- મુખ્યમંત્રીએ હળવાશના મૂડમાં અનેક સ્ટેટમેન્ટ્સ આપ્યાં
- ગાંધીનગરનું મહેણું માર માર કરે છે અને આપણે સાથે મળીને આ વખતે મહેણું તોડી નાખીશું
- ચૂંટણી આવે એટલે લોકો કહે છે- દોડો, અમે બેઠા છીએ, પછી ચૂંટણી પછી કોઈ દેખાતું નથી
ગુજરાતમાં સપ્ટેમ્બરમાં આખી સરકાર જ બદલી નાખવામાં આવી હતી. ત્યાર બાદ પહેલીવાર જ ધારાસભ્ય બનીને વિધાનસભામાં ગયેલા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા. મુખ્યમંત્રી બાદ 16 સપ્ટેમ્બરે નવા મંત્રીમંડળે શપથગ્રહણ કર્યા હતા. આમ, ગુજરાતમાં 16 સપ્ટેમ્બરથી નવી સરકાર બની હતી. આ સરકારને આજે એક મહિનો થઈ ગયો છે. જોકે મુખ્યમંત્રી બનવા સાથે જ ભૂપેન્દ્ર પટેલ સક્રિય થઈ ગયા હતા. માત્ર એટલું જ નહીં, તેમણે હળવાશના મૂડમાં અનેક સ્ટેટમેન્ટ્સ પણ આપ્યાં છે. તેમનાં નિવેદનો સોશિયલ મીડિયા અને મીડિયામાં પણ ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યાં હતાં.
કેટલાક લોકોની જીભ જ શસ્ત્ર જેવી હોય છે
ગાંધીનગરમાં દશેરાના પર્વ નિમિત્તે ઠેર-ઠેર શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી મંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમના સત્તાવાર નિવાસસ્થાને પણ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે હળવા અંદાજમાં મુખ્યમંત્રીએ પૂજન પછી કેટલાક લોકોની જીભ જ શસ્ત્ર જેવી હોય છે એવું પણ કહ્યું હતું.
મુખ્યમંત્રી હોય એટલે પોણો કલાક બોલવું પડે એવા મૂડમાં નથી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવો ચીલો ચાતરવાનો પ્રયાસ કર્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આપેલા ભાષણનો વીડિયો વાઇરલ થયો હતો. સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પેજ સમિતિના કાર્યક્રમમાં એક ભાષણ આપ્યું હતું. આ ભાષણ લોકોને ખૂબ પસંદ આવ્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ‘મુખ્યમંત્રી હોય એટલે પોણો કલાક બોલવું પડે એવા મૂડમાં આપણે ક્યાંય નથી’
ગાંધીનગરનું મહેણું માર માર કરે છે, એ તોડી નાખીશું
તાજેતરમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. જોકે આ ચૂંટણી પહેલાં ગુજરાતમાં ભાજપનું 27 વર્ષથી શાસન હોવા છતાં ગાંધીનગર મનપામાં ભાજપને જીત મળતી નહોતી, સામાન્ય રીતે કોંગ્રેસ જીતતી આવી હતી. આ સંદર્ભમાં પ્રચાર કરવા સમયે મુખ્યમંત્રી પટેલે કહ્યું હતું કે ગાંધીનગરનું મહેણું માર માર કરે છે અને આપણે સાથે મળીને આ વખતે મહેણું તોડી નાખીશું છે. પાટીલ સાહેબે તો કહ્યું છે કે પેજ સમિતિ ક્યાંય બાકી હોય તો એક્ટિવ કરી દેવાશે અને એનાથી જ સારાં પરિણામ મળશે તો આપણે સૌએ સાથે મળીને આ મહેણું ભાંગવાનું છે.’ ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત થતાં ભૂપેન્દ્ર પટેલે મહેણું ભાંગ્યું હતું.
તેમણે આગળ કહ્યું હતું કે તમારી કોઈપણ મુશ્કેલી મારા સુધી પહોંચશે તો એને નિવારવા પૂરી તાકાતથી કામ કરીશ. ઘણીવાર લોકોને સમસ્યા હોય છે કે ચૂંટણી આવે એટલે લોકો કહે છે કે દોડો, અમે બેઠા છીએ. પછી ચૂંટણી પછી કોઈ દેખાતું નથી, એટલે એ જવાબદારી લેનારા છટકી જાય તોપણ અમારા સુધી વાત પહોંચાડજો’
અધિકારીઓને કહ્યું- ‘સાલડી ગામ મારી સાસરી છે, વિકાસ બરોબર કરજો’
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની સાસરી સાલડી ગામની મુલાકાત કરી હતી. સન્માન સમારોહ બાદ તેમણે મહેસાણા જિલ્લાના અધિકારીઓને હળવી ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે અહીં વિકાસ બરાબર કરજો. આ ગામ મારું સાસરું છે. આપણી ભાષા તો પટેલની. ઘણીવાર ગામડામાં સાંભળવા મળે કે જવા દે ને, કરોડપતિ છે, પણ છૂટતું નથી. પાંચિયું પણ છૂટે નહીં એવા લોકો માટે મને થાય કે પૈસા ભેગા કરીને તેઓ શું કરશે?
ભૂલ થાય તો લાફો ના મારતા, પણ શીખવજો
પીએમ કેર હેઠળ સિવિલ હોસ્પિટલ ખાતે સ્થાપિત કરાયેલા 1.87 મેટ્રિક ટનના ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમવાર ભરૂચ ગયા હતા. પ્લાન્ટના લોકાર્પણ બાદ પંડિત ઓમકારનાથ હોલ ખાતે કોરોના વોરિયર્સનું સન્માન અને અંક્લેશ્વર રેવન્યુ ક્વાર્ટર્સનું ઇ-લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ સમયે ભાષણમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કોઇ ભૂલ થાય તો લાફો ના મારતા, પણ શીખવજો, અમે શીખીશું, એમ કહી લોકોનાં મન જીત્યાં હતાં.
હું તો ગુજરાતીમાં જ બોલવાનો છું
જામનગરમાં ઊભી થયેલી પૂરની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ યોજાયેલી પત્રકાર પરિષદ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માતૃભાષામાં સંબોધન કર્યું હતું. સંબોધન પૂર્ણ થયા બાદ ભૂપેન્દ્ર પટેલ ઊભા થઇને જઇ રહ્યા હતા. એ સમયે નેશનલ ન્યૂઝ ચેનલના પત્રકારો દ્વારા હિન્દીમાં નિવેદન આપવા જણાવ્યું હતું. જોકે એ જ સમયે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ‘ગુજરાતીમાં જ કહેવાનો છું. તમારે નેશનલમાં ચલાવવું હોય તો ગુજરાતીમાં ચલાવો.