
- અમદાવાદ (પૂર્વ)-અમરેલી મતક્ષેત્ર પણ કોવિડ વેક્સિનેશનના લોએસ્ટ-5માં સામેલ, સાંસદો વેક્સિનેશન માટે પહેલ કરતા જ નથી
- બીજા ડોઝના વેક્સિનેશનમાં સાબરકાંઠાનો પ્રભાવશાળી દેખાવ, આદિવાસી વિસ્તારોમાં વેક્સિનેશન બાબતે લોકોમાં વધુ જાગૃતિ
ગુજરાતમાં વેક્સિનેશનમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. હાલ ગુજરાતમાં વેક્સિનેશનમાં દેશમાં ત્રીજા સ્થાને છે. ત્યારે ગુજરાતમાં સાંસદોના મતવિસ્તાર પ્રમાણે સૌથી વધુ બારડોલીમાં 13.73 લાખ લોકોનું વેક્સિનેશન થયું છે, જ્યારે સી. આર. પાટીલના નવસારીમાં 5.60 લાખ લોકોનું જ વેક્સિનેશન થયું છે. ગુજરાતમાં ચર્ચામાં રહેતા ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી મતવિસ્તારના સાંસદ સી.આર. પાટીલનો સમાવેશ ઓછા વેક્સિનેશનવાળા સંસદીય વિસ્તારમાં થઈ રહ્યો છે.
કોરોનાકાળમાં નેતાઓ પર સતત આક્ષેપો થયા
ગુજરાતમાં કોરોનાકાળમાં નેતાઓ ઘરની બહાર ન નીકળ્યા હોવાના ઘણા આક્ષેપો થઈ ચૂક્યા છે. આ સાથે ઈલેક્શનમાં પણ રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવેલા મેળાવડાને કારણે કોરોનાના કેસમાં વધારો થયો હોવાનું અવારનવાર ચર્ચામાં રહે છે. જ્યારે નેતાઓ દ્વારા કરવામાં આવતા કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનું પણ ઉલ્લંધન કરતા હોવાના પણ કેસ નોંધાયા છે. ત્યાર બાદ વેક્સિનેશન શરૂ થયા બાદ પણ પોતાના મતવિસ્તારમાં જાગૃતિ માટે પણ ન આવતાં હોવાના આક્ષેપ લાગ્યા છે.

ગામડાંમાં અંધશ્રદ્ધાથી વેક્સિનેશન ઓછું
કોરોના વેક્સિનને લઈને લોકોના મનમાંથી ડર જતો નથી. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં ગામડાંમાં લોકો વેક્સિનના નામથી જ દૂર ભાગી રહ્યા છે. તેમને ડર છે કે કોરોનાની વેક્સિન લીધા પછી તેમને કોઈ બીમારી લાગી જશે. જોકે આ માત્ર એક અફવા છે, કારણ કે ગુજરાતમાં લાખો લોકોએ વેક્સિન લઈ પણ લીધી છે અને તેઓ સારા પણ છે, પરંતુ કેટલાંક ગામડાંમાં ડર અને અંધશ્રદ્ધા વેક્સિનેશન સામે હાવી બની ગઈ છે, જેથી વેક્સિન માટે હેલ્થકર્મચારીઓ લોકોને સમજાવી રહ્યા છે.

વેક્સિનેશન વધારવા નેતાઓએ બહાર આવવું જોઈએ
શહેરી વિસ્તારમાં વેક્સિનેશનમાં વધારો થઈ રહ્યો છે, જોકે હાલ પણ ગામડાંમાં વેક્સિનેશન જોઈએ એટલા પ્રમાણમાં નથી. હેલ્થકર્મચારીઓ લોકોને સમજાવવા પ્રયાસ કરી રહ્યા છે. નેતાઓએ પોતાના મતવિસ્તારમાં લોકોને વેક્સિન લેવા સમજાવવા માટે બહાર આવવું જોઈએ એવી લોકમાગ ઊઠી છે.

ગુજરાતમાં 2 કરોડથી વધુ લોકોનું વેક્સિનેશન થયું
ગુજરાતમાં અત્યારસુધીમાં 2 કરોડથી વધુ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે, જેમાં અત્યારસુધીમાં કુલ 1.59 કરોડ લોકોને પહેલો ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 46 લાખ લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં અત્યારસુધીમાં 87.95 લાખ પુરુષોને વેક્સિનનો પહેલો ડોઝ મૂકવામાં આવ્યો છે, જ્યારે 73.30 લાખ મહિલાઓને પહેલો ડોઝ મૂકવામાં આવ્યો છે.


