
CBSE બોર્ડનું 12માં ધોરણનું રિઝલ્ટ તૈયાર કરવા 13 સભ્યોની બનાવવામાં આવેલી કમિટીએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં તેમનો રિપોર્ટ સોંપી દીધો છે. તેમાં બોર્ડે રિઝલ્ટ જાહેર કરવા વિશેની તેમની ફોર્મ્યુલા જણાવી છે. બોર્ડના જણાવ્યા પ્રમાણે 10માં, 11માંના ફાઈનલ રિઝલ્ટ અને 12 ધોરણની પ્રી બોર્ડના રિઝલ્ટને ફાઈનલ રિઝલ્ટનો આધાર બનાવવામાં આવશે.જે વિદ્યાર્થીઓ પરિક્ષા આપવા માંગે છે તેમના માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. જો બધુ બરાબર રહેશે તો 31 જુલાઈ સુધી રિઝલ્ટ આપી દેવામાં આવશે.
12માંનું રિઝલ્ટ તૈયાર કરવાની ડિટેલ્સ આપતા CBSEએ કહ્યું છે કે, 10માં ધોરણના 5 વિષયમાંથી 3 વિષયના સૌથી સારા માર્ક્સની ગણતરી કરવામાં આવશે. તે જ રીતે 11માં ધોરણના પાંચ વિષયોની સરેરાશ ગણવામાં આવશે અને 12માં ધોરણની પ્રી બોર્ડ એક્ઝામ અથવા પ્રેક્ટિકલ એક્ઝામના નંબરની ગણતરી કરવામાં આવશે. 10માં અને 11માં માર્ક્સ 30 ટકા અને 12માં ધોરણના માર્ક્સના 40 ટકાના આધારે પરિણામ નક્કી કરવામાં આવશે.
આ પહેલાં સુપ્રીમ કોર્ટે CBSEના રિઝલ્ટની ફોર્મ્યૂલા નક્કી કરવા માટે બે સપ્તાહનો સમય આપ્યો હતો. ત્યારપછી બોર્ડે 4 જૂને 13 સભ્યોની કમિટી બનાવી હતી. તેને 14 જૂને 10 દિવસમાં તેમનો રિપોર્ટ આપવાનો હતો.

30ઃ30ઃ40 ફોર્મ્યુલા પર પેનલના 3 તર્ક
1. પેનલના સભ્યોએ કહ્યું કે અમે કેન્દ્ર દ્વારા સંચાલિત નવોદય વિદ્યાલયો, CBSE, તેની સાથે સંકળાયેલી સ્કુલો અને અન્ય સ્કુલો સાથે ચર્ચા કરી છે. તેમાં એ વાત પ્રકાશમાં આવી છે કે આ વખતે જે 12ની બેન્ચ છે, તે સંપૂર્ણ રીતે ઓનલાઈન ચાલી છે. આ કારણે ઘણી અનિશ્ચિતતાઓ છે. કલાસીસ પણ જેવા ચાલવા જોઈએ તેવા ચાલ્યા નથી અને એસાઈનમેન્ટ પણ સંપૂર્ણ થઈ શક્યું નથી.
2. એવામાં પેનલ દ્વારા માત્ર 12ના એસાઈનમેન્ટના આધારે રિઝલ્ટ તૈયાર કરવામાં આવે તે યોગ્ય નથી. આપણે સામાન્ય સ્થિતિઓમાં વિદ્યાર્થીઓએ કરેલા પરફોર્મન્સને પણ તપાસવું પડશે. એવામાં 10માનું પરફોર્મન્સ ખૂબ જ મહત્ત્વનું હોય છે. આ જ ડેટા સૌથી વિશ્વાસનીય છે, જે CBSEએ પોતાના એક્ઝામિનેશન સેન્ટર્સ પર લીધી છે અને તેનુ મુલ્યાંકન બહાર પાડવામાં આવ્યું છે. આ જ રીતે 11માંની એક્ઝામ પણ લોકડાઉન પહેલા થઈ ગઈ હતી. આ તમામ પરીક્ષાઓ અલગ-અલગ સ્થિતિઓમાં થઈ છે.
3. કમિટી 12માંને વધુ મહત્ત્વ આપવા વિશે વિચારી રહી છે. પરંતુ ઓવરઓલ વાત કરવામાં આવે તો, 10-11ના 30-30 ટકા અને 12ના 40 ટકા વેટેજ આપવા પર સહમતિ બની શકે છે. જોકે કેટલાક સભ્યો 10માં અને 11માંને વધુ વેટેજ આપવાની વાત કરી રહ્યાં છે. કેટલીક સ્કુલો પણ આ વાત સાથે સહમત છે. હાલ આ અંગે કઈ જ ફાઈનલ થયુ નથી.
સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયેલી ફોર્મ્યૂલા સમરી

28 જૂન સુધીમાં માર્કસ અપલોડ કરવાના છે
સૂત્રોના જણાવ્યા અનુસાર CBSE સાથે સંકળાયેલ શાળાઓના આચાર્યોએ કમિટીને માહિતી આપી છે કે તેઓ ધોરણ 10, 11 અને 12ના 2020-21માં લેવામાં આવેલી પરીક્ષાઓ અને પરીક્ષાના નંબર આપવા માટેની સ્થિતિમાં છે. મુંબઇમાં શાળાઓમાં ગયા વર્ષે કોઈપણ ઓફલાઇન ટેસ્ટ અને પ્રેક્ટિકલ લેવાઈ નથી. અને કોઈ ક્લાસ પણ લેવામાં આવ્યા નથી. જે શાળાઓ પ્રેક્ટીકલ લઈ શકી નથી, તેને ઓનલાઇન પ્રેક્ટિકલ અને મૌખિક પરીક્ષા લેવાની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય ધોરણ 12ના ઇન્ટરનલ માર્ક પણ 28 જૂન સુધીમાં CBSEની સિસ્ટમ પર અપલોડ કરવા સૂચના પણ આપવામાં આવી છે.
PMએ 1 જૂને પરીક્ષા રદ કરી હતી
આ પહેલા કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે 1 જૂને દેશભરમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા કેન્સલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કેધોરણ 12નું પરિણામ નિર્ધારિત સમયમર્યાદામાં અને તાર્કિક આધાર પર તૈયાર કરવામાં આવશે. આવી સ્થિતિમાં મોટો સવાલ એ છે કે વિદ્યાર્થીઓનું કયા આધારે એસેસમેન્ટ કરવામાં આવશે.
નોંધનીય છે કે, કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ 12માં ધોરણની પરિક્ષાઓ રદ કરી હતી. હવે બોર્ડ તરફથી ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે માર્કિંગ પોલિસી બનવાની બાકી છે. બોર્ડ અધિકારી તરફથી કહેવામાં આવ્યું છે કે, CBSE બોર્ડના વિદ્યાર્થીઓને માર્ક્સની જગ્યાએ ગ્રેડ આપવાના સૂચન પર વિચાર કરવામાં આવી રહ્યો છે.