- માસ્કના દંડને ઘટાડવા માટે રાજ્ય સરકાર હાઇકોર્ટમાં રજૂઆત કરશે
રાજ્યભરમાં હાલ માસ્ક પહેર્યા વિના જાહેરમાં ફરવા પર હાઇકોર્ટના આદેશ મુજબ રૂ.1000નો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ત્યારે આ દંડની રકમને ઘટાડીને 500 રૂપિયા કરવા માટે રાજ્ય સરકાર નામદાર હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને માસ્ક નહીં પહેરવા બદલનો દંડ રૂ. 1,000 થી ઘટાડીને રૂ.500 કરવા નામદાર ગુજરાત હાઈકોર્ટને અનુરોધ કરવા રાજ્ય સરકારના સંબંધિત વિભાગોને સૂચના આપી છે. રાજ્યમાં કોરોના નિયંત્રણ માટે માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂંકનાર લોકો પાસેથી દંડ વસુલવાની કામગીરીમાં 7 મે સુધી દંડ પેટે રૂપિયા 202 કરોડ વસૂલવામાં આવ્યા હતા. અને કુલ 32.32 લાખ કેસ કરવામાં આવ્યા હતા.
10 મહિના અગાઉ દંડ વધાર્યો હતો
આ અગાઉ 10 મહિના પહેલા મુખ્યમંત્રીએ જ માસ્ક વિના ફરતાં લોકોને ખૂબ ઊંચો દંડ ન કરવો જોઇએ તેવું કુમળું મન રાખીને લોકોને દંડનો કોરડો વીંઝાય નહીં તે માટે આખા રાજ્યમાં એક જ ધોરણ અનુસાર 200 રૂપિયાનો દંડ જ લેવો તેવો હુકમ કર્યો હતો. જો કે તે પછી દંડની રકમ વધારીને 500 રૂપિયા કરાઇ હતી. જોકે તે પછી હાઇકોર્ટના આદેશ અનુસાર સરકારે પોતાની દંડસંહિતા બદલીને તેમાં 1000 રૂપિયાની જોગવાઇ કરી હતી.
અમદાવાદમાં સૌથી વધુ દંડ વસૂલાયો
ગત 21 નવેમ્બર સુધી રૂપિયા 78 કરોડ વસૂલવામાં આવ્યા હતા. ગત 15 જૂનથી 7 મે મહિના સુધી કુલ 200 કરોડથી વધારે દંડ વસુલ કરાયો છે. દર મહિને સરેરાશ રૂપિયા 20 કરોડની કમાણી સરકારને માસ્કના દંડની આવકમાંથી થઈ છે અને દર મહિને સરેરાશ 3 લાખથી વધારે કેસ કરવામાં આવે છે. અમદાવાદ શહેરમાં સૌથી વધારે રૂપિયા 42 કરોડ દંડ વસૂલ કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં 18 કરોડ, રાજકોટ શહેરમાં 19 કરોડ જ્યારે વડોદરા શહેરમાં 120 કરોડની વસૂલાત કરવામાં આવી છે.
પાંચ મહિનામાં 122 કરોડ વસૂલ્યા
ગત 15 જૂનથી 24 સપ્ટેમ્બર સુધી રૂપિયા 52.35 કરોડ દંડપેટે વસૂલવામાં આવ્યા હતા. એ સમયગાળા દરમિયાન 17 લાખથી વધુ લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. 21 નવેમ્બર સુધી 78 કરોડની આવક થઇ હતી. 22 નવેમ્બરથી 7 મે સુધી એટલે કે પાંચ મહિનામાં રૂપિયા 122 કરોડની આવક થઇ છે. સંક્રમણને અટકાવવા જાહેર સ્થળોએ, કામકાજના સ્થળે, વાહન વ્યવહાર દરમિયાન નહારા પર માસ્ક ના પહેરેલો હોય કે ચહેરો કોઇ પણ પ્રકારના કપડાંથી ઢંકાયેલો ના હોય તે વ્યક્તિઓ પાસેથી દંડ વસુલવામાં આવે છે.
માસ્ક દંડ મામલે પણ સરકારે વારંવાર નિર્ણયો બદલ્યા
માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી દંડ વસૂલવાના મામલે પણ સરકારે વારંવાર નિર્ણય બદલ્યા છે. ગુજરાતમાં માસ્ક નહીં પહેરવાનો દંડ પહેલાં 500 રૂપિયા હતો પરંતુ તે વધુ લાગતો હોવાથી સરકારે 200 રૂપિયા કર્યો હતો પરંતુ કોરોના સંક્રમણની સંખ્યા વધી જતાં નિયંત્રણ માટે સરકારે 500 રૂપિયાનો દંડ વસૂલ કરવાની જોગવાઇ કરી હતી. પછી હાઇકોર્ટના આદેશ પછી રાજ્ય સરકારે દંડની રકમ બમણી કરવાનો નિર્ણય કર્યો હતો. ગત 11 ઑગસ્ટથી રૂપિયા 1000 દંડ લેવામાં આવી રહ્યો છે.
નવેમ્બર 2020થી મે 2021 સુધીમાં 122 કરોડ દંડની વસૂલાત
સમયગાળો | દંડની રકમ |
15 જૂનથી 24 સપ્ટેમ્બર | 52 કરોડ |
25 સપ્ટેમ્બરથી 21 નવેમ્બર | 26 કરોડ |
22 નવેમ્બરથી 7 મે | 122 કરોડ |