
આદ્યશક્તિની આરાધનારૂપી નવરાત્રિનો શનિવારથી પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે યાત્રાધામ અંબાજીમાં શાસ્ત્રોક્તવિધિ સાથે ઘટસ્થાપન કરવામાં આવી રહ્યું છે. ગત વર્ષ કોરોના મહામારીના કારણે ભાવિકોની હાજરી વગર ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું, જોકે આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી મંદિર ખાતે ઉપસ્થિત છે અને માતાજીના ઘટસ્થાપનની વિધિમાં હાજરી આપી છે. મંદિરના ભટ્ટજી મહારાજે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિનો પ્રારંભ કર્યો છે. વહીવટદારના હસ્થે ઘટસ્થાપન વિધિનું પૂજન કરાવવામાં આવ્યું છે.
નવરાત્રિ મહાપર્વનો આજથી પ્રારંભ
શક્તિ ઉપાસનાના પર્વ નવરાત્રિ મહાપર્વનો ગુરુવારથી શુભ આરંભ થઈ રહ્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં કોરોના મહામારીની બે વર્ષની લાંબી અવધિ બાદ આ નવરાત્રિએ માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને મા અંબા નિરોગી રાખે તે સાથે માઈભક્તોએ મહામારીની સાવચેતી માટે સરકારની કોરોના ગાઈડ લાઈનનું પાલન કરે, માસ્ક અવશ્ય ધારણ કરે તેવો અનુરોધ છે. આ સાથે સમગ્ર વિશ્વ આધિ, વ્યાધિ, ઉપાધિમાંથી મુક્ત થાય તેવી મા અંબાને પ્રાર્થના છે. > જયશીલભાઈ ઠાકર, પૂજારી ભટ્ટજી મહારાજ અંબાજી મંદિર
આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ-1 (એકમ) ગુરૂવારને તા.7 ઓક્ટોબરથી આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરેલો છે. આ સમય પ્રમાણે ભક્તોએ દર્શન અને આરતીનો લાભ લેવાનો રહેશે તેમ જણાવાયું છે.
દર્શનનો સમય રહશે
આરતી સવારે 7:30 થી 8:00
દર્શન સવારે 8:00 થી 11:30
રાજભોગ બપોરે 12:૦૦ કલાકે
દર્શન બપોરે 12:30 થી 4:15
સાંજે આરતી 6:30 થી 7:00
સાંજે દર્શન 7:00 થી 9:00
નવરાત્રી અંગેનો કાર્યક્રમમાં આ પ્રમાણે રહેશે
(1) આસો સુદ-8 :- બુધવારને તા.13 ઓક્ટોબર આરતી સવારે 6:00 કલાકે
(2) ઉત્થાપન:- આસો સુદ–8 બુધવારને તા.13 ઓક્ટોબર આરતી સવારે 11:10 કલાકે
(3) વિજયાદશમી (સમી પુજન):- આસો સુદ-10 શુક્રવારને તા.15 ઓક્ટોબર સાંજે 6:00 કલાકે
(4) દૂધ પૌઆનો ભોગ: તા.20 ઓક્ટોબરને બુધવારના રોજ રાત્રે 12:00 કલાકે કપૂર આરતી
(5) આસો સૂદ પૂનમ:- આસો સુદ-15 બુધવાર તા.20 ઓક્ટોબરને આરતી સવારે 6:00 કલાકે રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે.
માર્ગ અને મકાન મંત્રી મા અંબાના દર્શન કર્યા
કરોડો શ્રદ્ધાળુઓની પરમ શ્રદ્ધા તેમજ શક્તિ, ભક્તિ અને આસ્થાના પરમ કેન્દ્ર સમાન પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ નવરાત્રિના પ્રથમ નોરતે ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરી મા જગદંબાના આશિર્વાદ મેળવ્યાં હતાં.