- અકસ્માતમાં વાહનચાલકો અને પેસેન્જર વાહનોમાં ફસાયા હોવાની આશંકા
- રિક્ષામાં કેટલા પેસેન્જર હતા એ હજુ જાણી શકાયું નથી
બનાસકાંઠા જિલ્લાના ડીસા-પાલનપુર હાઇવે પર બે ટ્રક, રિક્ષા અને ઇકો કાર એમ ચાર વાહન વચ્ચે અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. શુક્રવારે સવારે ડીસા-પાલનપુર હાઇવે પર ભોંયણ નજીક બે ટ્રક સામસામે અથડાતાં વચ્ચે રિક્ષા આવી ગઈ હતી. અકસ્માત થતાં જ બંને ટ્રક અને રિક્ષામાં આગ લાગી હતી, જેમાં ડ્રાઇવર અને પેસેન્જર વાહનોમાં ફસાયા હોવાની આશંકા છે.
રાજ્યભરમાં અકસ્માતોની વણઝાર વણથંભી છે. જેમ જેમ વાહનો વધતાં જાય છે તેમ તેમ અકસ્માતોની ઘટનામાં પણ વધારો થતો જાય છે. ગઈકાલે રાત્રે થરાદના રાહ પાસે ટેન્કર પલટી મારતાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જે બાદ આજે ત્યારે વઘુ એક ઘટના બનાસકાંઠાના ડીસાથી સામે આવી છે. એમાં બે ટ્રક સામસામે અથડાતાં વચ્ચે આવેલી રિક્ષાનો કુચ્ચો વળી ગયો હતો. અકસ્માત થતાં ત્રણે વાહનોમાં આગ લાગી ગઈ હતી.
અકસ્માતની જાણ ડીસા પોલીસ અને ફાયર વિભાગને કરાતાં ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરાયા હતા. આ ગોઝારા અકસ્માતમાં વાહનચાલકો અને પેસેન્જર વાહનોમાં જ ફસાયા છે. અકસ્માતમાં ત્રણથી વધુ લોકો આગની ઝપેટમાં આવ્યા હોય એવી આશંકા સેવાઈ રહી છે. જોકે રિક્ષામાં કેટલા પેસેન્જર હતા એ હજુ જાણી શકાયું નથી.