- પહેલાં બીજાં રાજ્યોમાંથી દિવસની 22 જેટલી ટ્રકો ભરીને ડુંગળી આવતી, હવે 10થી 15 ટ્રક આવે છે
તહેવારોના સમયમાં ગરીબોની કસ્તુરી ગણાતી એવી ડુંગળી ફરી એકવાર લોકોને આંખે પાણી લાવી દે તો નવાઈ નહીં! તહેવારોની મોસમમાં અલગ-અલગ મોરચે મોંઘવારીનો સામનો કરી રહેલી જનતાનું હવે ફરી એકવાર ડુંગળીના વધેલા ભાવના કારણે બજેટ ખોરવાયું છે. તેવામાં તહેવારો બાદ પણ ડુંગળીના ભાવમાં ભડકો થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. દિવાળીના દિવસોમાં ડુંગળીના ભાવ રિટેલ માર્કેટમાં 60 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે, આવનાર દિવસોમાં પણ ભાવ વધારો થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
ડુંગળીની આવકના આધારે ભાવમાં વધારો દેખાશે
અમદાવાદ વાસણા APMCમાં હોલસેલ ડુંગળીના વેપારી ધનસુખભાઈ પટેલનું કહેવું છે કે જે વિસ્તારમાં ડુંગળી થાય છે, તે વિસ્તારોમાં વરસાદના કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે. કેટલાક સ્થાનો પર ડુંગળીનો સ્ટોક હતો તે પણ બગડી ગયો છે. આ સ્થિતિમાં નવી ડુંગળી આવતા અંદાજે ત્રણ મહિના જેટલો સમય લાગી શકે છે. જેથી આવનાર દિવસોમાં ડુંગળીની આવકના આધારે ભાવમાં વધારો જોવા મળી શકે તેવી શક્યતાઓ છે.
માર્કેટમાં રિઝનેબલ ભાવથી વેચાણ થવું જરૂરી
અન્ય એક વેપારી કિશોર પરિયાણીનું કહેવું છે કે હોલસેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ 15થી 32 રૂપિયા કિલો જોવા મળી રહ્યો છે. આ હિસાબે રિટેઇલ માર્કેટમાં રૂપિયા 40થી વધારેની કિંમતે વેચાણ થવું ન જોઈએ, એટલે કે રિટેઇલ માર્કેટમાં પણ રિઝનેબલ ભાવથી વેચાણ થવું જરૂરી છે. જેથી તમામનું બજેટ સચવાઈ રહે.
વરસાદના કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન થયું
ગુજરાત સહિત દેશભરમાં ભારે વરસાદના કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે. રાજ્યમાં અમદાવાદનું વાસણા APMC ડુંગળી-બટાકા માટેનું સૌથી મોટું માર્કેટ છે. અહીં કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તથા સૌરાષ્ટ્રમાંથી ડુંગળી આવે છે. જોકે સૌરાષ્ટ્ર, કર્ણાટક, મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ડુંગળીની આવકમાં ભારે ઘટાડો નોંધાયો છે. 15 થી 20 દિવસ પહેલા કર્ણાટક આંધ્ર પ્રદેશથી દિવસની 20- 22 ટ્રકો ભરીને ડુંગળી આવતી હતી, જેના સ્થાને હવે 10-15 ટ્રકો આવી રહી છે.