- આરોપીઓએ કયા કારણોસર હત્યા કરી એ અંગે ક્રાઈમ બ્રાંચે પૂછપરછ શરૂ કરી
- પોલીસને CCTVની મદદથી હત્યારાઓ સુધી પહોંચવામાં સફળતા મળી
અમદાવાદમાં દિવાળીના તહેવાર પહેલાં જ ઘાટલોડિયા વિસ્તારમાં વૃદ્ધ દંપતીની હત્યાની ઘટના બની હતી. શહેરભરમાં ચકચાર મચાવનારા દંપતીની હત્યાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝારખંડના બે પરપ્રાંતીય યુવકની ધરપકડ કરી લીધી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બંને આરોપીની લૂંટનો ઈરાદો અથવા એ સમયે એવી કોઈ ઘટના બની કે વૃદ્ધની હત્યા કરવામાં આવી એ સંદર્ભે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ ઘટના બાદ ક્રાઈમ બ્રાન્ચની 4 ટીમ કામે લાગી હતી.સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ યુવક જણાયો હતો, જેની ઓળખ કરી પૂછપરછ કરતાં ઘાટલોડિયા વિસ્તારમાં જ રહેતો હોવાનું જણાવ્યું હતું અને અન્ય એક શખસ સાથે મળીને હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.
દિવાળી પહેલાં જ વૃદ્ધ દંપતીની હત્યા કરાઈ હતી
દિવાળીના બે દિવસ પહેલાં ઘટલોડિયામાં સિનિયર સિટિઝનની લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. ઘાટલોડિયાના પારસમણિ એપાર્ટમેન્ટમાં દયાનંદ સુબરાવ અને તેમનાં પત્ની વિજયાલક્ષ્મી એકલા રહેતાં હતાં. ઘરમાં વૃદ્ધ દંપતી એકલું હતું ત્યારે અજાણ્યા શખસો ઘૂસી આવ્યા હતા, જેમણે લૂંટના ઇરાદે તેમના પર હુમલો કરી દીધો હતો. એમાં વૃદ્ધ દંપતીનાં મોત નીપજ્યાં હતાં. આ બનાવની જાણ રહી રહીને થતાં પોલીસે આરોપીને પકડવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા. જોકે પોલીસ તપાસમાં લૂંટ ન થઈ હોવાનું બહાર આવ્યું હતું. હવે ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી લૂંટના ઇરાદે, અંગત અદાવત અથવા અન્ય કોઈ કારણોસર હત્યા કરી હતી કે કેમ એ અંગેની પૂછપરછ શરૂ કરી છે.
અગાઉ પરિવાર અને સોસાયટીના સભ્યોની પૂછપરછ કરાઈ હતી
દયાનંદ સુબરાવ શાનબાગ(89)અને પત્ની વિજયાલક્ષ્મી(80)ની હત્યા બાબતે દીકરા કિરણ શાનબાગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દયાનંદ અને વિજયાલક્ષ્મીને ગળાના ભાગે છરીનો એક-એક ઘા મારીને જ મોતને ઘાટ ઉતારી દેવાયાં હતાં. પોસ્ટમોર્ટમ સહિતની વિધિ પૂરી કરીને દંપતીના મૃતદેહ પરિવારને સોંપી દેવાતાં તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. પરિવાર, સોસાયટીના સભ્યો અને સગાં-સંબંધીઓની પૂછપરછ કરવામાં આવી હતી.
છરી ખરીદાઈ હતી એ દુકાન શોધવા ટીમો કામે લાગી હતી
દયાનંદ અને વિજયાલક્ષ્મીની હત્યા કરનાર આરોપી લોહીવાળી છરી ઘરમાં જ મૂકીને ગયો હતો, જે પોલીસે કબજે કરી છે. જોકે આ છરી પર આર.કે.ઘાટલોડિયાનો માર્કો લાગેલો છે, જેથી આ નામવાળી દુકાન શોધવા માટે પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી છે. બીજી તરફ, હત્યા 6થી 8 વાગ્યા દરમિયાન કરવામાં આવી હતી, જેથી પોલીસે આ 2 કલાકના સમયગાળામાં એ વિસ્તારના મોબાઈલ ટાવરમાં કેટલા નંબર એક્ટિવ હતા એની તપાસ શરૂ કરી હતી. આ સાથે આજુબાજુના વિસ્તારોમાં આવેલા સીસીટીવીના ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા હતા.
ઘરઘાટીએ 3 મહિના પહેલાં નોકરી છોડી
આ દંપતીના ઘરે પ્રકાશ નામનો ઘરઘાટી નોકરી કરતો હતો, પરંતુ તેણે 3 મહિના પહેલાં નોકરી છોડી દીધી હતી, જેથી સોસાયટીમાં કામ કરવા આવતા અન્ય ઘરઘાટીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
