- દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો બનાવ, કુલપતિએ મંજૂરી આપી હોવા છતાં પોલીસનું દમન
- ઉમરા PIને હાથ જોડવા પડ્યા, દમન કરનારી પોલીસ સામે JCPને તપાસ સોંપાઈ
- કેમ્પસમાં કોની મંજૂરીથી ગરબા રમો છો? કહેતાં બબાલ, પોલીસે ગાળો આપતાં ઘર્ષણ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિમાં માત્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટના અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે જ આયોજન હતું. ઉમરા પોલીસે વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહ્યું હતું. વિદ્યાર્થીઓએ સામે પોલીસને પૂછ્યું કે તમે કોની મંજૂરીથી કોલેજ કેમ્પસમાં આવ્યા છો. ત્યારે એ બાબતને લઈને પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી. પોલીસે 500થી વધુ વિદ્યાર્થીઓ હોવાથી ગરબા બંધ કરાવતાં મામલો ઉગ્ર બન્યો હતો. પોલીસે વિદ્યાર્થીઓને ઘસડી ઘસડીને માર્યા હતા. 3થી 4 વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશને લઈ જવાતાં વિદ્યાર્થીઓના ટોળાંએ ત્યાં જઈ હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહિ પીઆઈની ચેમ્બરની બહાર સૂત્રોચ્ચાર કરતાં ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને ટોળાને વિખેર્યા હતા. કુલ 3 કલાકથી વધુ આ બબાલ ચાલી હતી. પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાની વાત એક વિદ્યાર્થીનીએ કરી હતી. વિદ્યાર્થીઓ તથા યુનિ.ના અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે, પોલીસે માસ્ક મુદ્દે વિરોધ ઉઠાવ્યો હતો. જો કે, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોલ કરતાં મોડીરાતે વિદ્યાર્થીઓને છોડી મૂકાયા હતા. ઉમરા પીઆઇએ હાથ જોડવા પડ્યા હતા. પોલીસ સામે JCPને તપાસ સોંપાઈ છે.
જોતજોતાંમાં સ્થિતિ એટલી ઉગ્ર થઈ ગઈ હતી
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે એક દિવસની નવરાત્રિની મંજૂરી આપવામાં આવી હતી, જેમાં માત્ર ને માત્ર યુનિવર્સિટીના હોસ્ટેલના અને ફેકલ્ટીના વિદ્યાર્થીઓને રમવા માટે કહેવામાં આવ્યું હતું. ગરબા રમતી વખતે ઉમરા પોલીસ સ્ટેશનના સ્ટાફે ત્યાં પહોંચીને વિદ્યાર્થીઓને કેટલાંક સૂચનો આપ્યાં હતાં. બે-ત્રણ વિદ્યાર્થીઓએ ઉમરા પોલીસ સ્ટેશનનાં મહિલા પીઆઇ સહિત અન્ય પોલીસ કર્મચારી સાથે અસભ્ય વર્તન કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોતજોતાંમાં સ્થિતિ એટલી ઉગ્ર થઈ ગઈ હતી કે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. પીસીઆર વાનમાં આવેલા પોલીસ કર્મચારીઓએ સ્થિતિ વધુ વણસતાં અન્ય કર્મચારીઓને પણ બોલાવી લીધા હતા. કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરીને ઉમરા પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા.
વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો
વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કેમ્પસમાંથી ઉમરા પોલીસ સ્ટેશન લઇ જવાતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમને છોડાવવા માટે ઉમરા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવા પહોંચ્યા હતા, વિદ્યાર્થીઓનું કહેવું હતું કે અમે પરમિશન સાથે ગરબાનું આયોજન કર્યું હતું તો પોલીસે ખોટી રીતે કેમ દખલ કર્યો હતો. વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમરા પોલીસ સ્ટેશને પહોંચી જઈને પોલીસ વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
વિદ્યાર્થીઓનાં ટોળાંનો ઉમરા પોલીસ સ્ટેશનમાં 3 કલાક સુધી હંગામો, ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ફોન આવતાં પકડેલા વિદ્યાર્થીઓને છોડાયા
મંજૂરી વિના પોલીસ આવી ન શકે
કુલપતિના આદેશ વિના પોલીસ યુનિવર્સિટી કેમ્પસમાં આવી શકે નહીં, જેથી જે-તે પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરવા માટે ઉમરા પોલીસ મથકમાં અરજી આપી છે. > ડો. જયદીપ ચૌધરી, ઇન્ચાર્જ રજિસ્ટ્રાર, વીએનએસજીયુ
પોલીસ દમન સામે આજે વિરોધ
અમે વાત કરવા ગયા તો પોલીસે ગાળો આપી. મને કોલર પકડી પોલીસ મથકમાં લઇ આવ્યા, જ્યાં એબીવીપીના કાર્યકર્તાને લાઠી મારી. પોલીસની દાદાગીરી સામે મંગળવારે વિરોધ કરાશે. > ઇશાન મટ્ટુ, કેમ્પસ અધ્યક્ષ, એબીવીપી
કાર્યવાહી કરવા માગ કરાશે
અમે મંગળવારે યુનિવર્સિટી બંધનું એલાન જાહેર કર્યું છે. આ સાથે જ કલેક્ટર અને કમિશનરને આવેદન આપી પોલીસ સામે કાર્યવાહી કરવાની માગ કરાશે. > હિમાલયસિંહ ઝાલા, એબીવીપી પ્રદેશ મંત્રી અને સુરત વિભાગ સંગઠન મંત્રી
અનેકને ઇજા…
4 વિદ્યાર્થીઓને પોલીસ ઘસડીને ઉમરા પોલીસ લઈ આવતાં વિદ્યાર્થીઓનાં ટોળાંએ પોલીસ સ્ટેશન સામેના રોડ પર બેસીને રામધૂન બોલાવી હતી.