
- સોશિયલ મીડિયામાં શરૂ થયેલા આંદોલનમાં પોલીસકર્મીઓના પરિવારજનો જોડાયાં
- અન્ય રાજ્યોની વિગતો મંગાવાઇ, 7મા પગાર પંચમાં ગ્રેડ પેની સિસ્ટમ નથી
- અનુશાસનનો ભંગ થશે તો પગલાં લેવા પોલીસ અધિકારીની ચીમકી
- ગૃહરાજ્યમંત્રીએ પોલીસ પરિવાર સાથે બેઠક કરી, કમિટીની રચના કરવાની બાંહેધરી, કમિટીની રચના સુધી આંદોલન શરૂ રહેશે
ગુજરાત પોલીસના કર્મચારીઓએ ગ્રેડ પે વધારવાની માગણી સાથે પહેલા સોશિયલ મિડીયા અને હવે ખુલ્લેઆમ ધરણાં સહિતના આંદોલન રાજ્યભરમાં શરૂ થઈ ગયાં છે. પોલીસ કર્મીઓના પરિવારજનો તેના શહેરના સર્વોચ્ચ પોલીસ અધિકારીની ઓફિસો આગળ ધરણાં કરવા પહોંચી ગયા છે. મહિલાઓ થાળી વેલણ વગાડીને અને પ્લેકાર્ડ બતાવીને વિરોધ કરી છે. પોલીસ કર્મીઓ પણ ધીમે ધીમેે ધરણાં કરવા આગળ આવવા લાગ્યા છે. પાટણમાં રાત્રે 10થી વધુ પોલીસકર્મી સિટી પોલીસ સ્ટેશન આગળ ધરણા પર બેસી ગયા છે અને વધુ કર્મીઓને સાથ આપવા અપીલ કરી રહ્યા છે. બીજી બાજુ સરકાર પણ હરકતમાં આવી ગઈ છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ પરિવારો સાથે બેઠક કરી આ મુદ્દે સમિતિની રચના કરવાની બાંહેધરી આપી છે. જોકે જ્યાં સુધી કમિટીની રચના નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
સરકારની બેઠક ગ્રેડ પે અંગે કોઇ નિર્ણય નહીં
ગુજરાત પોલીસના કર્મચારીઓના ગ્રેડ પે અંગેના આંદોલન બાદ સરકાર હરકતમાં આવી છે અને બેઠકોનો દોર શરૂ કર્યો છે. અન્ય રાજ્યોમાં પોલીસ કર્મચારીઓના પગાર ધોરણ અંગેની માહિતી એકત્ર કરવામાં આવી છે. જોકે, હાલ ગ્રેડ પે વધારવા અંગે સરકાર કોઇ નિર્ણાયક તબક્કે પહોંચી નથી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક બોલાવી હતી.
બેઠક બાદ એડમિનિસ્ટ્રેશન આઇજી બ્રિજેશકુમાર ઝાએ જણાવ્યું હતું કે પોલીસ વિભાગની પગાર અને અન્ય સવલતો શું છે તેની માહિતી ગૃહ મંત્રીને આપવામાં આવી છે. ગુજરાતમાં હાલ ગ્રેડ પે નથી કારણ કે 7મા પગાર પંચ પ્રમાણે પોલીસ કર્મચારીને પગાર ચૂકવાય છે. પોલીસ વિભાગ અનુશાસનને વરેલો વિભાગ છે જેથી પોલીસની રજૂઆતો નિયત ફોરમમાં કરવામાં આવે છે, ફોરમની બહાર જઇને રજૂઆત થાય તો શું પગલાં લઇ શકાય તે અંગેની ચર્ચા પણ બેઠકમાં કરવામાં આવી છે. જો પોલીસ કર્મચારીઓ દ્વારા અનુશાસનનો ભંગ થશે તો કાર્યવાહી કરાશે. બીજીતરફ સરકાર પોલીસ કર્મચારીઓના આંદોલન સામે ઝૂકવાના મૂડમાં નહીં હોવાનું જણાઇ રહ્યું છે. સમજાવટથી મામલો થાળે પાડવાના પ્રયાસ કરાઇ રહ્યા છે. પોલીસ કર્મીઓના પરિવારજનો સાથે પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી હતી.
મહેસાણા અને સુરતમાં થાળી-વેલણ ખખડાવાયાં
મંગળવારે મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ પરિવારની મહિલાઓએ થાળી-વેલણ વગાડી હાર્દિક પંડ્યાના આંદોલનને ટેકો જાહેર કર્યો છે. આવી જરીતે સુરતમાં પણ પિપલોદ પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ મંગળવારે સાંજે ભેગી થઈ હતી અને થાળી-વેલણ ખખડાવી ગ્રેડ-પે ની માગ કરી હતી.
ગ્રેડ પે નહીં વધારાય તો બાળકો સાથે નીકળીશું
પોલીસ પરિવારની મહિલાઓ પૈકી વીણાબેન રાવલ અને ભારતીબેને જણાવ્યું કે, દરેક જિલ્લાના પોલીસ પરિવારોની મહિલાઓને બહાર નીકળવાની અપીલ કરીએ છીએ. માગણીનું નિરાકરણ નહીં આવે તો હવે બાળકો સાથે બહાર નીકળીશું.
સત્યાગ્રહ છાવણીમાં સત્યાગ્રહ ગાંધીનગરમાં બીજા દિવસે મહિલાઓના ધરણાં યોજાયાં
સોમવારે મોડીરાત સુધી આંદોલન ચાલ્યંુ હતંુ. જ્યારે બીજા દિવસે પણ પોલીસ આંદોલન એલસીબી કચેરીથી શહેરના સત્યાગ્રહ છાવણીએ પહોંચ્યુ હતુ. મંગળવારે મોટી સંખ્યામા પોલીસ પરિવારની મહિલાઓ સત્યાગ્રહ છાવણી પહોંચી હતી અને ધરણા શરૂ કર્યા હતાં. મોડી રાતે પણ સત્યાગ્રહ છાવણી ખાતે મહિલાઓ જોવા મળી હતી. તેમણે કહ્યુ હતુ કે, ગૃહમંત્રી બાળક માટે બહાર આવે તો પોલીસ માટે કેમ નહિ ? એટલુ જ નહિં પણ ધરણા પર બેઠેલી મહિલાઓએ રાત્રી ભોજન પણ છાવણી ખાતે જ લીધુ હતું. અને અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં પણ ઓછો મળતો ગ્રેડ પે વધારવાની માગને દહોરાવી હતી.
આપ અને કોંગ્રેસ પણ જોડાયું
ગાંધીનગરમાં સોમવારે રાતે હાર્દિક પંડ્યાની ધરપકડની વાતથી લોકો પોલીસ મથકે ઉમટી પડ્યા હતાં. પોલીસ પરિવારના 400થી વધુ એલસીબી પોલીસ મથક પર પહોંચી ગયા હતાં. જેને પગલે આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ પોલીસ સમર્થનમાં આવી ગયા હતાં. બાદમાં કોંગી નેતા પરેશ ધાનાણી અને પુર્વ ધારાસભ્ય કામિની બેન પણ પોલીસ સમર્થનમાં પહોંચી ગયા હતાં અને આંદોલનને ટેકો જાહેર કર્યો હતો.