડાઓનો વિકાસ વધશે.
અમર જવાન જ્યોતિ પર તિરંગો લહેરાવીશું- ટિકૈત
ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે ગુરુવારે કહ્યું હતું કે, 26 જાન્યુઆરીએ અમે અમારી રેલી લાલકિલ્લાથી ઈન્ડિયા ગેટ સુધી કાઢીશું. ત્યારપછી બધા ખેડૂતો અમર જવાન જ્યોતિ પર ભેગા થશે અને ત્યાં તિરંગો લહેરાવશે. આ ઐતિહાસિક હશે જ્યાં એક તરફ ખેડૂતો હશે અને બીજી તરફ જવાન.
અત્યારસુધીની 9 બેઠકમાં શું થયું
પહેલી વખત-14 ઓક્ટોબર
શું થયું- મીટિંગમાં કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરની જગ્યાએ કૃષિસચિવ આવ્યા. ખેડૂત સંગઠનોએ મીટિંગનો બોયકોટ કર્યો. તેઓ કૃષિમંત્રી સાથે જ વાત કરવા માગતા હતા.
બીજી બેઠક-13 નવેમ્બર
શું થયું- કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રેલવેમંત્રી પીયૂષ ગોયલે ખેડૂત સંગઠનો સાથે મીટિંગ કરી. 7 કલાક વાતચીત ચાલી, પણ એનું કોઈ પરિણામ ન આવ્યું
ત્રીજી બેઠક-1લી ડિસેમ્બર
શું થયું- ત્રણ કલાક વાત થઈ. સરકારે એક્સપર્ટ કમિટી બનાવવાનું સૂચન આપ્યું, પણ ખેડૂત સંગઠન ત્રણ કાયદાને રદ કરવાની માગ પર અડગ છે.
ચોથી બેઠક-3 ડિસેમ્બર
શું થયું- સાડાસાત કલાકની વાતચીત થઈ. સરકારે વાયદો કર્યો કે એમએસપી સાથે કોઈ ચેડાં કરવામાં નહીં આવે. ખેડૂતોનું કહેવું હતું કે સરકારે એમએસપી પર ગેરંટી આપવાની સાથે સાથે ત્રણ કાયદા પણ રદ કરે.
5મી બેઠક- 5 ડિસેમ્બર
શું થયું- સરકાર એમએસપી પર લેખિત ગેરંટી આપવા માટે તૈયાર, પણ ખેડૂતોએ સ્પષ્ટ કહ્યું, કાયદો રદ કરવા અંગે સરકાર હા કે નામાં જવાબ આપે.
6ઠ્ઠી બેઠક – 8 ડિસેમ્બર
શું થયું- ભારત બંધના દિવસે જ ગૃહમંત્રી અમિત શાહે બેઠક કરી. અગાઉના દિવસે સરકારે 22 પેજનો પ્રસ્તાવ આપ્યો, પણ ખેડૂત સંગઠને નકારી દીધો.
7મી બેઠક 30 ડિસેમ્બર
શું થયું-નરેન્દ્ર સિંહ તોમર અને પીયૂષ ગોયલે ખેડૂત સંગઠનોના 40 પ્રતિનિધિ સાથે બેઠક કરી. બે મુદ્દા પર મતભેદ યથાવત્, પણ બે માટે રાજી થઈ ગયા.
8મી બેઠક 4 જાન્યુઆરી
શું થયું- 4 કલાક ચાલેલી બેઠકમાં ખેડૂત કાયદો પાછો લેવાની માગ પર અડગ. મીટિંગ સમાપ્ત થયા પછી કૃષિમંત્રીએ કહ્યું, તાળી બન્ને હાથેથી વાગે છે.
9મી બેઠક: 8 જાન્યુઆરી
શું થયું: વાતચીતનું કોઈ પરિણામ ન આવ્યું. ખેડૂતોએ બેઠકમાં કડક વલણ અપનાવ્યું. બેઠકમાં ખેડૂતોએ પોસ્ટર પણ લગાવ્યાં, જેના પર ગુરુમુખીમાં લખ્યું હતું, મરીશું અથવા જીતીશું. કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પણ માન્યું કે 50 ટકા મુદ્દાના ઉકેલ નથી આવ્યા.
