- કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલી કામગીરીનું સરવૈયું લઈ પ્રજા વચ્ચે જશે ભાજપ
- પક્ષના આગેવાનો પાસે કામ કરાવવા બોર્ડ-નિગમોમાં નિમણૂક આપી શકે છે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘આપ’ની ધમાકેદાર એન્ટ્રી બાદ વિધાનસભાની ચૂંટણીમાં પણ ‘આપ’ એક્ટિવ થતાં ભાજપને ડર ઘૂસી ગયો છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા નહીં બીજા વિકલ્પ તરીકે ‘આપ’ આવશે તો ભાજપ માટે કપરાં ચઢાણ બની શકે છે. આ ઉપરાંત કોરોનામાં પણ પ્રજાની બુમરાણ અને સરકાર સામેની નારાજગી દૂર કરવામાં નહીં આવે તો ભાજપને જીતવું મુશ્કેલ બની શકે છે. આવાં બધાં ભયસ્થાનો વચ્ચે ભાજપના ધરાસસભ્યોની આજે મળનારી બેઠકમાં પ્રજા વચ્ચે જવા માટેના રસ્તા અને ‘આપ’ સામે લડવાની રણનીતિ નક્કી કરવામાં આવી શકે છે. ત્યારે આજે પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવની આગેવાનીમાં ધારાસભ્યોની બેઠક મળશે, જેમાં તમામ ધારાસભ્યોને ફરજિયાત હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે. બેઠક વિધાનસભા સંકુલમાં સાંજે 4:30 કલાકે મળશે. આ બેઠકમાં CM રૂપાણી, સી.આર.પાટીલ, નીતિન પટેલ પણ હાજર રહેશે.
પ્રજાના રોષનો ભોગ બન્યા બાદ હવે દિલ જીતવા નીકળશે
ગુજરાતમાં કોરોનાનો કહેર ઘટતાં જ વેપાર-ધંધાની સાથે રાજકીય ગતિવિધિઓ પણ તેજ બનવા લાગી છે, ખાસ કરીને સત્તાધારી પક્ષ ભાજપે પણ મનોમંથન શરૂ કરી દીધું છે, જેમાં કોરોનાની પરિસ્થિતિમાં પ્રજાના રોષનો ભોગ બન્યા બાદ હવે ઇમેજ સુધારવાની સાથે પ્રજાનું દિલ જીતવા માટે પક્ષના ધારાસભ્યોની આજે મળનારી બેઠકમાં ખાસ ચર્ચાવિચારણા અને માર્ગદર્શન આપવામાં આવશે.
કોરોનામાં ઘરે બેઠા, હવે સીધા સંપર્કમાં જતાં ડરે છે
આજ રોજ ગાંધીનગરમાં તમામ ધારાસભ્યોની એક બેઠકમાં ચૂંટાયેલા પ્રતિનિધિને પણ ફરી રિચાર્જ થઈને સરકાર અને લોકોનો સંપર્ક વધુ મજબૂત બનાવવા જણાવાશે, પક્ષના ધારાસભ્યોએ તેમના મતવિસ્તારમાં કોરોના સમયે કામ કરવાને બદલે ઘેર બેસી રહ્યા હોવાની બુમરાણ પ્રજામાં ઊઠી હતી, જેથી સ્થાનિક નેતાઓ હજુ પણ પ્રજા સાથે સીધા સંપર્કમાં જતા ડરે છે, પ્રજાના સવાલોના જવાબો પણ આપી શકતા નથી, જેથી ધારાસભ્ય અને આગેવાનોને ગુજરાત સરકાર અને સંગઠન દ્વારા કરવામાં આવેલી કામગીરીની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે
સી.આર.પાટીલની હાજરીમાં ધારાસભ્યો-સાંસદોની બેઠક
ગુજરાત ભાજપના પ્રભારી ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં પક્ષના સંગઠન હોદ્દેદારો તથા તમામ ધારાસભ્યો અને સાંસદોની એક બેઠક યોજાશે. આ બેઠકમાં સૌપ્રથમ રાજ્યમાં સરકારની કોરોના તથા વેક્સિનેશન કામગીરી અને વાવાઝોડા સમયે તંત્રએ જે કામગીરી કરી છે ેની ઝલક અપાશે. ઉપરાંત ખાસ કરીને વેક્સિનેશનમાં ઝડપ લાવવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમના મતવિસ્તારમાં વધુ સક્રિય થવા જણાવાશે.
મંત્રીમંડળની પુન:રચનાની અટકળો તેજ બની
આ ઉપરાંત ભાજપના કેન્દ્રીય પ્રભારી ભૂપેન્દ્ર યાદવ દ્વારા વિવિધ સંગઠનાત્મક બેઠકો યોજવામાં આવી રહી છે, સાથે સાથે સરકાર અને સંગઠનની સંકલનની કામગીરી અને તાલમેલનું વિશ્લેષણ કરશે. ખાસ કરીને આમઆદમી પાર્ટી ભાજપ માટે કેટલો પડકાર ઊભો કરી શકે છે, એની સામે કેવી લડત લડવી જેવા વિષયો પર પક્ષના પ્રદેશ નેતાઓ સાથે મંથન કરશે. રાજ્યમાં ભાજપની બેઠકોના દૌર વચ્ચે ફરી એક વખત મંત્રીમંડળની પુન:રચનાની અટકળો તેજ બની છે. 2017માં પક્ષે સત્તા સંભાળ્યા બાદ એકપણ ફેરફાર થયા નથી અને આ સમય દરમિયાન હાલમાં જ પક્ષનું સંગઠનનું નેતૃત્વ પરિવર્તન થયું છે અને સી.આર.પાટીલે સંગઠનની પુન: રચના લગભગ પૂર્ણ કરી દીધી છે.
સી.આર.પાટીલનો 170થી વધુ બેઠકોનો લક્ષ્યાંક
રાજ્યમાં આઠ ધારાસભા પેટાચૂંટણીઓ પંચાયત અને મહાપાલિકાની ચૂંટણીઓમાં ભાજપે ક્લીનસ્વિપની સ્થિતિ બનાવી છે અને હવે 2022ના ડિસેમ્બરમાં યોજાનારી ધારાસભાની ચૂંટણીનો રોડમેપ તૈયાર કરવાનો છે. 2017ની જેમ પક્ષને બે આંકડામાં વિજય પરવડે તેમ નથી. ઉપરાંત નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તો 170થી વધુ બેઠકોનો લક્ષ્યાંક આપી દીધો છે અને એ પાર પાડવા માટે સરકાર અને સંગઠન બંને સાથે દોડે એ જરૂરી છે અને આ વચ્ચે રાજ્યના મંત્રીમંડળમાં ફેરફાર કરીને અનેક નવા ચહેરાઓને લવાશે, જેમાં પાટીલની છાટ પણ હશે એવું ભાજપનાં ટોચનાં વર્તુળોએ સ્વીકાર્યું છે. એટલું જ નહીં, કાર્યકર્તાઓને બોર્ડનિગમનું બોનસ આ વર્ષના અંત સુધીમાં અપાય એવી શક્યતા છે. ભાજપ દ્વારા રાષ્ટ્રીય સ્તરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈમેજ સુધારવા માટેનો કાર્યક્રમ હાથ ધરાયો છે, જેમાં ગુજરાત પણ સામેલ થશે.