- ગુજરાત સરકારના 9 વિભાગે પણ વાઈબ્રન્ટ સમિટ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે
- વાઇબ્રન્ટ સમિટ ઉત્તરાયણ પહેલાં 9થી 13 જાન્યુઆરી યોજાઈ શકે છે
ગુજરાતમાં નવી પટેલ સરકારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારી પુરજોશમાં શરૂ કરી છે, જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાસનના 20 જ દિવસમાં અમેરિકા સહિતના 4 દેશના રાજદૂત સાથે મુલાકાત કરી વાઇબ્રન્ટ સમિટનું આમંત્રણ પાઠવ્યું હતું. જયારે વિવિધ 9 વિભાગમાં પણ વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે વાઈબ્રન્ટ સમિટ જાન્યુઆરીના બીજા સપ્તાહ, એટલે કે તા 10થી 13 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ પહેલાં જાઈ જશે. સામાન્ય રીતે ગત વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવાની હતી, પણ કોરોનાને કારણે યોજાઈ શકી ન હતી.
મુખ્યમંત્રી વિવિધ દેશોના રાજદૂતોને મળ્યા હતા
વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આયોજનના ભાગરૂપે જ વિવિધ દેશના રાજદૂતો પણ ગુજરાતમાં આવી રહ્યા છે, જેમાં ગુજરાતમાં સરકાર બદલાતાં જ નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બરના રોજ શપથ લીધા અને 16 સપ્ટેમ્બરે મંત્રીમંડળની રચના કરવામાં આવી હતી, જ્યારે 18 સપ્ટેમ્બરે, એટલે કે સરકારની રચનાના બે દિવસ બાદ જ USAના રાજદૂત સાથે મુખ્યમંત્રીની મુલાકાત થઈ હતી, જેમાં નવા મુખ્યમંત્રીએ અમેરિકાને વાઈબ્રન્ટનું આમંત્રણ આપ્યું હતું. 25 સપ્ટેમ્બરે જ્યોર્જિયાના રાજદૂત મુખ્યમંત્રીને મળ્યા. 29 સપ્ટેમ્બરે વિયેતનામના રાજદૂત અને 1 ઓક્ટોબરે બ્રાઝિલના રાજદૂત મુખ્યમંત્રીને મળ્યા હતા. તમામ રાજદૂતોને તેમના દેશના વડાપ્રધાન સહિત ઉદ્યોગકારોને વાઈબ્રન્ટ 2022માં ભાગ લેવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.
પ્રિન્ટિંગ મટીરિયલ્સ માટે ટેન્ડર પણ બહાર પાડ્યાં
આ ઉપરાંત ઉદ્યોગભવનમાં પણ વિવિધ વિભાગોમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવા પુરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, ઉદ્યોગ વિભાગે વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પ્રચાર-પ્રસાર માટે પ્રિન્ટિંગ મટીરિયલ્સ માટે ટેન્ડર પણ બહાર પાડ્યા છે. આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાતમાં કયા દેશોને આમંત્રણ આપવું, વીઆઇપી મહેમાનો માટે કેટલી હોટલોમાં રૂમો બુકિંગ કરાવવા, કેટલી કારો સહિત ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા અંગે આયોજન કરવામાં આવી રહ્યુ છે. ગુજરાતમાં 2021માં મુલતવી રહેલી 10મી વાઇબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ હવે જાન્યુઆરી 2022માં ગાંધીનગરસ્થિત મહાત્મા મંદિરમાં યોજવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે.
નવ જેટલા વિભાગોએ તૈયારી શરૂ કરી
આ સમિટ યોજવા માટે રાજ્યના ઉદ્યોગ અને એને સંલગન વિભાગો ઇન્ડેક્સ–બી, પ્રવાસન નિગમ, ઉદ્યોગ કમિશનરની કચેરી સહિતના નવ જેટલા વિભાગોએ તૈયારી શરૂ કરી છે. રાજ્યમાં 2003થી અત્યારસુધીમાં દર બે વર્ષે યોજાતી વાઇબ્રન્ટ સમિટ નવ વખત યોજાઈ હતી. ગયા વર્ષે આ સમિટ યોજવાની હતી, સરકારે તૈયારી પણ શરૂ કરી હતી, પરંતુ મહામારીને કારણે યોજી શકાઈ ન હતી. હવે 2022ના જાન્યુઆરીમાં સમિટ યોજવામાં આવશે. આ સમિટના ભાગરૂપે દેશનાં અલગ અલગ રાજ્યોના મોટાં મોટાં ઉદ્યોગગૃહ સાથે સંપર્કોની સાથે ગુજરાતમાં મૂડીરોકાણ આકર્ષવા માટે ઉદ્યોગપતિઓ, ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન, ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ ઉદ્યોગ સંગઠનો સાથે બેઠકનું આયોજન કરવાની સૂચના મુખ્યમંત્રી કક્ષાએથી આપવામાં આવી છે.
અધિકારીઓને વેબિનાર અને સેમિનાર કરવાની સૂચનાઓ
આ સમિટ માટે ઉદ્યોગ વિભાગ, ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ તેમજ ઇન્ડેક્સ-બીના અધિકારીઓને મુલાકાત, આયોજન, રોકાણકારોને આકર્ષવા માટેના સંવાદ, બિઝનેસ ડેલિગેશન તેમજ વેબિનાર અને સેમિનાર કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાં 2019 પછી સીધી જ ત્રણ વર્ષે યોજાઈ રહેલી સમિટમાં વિક્રમી મૂડીરોકાણ સાથે દેશ અને વિદેશનાં ઉદ્યોગજૂથો તેમજ બિઝનેસ ડેલિગેશન વધારે પ્રમાણમાં આવે એ માટે પ્રચારઝુંબેશ શરૂ થાય એવી સંભાવના છે. આ ઉપરાંત ઉદ્યોગકારોને વિવિધ પ્રકારની જમીન અંગેની માહિતી ઉપલબ્ધ કરવા માટે ઇન્ટિગ્રેટેડ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફર્મેશન સિસ્ટમ નામનું સોફટવેર ઇન્ડેક્સ–બી અને બાયસેગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. બીજી તરફ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત ડીપીઆઇઆઇટી દ્વારા સ્ટેટ રિફોર્મ એકશન પ્લાનમાં રજૂ કરવામાં આવેલા વિવિધ સુધારાઓનું અમલીકરણ કરવામાં આવશે.