
- મૃતક જેક દેવા આવ્યો અને મોત મળ્યું, પરિવારમાં માતમ
રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર ગત રાત્રે કપાસ ભરેલા મેટાડોરમાં પંચર પડતાં યુવાન ટાયર બદલી રહ્યો હતો. ત્યારે અચાનક જ અજાણ્યા કારચાલકે તેને કચડતાં મોત નીપજ્યું હતું. આ બનાવમાં અન્ય ચાર વ્યક્તિને ઇજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. જોકે કારચાલક કાર મૂકી ફરાર થઇ ગયો છે.
ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા
પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ, નવા 150 ફૂટ રિંગ રોડ પર મેટાડોર અને કાર વચ્ચે અકસ્માત થતાં મેરામ બાવાભાઇ મંગસ્વા (ઉં.વ.25), ગોવિંદ ધનાભાઈ માટિયા (ઉં.વ.30), દિનેશ રતિભાઇ લંગડા (ઉં.વ.33), દિનેશ ચાવડા (ઉં.વ.35) અને અજય મકવાણા (ઉં.વ.30)ને ઇજા પહોંચી હતી, આથી તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં
ખસેડાયા હતા, જેમાં ગંભીર ઈજા થતાં અજય મકવાણાનું મોત નીપજ્યું હતું.
જેક દેવા આવ્યો અને યુવાનને મોત મળ્યું
પોલીસ હોસ્પિટલે દોડી જઈ તપાસ કરતાં ઘવાયેલા મેરામભાઈ મેટાડોર લઈ જતા હતા એ દરમિયાન પંચર પડ્યું હતું. મેરામભાઇએ ફોન કરી બોલાવતાં અજય જેક લઈ આવ્યો હતો અને ટાયર બદલાવતાં હતાં એ દરમિયાન અજાણ્યા કારચાલકે તમામને અડફેટે લીધા હતા, જેમાં અજય મકવાણાનું મોત નીપજતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
