
- આંધ્રપ્રદેશની કાઉન્ટર ઇન્ટેલિજન્સ સેલે ગોધરામાં એક મહિલા સહિત 5ની પૂછપરછ કરી
- પોલીસે મોબાઇલ, સિમકાર્ડ સહિતના ગેજેટની તપાસ કર્યા બાદ આરોપી અલ્તાફ હુસૈનની ધરપકડ કરી
- અલ્તાફહુસેન 2016માં પાકિસ્તાનમાં જઇને આતંકવાદી પ્રવૃત્તિ કરતી એજન્સીના સંપર્કમાં આવ્યો હતો
આંધ્રપ્રદેશના નેવી ઓફિસરોની જાસૂસીપ્રકરણમાં કાઉન્ટર ઇન્ટેલિજન્સ સેલ ટીમે ગોધરામાં એક મહિલા સહિત 5 લોકોની પૂછપરછ કરી હતી અને તપાસના અંતે આંધ્રપ્રદેશની કાઉન્ટર ઇન્ટેલિજન્સ સેલે ગોધરાના મોહમદર્દી મહોલ્લામાં રહેતા અલ્તાફ હુસૈન હારુન ઘાંચીભાઇ ઉર્ફે શકીલ ઘાંચીભાઇની ધરપકડ કરી છે.
આરોપી અલ્તાફ હુસૈનની ભૂમિકા
અલ્તાફ હુસૈન હારુન ઘાંચીભાઇ ઉર્ફે શકીલ ઘાંચીભાઇએ દેશવિરોધી આતંકવાદી પ્રવૃતિના ભાગરૂપે ભારતની જુદી-જુદી મોબાઇલ કંપનીનાં સિમકાર્ડ એક્ટિવ કરીને એના વ્હોટ્સએપ એકાઉન્ટના OTP પાકિસ્તાનના આતંકવાદી પ્રવૃત્તિ કરતા આકાઓને આપ્યા હતા. એ બાદ પાકિસ્તાનથી ભારતના સિમકાર્ડના વ્હોટ્સએપ એકાઉન્ટ ઓપરેટ કરીને પાકિસ્તાનના આતંકવાદી તત્ત્વએ ભારતીય સુરક્ષાદળોના જવાનોને હનીટ્રેપમાં ફસાવી જાસૂસી કરી તેમજ નોન બેકિંગ હવાલાથી આતંકી પ્રવૃત્તિ માટે ભંડોળ મોકલ્યું હતું, આ રીતે ભારતમાં આતંકી પ્રવૃતિ કરીને ગુનો આચર્યો હતો.
આરોપી પાકિસ્તાનમાં રોકાઈને આતંકી તત્ત્વોના સંપર્કમાં આવ્યો હતો
અલ્તાફ હુસૈન હારુન ઘાંચીભાઇ ઉર્ફે શકીલ 2016માં પાકિસ્તાનમાં જઇને રોકાયો હતો અને આતંકવાદી પ્રવૃત્તિ કરતી એજન્સી તેમજ આતંકવાદી તત્ત્વોના સંપર્કમાં આવ્યો હતો.
6 વિસ્તારોમાં રવિવારની મોડી રાત્રે છાપા માર્યા
ભારત દેશના નેવીના અધિકારીઓના જાસૂસી પ્રકરણની આંધ્રપ્રદેશમાં ફરિયાદ નોંધાઇ હતી. આ પાકિસ્તાની જાસૂસો દ્વારા નેવી જાસૂસીકાંડની તપાસ આંધ્રપ્રદેશની કાઉન્ટર ઇન્ટેલિજન્સ સેલને સોંપવામાં આવી હતી. આંધ્રના સેલની તપાસમાં નેવી જાસૂસીકાંડના તાર ગોધરા સુધી ફેલાયેલા હતા, જેને લઇને આંધ્રપ્રદેશની કાઉન્ટર ઇન્ટેલિજન્સ સેલ ટીમ ગોધરા પહોંચી હતી. આંધ્રની ટીમે સ્થાનિક એસઓજી, એલસીબી સહિત સ્થાનિક પોલીસને સાથે રાખીને આંધ્રની ટીમે ગોધરાના પશ્ચિમ વિસ્તારના પોલનબજાર, ચેતનદાસ પ્લોટ સહિતના અલગ-અલગ 6 વિસ્તારોમાં રવિવારની મોડી રાત્રે છાપા માર્યા હતા.
એક મહિલા સહિત 5 કરતાં વધુ શંકમંદોની પૂછપરછ કરી
પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી નેવી જાસૂસીકાંડપ્રકરણમાં એક મહિલા સહિત 5 કરતાં વધુ શંકમંદોની પૂછપરછ કરવા ગોધરાના બી ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ અને નિવેદનો આંધ્ર કાઉન્ટર ઇન્ટેલિજન્સ સેલ દ્વારા 15 કલાક કરતાં વધુ સમય સુધી લેવામાં આવ્યાં હતાં. ત્યારે ગોધરા શહેરમાં નેવી જાસૂસીકાંડમાં શંકાસ્પદોની આંધ્ર પોલીસે વોરંટથી અટકાયત કરીને પૂછપરછ કરતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આંધ્ર પોલીસે શંકાસ્પદો પાસેથી મોબાઇલ, સિમકાર્ડ સહિતનાં ગેજેટનો મોટા પ્રમાણમાં જથ્થો કબજે કરીને કાર્યવાહી કરી રહી છે.

અગાઉ ગોધરાના રિક્ષાવાળાની ધરપકડ કરાઇ હતી
પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈ.એસ.આઈ. દ્વારા નેવીના ઓફિસરને પૈસા આપી ગુપ્ત માહિતી પ્રકરણમાં ગોધરાના રિક્ષાચાલાકનું નામ ખૂલ્યું હતું. નેવીના ઓફિસરોએ ભારતીય જળસીમામાં સબમરીન અને જહાજોની વ્યવસ્થા ક્યા છે. એવી જાસૂસીના પ્રકરણમાં પોલીસે કોલ-ડિટેઇલ અને બેન્ક ટ્રાન્ઝેક્શનની ઝીણવટભરી વિગતો તપાસી તો તેનું કનેક્શન ગોધરામાં ઇમરાનના ખાતામાં પૈસા જમા થયા હોવાનું બહાર આવ્યું હતુ. ગુજરાત એટીએસની મદદથી ઇમરાનની ધરપકડ કરાઇ હતી.
ગત વર્ષે જાસૂસીકાંડમાં ગોધરામાંથી બે ભાઇની ધરપકડ કરાઇ હતી
એક વર્ષ પહેલાં પાકિસ્તાનની ખુફિયા જાસૂસી એજન્સીઓને ભારતીય લશ્કરની ગુપ્ત માહિતીઓ આપવામાં ગોધરામાંથી બે સગાભાઇની ધરપકડ કરી હતી. પાકિસ્તાની જાસૂસીકાંડમાં સંડોવાયેલા ગોધરાના અનસ ગીતેલીની ધરપકડ કરાઈ હતી. અનસના મોટા ભાઈ ઇમરાન ગીતેલીની પણ ભારતીય જલ સેનાની ગુપ્ત માહિતીઓ પાકિસ્તાની જાસૂસી એજન્સીઓને આપવાના ગુનામાં હૈદરાબાદ NIAએ ગત સપ્ટેમ્બરમાં ધરપકડ કરી હતી.
નાણાં ટ્રાન્સફર કરવા ઓટીપી ગોધરામાં મોબાઇલો પર આવતા હતા
મળતી માહિતી મુજબ, નેવી જાસૂસીકાંડમાં ગૃપ્ત માહિતી આપવા બદલ અધિકારીઓનાં ખાતાંમાં ઓનનલાઇન પૈસા ટ્રાન્સફર થતા હતા. પોલીસની તપાસમાં નેવીના અધિકારીઓનાં ખાતાંમાં નાણાં મોકલવા બેંક ખાતામાં જે મોબાઇલ નંબર આપેલા હતા એ નંબરો ગોધરાના હોવાનું બહાર આવ્યું હતું. બેંક ખાતામાંથી નાણાં મોકલતાં પહેલાં આવતો ઓટીપી નંબર ગોધરાની વ્યક્તિઓના મોબાઇલમાં આવતો હતો. જે ઓટીપી નંબર વ્હોટ્સઅપ દ્વારા મોકલી આપતા હતા. આંધ્ર પોલીસે ગોધરાની વ્યક્તિઓ પાસેથી સિમકાર્ડ અને મોબાઇલનો જથ્થો જપ્ત કર્યો છે.