![](https://timenews.today/img/2021/11/5_1635832451.jpg)
- ફરિયાદમાં યુવતીએ વર્ષ 2007થી તેના પર જે જાતીય અત્યાચાર થયો તેની સિલસિલાબંધ વિગતો દર્શાવી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનના વડા પ્રોફેસર આનંદ ચૌહાણ વિરુદ્ધ આખરે એક વિદ્યાર્થિનીએ આંતરિક ફરિયાદ સમિતિમાં દુષ્કર્મના સિલસિલાની લેખિત રજૂઆત સાથે ન્યાયની માંગ કરી છે. આ યુવતીએ વર્ષ 2007થી તેના પર જે જાતીય અત્યાચાર થયો છે તેની સિલસિલાબંધ વિગતો દર્શાવી છે. તેની ખરાઈ કરવામાં આવે અને સીસીટીવી ફૂટેજ, કોલ ડીટેઈલ્સ ચેક કરવામા આવે તો આ અત્યંત ગંભીર ઘટનાની સત્યતાનો અંદાજ મળી શકે. ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું છે કે, મેં મારા શરીરના કાટલાં કાઢી નાખ્યા પણ ન્યાય કેમ મારાથી દૂર?, પુરાવાઓ મળશે એટલે ચૌહાણને જેલ થશે
તત્કાલિન કુલપતિ જોશીપુરા પર આક્ષેપો કર્યા
યુવતીએ સમિતિ સમક્ષ રજૂ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું કાયદા ભવનની વિદ્યાર્થિની હતી અને મેં 2006મા એલ.એલ.એમ.નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. વર્ષ 2007માં ગાઈડ મયુરસિંહ જાડેજા હેઠળ ‘વાયોલન્સ અગેઈન્સ્ટ વુમન’ ટોપિક પર પ્રપોઝલ આર.ડી.સી.માં મૂકી હતી. જોકે ડિપાર્ટમેન્ટ ઓફ લોએ પ્રપોઝલ રિજેક્ટ કર્યું હતું. થોડા સમય બાદ હું મેઈન બિલ્ડિંગ પાસે હતી. અહીં પ્રોફેસર ચૌહાણ આવે છે તેણે મોબાઈલ નંબર લઇ થોડા દિવસ બાદ મને ફોન કરી કહે છે કે, હું તમારી પીએચ.ડી.ની વાત જોશીપુરા સરને કહીશ. જોશીપુરા તત્કાલિન કુલપતિ હતા. ચૌહાણે મારી વાત કરી અને સરે કહ્યું કે નેક્સ્ટ ટર્મમાં ન્યાય આપવા મદદ કરીશ. જે બાદ કલ્પક ત્રિવેદી પો.વી.સી. સિલેક્ટ થયા. જે બાદ ચૌહાણ આવે છે અને પ્રો.વાઈસ ચાન્સેલર ન્યાયમાં મદદ કરશે અને તેમનું પહેલું કામ કરવું પડશે તેમ કહે છે. અહીંથી લાલચમાં ફસાવવાનો સિલસિલો શરુ થયો હતો.
ચૌહાણ ઓફિસે બોલાવી દુષ્કર્મ આચરતો હોવાનો આક્ષેપ
બાદમાં ચૌહાણે મારી સાથે કામ કરો, મારા જુનિયર બનો, મારી ઓફિસ પ્રહલાદ પ્લોટ પર છે ત્યાં આવો વકીલાત શીખવાડીશ. ત્યારપછી અવારનવાર ઓફિસે બોલાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ સિલસિલામાં મારું જીવન દુઃખના દરિયામાં જાશે તે ખબર નહોતી. તા. 4-9-2007ના દિવસે ઓફિસે જતી હતી ત્યારે કુલપતિ બંગલા પાસે જ મારું એક્સીડન્ટ થયું હતું, બાદમાં પરિવારજનોએ કહી દીધું કે દીકરીને વાગ્યુ હોવાથી ઓફિસે નહીં આવે. બાદમાં ચૌહાણે ટેસ્ટમાં સેટિંગની વાત કરી હતી. જોકે રિઝલ્ટ ફેઈલ અને ચૌહાણે કહ્યું કે જે લોકોના સેટિંગ હતા તે પાસ છે. તમારું આ ટર્મમાં નહીં નેક્સ્ટ ટર્મમાં થશે.
![સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા 2007માં દુષ્કર્મ કરવામાં આવ્યું હોવોનો યુવતીનો આક્ષેપ](https://images.bhaskarassets.com/web2images/960/2021/11/02/6_1635832382.jpg)
2020 અને 2021માં પીએચ.ડી. એન્ટ્રન્સમાં પીડિતા ફેઈલ થાય છે
પીએચ.ડી.ના હવનમાં હું કેટલી હોમાઈ ગઈ હતી. હાથમાં ફેક્ચર અને હું વિકલાંગ બની જાવ છું. અમુક વર્ષો પછી ચૌહાણ અધ્યાપક તરીકે યુનિવર્સિટીમાં આવે છે. ડિપાર્ટમેન્ટ ઓફ લો પર ફરી દુષ્કર્મ કરવા બોલાવે છે. બાદમાં વર્ષ 2020 અને 2021માં પીએચ.ડી. એન્ટ્રન્સમાં ફેઈલ થાવ છું. 100માંથી ઘટતા 12 માર્ક્સ માગ્યા પણ ન મળ્યા. મેં મારા શરીરના કાટલાં કાઢી નાખ્યા પણ ન્યાય કેમ મારાથી દૂર છે. મારી પાસે પૂરાવાઓ ના હોય તો એમ ના સમજો કે પ્રભુના ઘેર અંધારું છે. પુરાવાઓ મળશે તો ચૌહાણને જેલ થશે. જેથી તે સ્વીકારી લે કે મારી ભૂલ થઇ છે.