- અનેકવાર સરકારમાં રજૂઆત કરી, 5 કે 10 ફૂટ કોઝવે ઊંચો બનાવવા માગઃ સરપંચ
રાજકોટ જિલ્લામાં જસદણ અને વીંછિયા તાલુકાને બાદ કરતાં અન્ય તમામ તાલુકાને મેઘરાજાએ તરબોળ કરી દીધા છે. ગોંડલ, ઉપલેટા, ધોરાજી, લોધિકામાં ભારે વરસાદ પડતાં ઠેર ઠેર ગ્રામ્ય વિસ્તારને જોડતા કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ત્યારે ઉપલેટાના ગઢાળા ગામને જોડતા મુખ્ય રસ્તા પર મોજ નદીનો કોઝવે આવેલો છે. ભારે વરસાદથી આ કોઝવે પર પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. તેમ છતાં પણ આ ગામની વિદ્યાર્થિનીઓ જીવના જોખમે કોઝવે પર પસાર થઇ શાળા સુધી પહોંચે છે અને શિક્ષણ મેળવી રહી છે. જો કોઇ મોટો આકસ્મિક બનાવ બને તો જવાબદાર કોણ? એવો સવાલ લોકોમાં ઊઠ્યો છે.
10 દિવસથી ગઢાળાના લોકો પરેશાન
ઉપલેટા પંથકમાં ભારે વરસાદથી મોજ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આ નદી ગઢાળા ગામથી પણ પસાર થઇ રહી છે. ગઢાળા ગામ સુધી પહોંચવા માટે મોજ નદીમાં કોઝવે બનાવવામાં આવ્યો છે, પરંતુ છેલ્લા 10 દિવસથી આ કોઝવે પર પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. તેમ છતાં વિદ્યાર્થિનીઓ શિક્ષણથી વંચિત ન રહે એ માટે જીવના જોખમે કોઝવે પાર કરી શાળા સુધી પહોંચ છે.
કોઇ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ?
કોઝવે પર 10 દિવસથી પાણી વહી રહ્યું છે, આથી કોઝવે પર શેવાળ વળવાની પણ ભીતિ સેવાય રહી છે, આથી વિદ્યાર્થિનીઓના પગ લપસે અને નદીમાં તણાય તો જવાબદારી કોની એ અંગે ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યો છે. આ કોઝવે પર પુલ બનાવવા માટે ગ્રામજનોએ અનેક વાર સરકારી અધિકારીઓ અને સ્થાનિક નેતાઓને રજૂઆત કરી છે છતાં કોઇ સાંભળતું ન હોવાને કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
અનેક લોકો નદીમાં પડ્યાના બનાવો બન્યાઃ સરપંચ
આ અંગે ગઢાળાના સરપંચ નારણભાઇ આહીરે જણાવ્યું હતું કે અમારા ગામમાંથી મોજ નદી પસાર થઇ રહી છે, અમારા ગામથી ઉપરના ભાગે મોજ ડેમ આવેલો છે. ખૂબ જ વરસાદ પડ્યો હોવાથી મોજ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, આથી અમારા ગામના મુખ્ય રસ્તા પર કોઝવે પરથી છેલ્લા 10 દિવસથી પાણી વહી રહ્યું છે. અમારા ગામની વિદ્યાર્થિનીઓ, વિદ્યાર્થીઓ, મહિલાઓ જીવના જોખમે કોઝવે પસાર કરે છે. અમે આ અંગે સરકારમાં અનેક વખત રજૂઆત કરી છે. છેલ્લા 10 દિવસથી ગામમાં એસટી બસ પણ આવતી નથી, આથી ગ્રામજનોને મુશ્કેલી પડે છે. અનેકવાર નદીમાં લોકો પડી ગયાના બનાવો પણ બન્યા છે. અમારા ગામની એક જ માગણી છે કે આ કોઝવે 5 કે 10 ફૂટ ઊંચો બનાવવામાં આવે.