- ડૉ. વલ્લભ કથીરિયાને પહેલા નીચે બેસાડ્યા પછી સ્ટેજ પર બોલાવ્યા હતા
- વિજય રૂપાણી પર સિનિયર નેતાની અવગણના કરવાનો આક્ષેપ, પાટીદાર સમાજ સહિત વફાદાર કાર્યકરોમાં જબરો આક્રોશ ફેલાયો
તાજેતરમાં રાજકોટમાં હાલ પૂર્વ CM વિજયભાઈ રૂપાણી પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવા અને ઋણ સ્વીકારનો કાર્યક્રમ કાલાવડ રોડ પર આવેલા અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં યોજાયો હતો. હાલ આ ઘટનાનો એક વીડિયો અને મેસેજ વાઇરલ થયો છે. એ વીડિયોમાં ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. આ વીડિયોમાં ભાજપના દિગ્ગજ પાટીદાર અગ્રણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભ કથીરિયાને પહેલા નીચે બેસાડવામાં આવે છે. ત્યાર બાદ તેઓ વિજય રૂપાણીને મળવા માટે આવે છે, તેમની બાજુમાં બેસે છે, પરંતુ તેઓ તેમને ત્યાં બેસવાની મનાઈ કરે છે અને અંતે, છેલ્લી લાઈનમાં બેસવા ખુદ વિજય રૂપાણી ડો.વલ્લભ કથીરિયાને સૂચના આપી હોવાની ચર્ચા થઈ રહી છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રીનું અપમાન
આ ઘટનાને પગલે વિજય રૂપાણીએ સિનિયર નેતાની અવગણના કરતાં પાટીદાર સમાજ સહિત વફાદાર કાર્યકરોમાં જબરો આક્રોશ ફેલાયો છે. ઉલ્લેખનીય છે પહેલી હરોળમાં નીતિન ભારદ્વાજને સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ પૂર્વ કેન્દ્રીય મંત્રીનું અપમાન કરવામાં આવ્યું હોય એવો મેસેજ અને વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.
ભાજપના કાર્યકરોમાં આક્રોશ
આ વીડિયોને પગલે પાટીદાર સમાજ સહિત ભાજપના જૂના અને વફાદાર કાર્યકરોમાં આક્રોશ ફેલાઇ રહ્યો છે. વાઇરલ વીડયો અને મેસેજમાં નીતિન ભારદ્વાજને વિજય રૂપાણીના અંગત તરીકે સંબોધવામાં આવ્યા છે અને એવો પ્રશ્ન કરવામાં આવ્યો છે કે શું પક્ષની વફાદારીથી નેતૃત્વની લાયકાત બને છે એવો સવાલ ભાજપના અસંખ્ય કાર્યકરોમાં ચર્ચાઇ રહ્યો છે. હાલ આ વીડિયો અને ડો. કથીરિયાનું અપમાન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ
ઉલ્લેખનીય છે કે આજથી 3 દિવસ પહેલાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ શહેરની મુલાકાતે આવ્યા હતા. ત્યાં હાલ વિજયભાઇ રૂપાણી પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવા અને ઋણ સ્વીકારનો ગરિમાપૂર્ણ કાર્યક્રમ કાલાવડ રોડ પર આવેલા અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં યોજાયો હતો. એ વખતે 1500 જેટલા લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળ્યો હતો.
‘નેતા માટે બધી છૂટ’ની ચર્ચા શરૂ
રાજકોટમાં નવરાત્રિને લઇને કોર્પોરેશન અને પોલીસ ટીમે માગ્દર્શિકા જાહેર કરી છે. એ અનુસંધાને 400 વ્યકિતની મર્યાદામાં ગરબાનું આયોજન કરી શકાશે. આ ઉપરાંત દરેક વ્યકિતએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલા હોવા જોઇએ. જ્યારે ઋણ સ્વીકાર સમારોહમાં 1500થી વધુ લોકો હાજર રહ્યા હતા. જ્યાં ઉપસ્થિત લોકોના વેક્સિનેશનના સર્ટિફિકેટનું ચેકિંગ પણ કરવામાં આવ્યું ન હતું. લોકોને નહીં પણ, ‘નેતા માટે બધી છૂટ’ એવી ચર્ચા શરૂ થઈ હતી.