
- ત્રીજા પક્ષના નરેશ પટેલના મુખેથી વખાણ, ચૂંટણી પૂર્વે ગર્ભિત ઇશારો?
- ભાજપની બેઠક પહેલા જ લેઉવા અને કડવા પાટીદાર આગેવાનો મળશે
- બેરોજગારી અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવશેઃ આર.પી.પટેલ
ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી માટે દરેક પક્ષ અત્યારથી કમરકસી રહ્યો છે. ત્યારે આજે ખોડલધામ કાગવડ ખાતે લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાની બેઠક યોજાઈ છે. આ અંગે નરેશ પટેલે કહ્યું કે – કેશુભાઈ પટેલ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી, આગામી CM પાટીદાર સમાજનો હોય એવી ઈચ્છા છે. આ બેઠક મળવાના સમાચાર વહેતા થતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે. જેના પરથી મોટી રાજકીય ઉથલપાથલના સંકેત મળી રહ્યા છે.

મિટિંગમાં રાજકીય ચર્ચા પણ હશે
ઉલ્લેખનીય છે કે આજે સવારે 10 વાગ્યાથી ખોડલધામ ખાતે કડવા અને લેઉવા પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ-આગેવાનો વચ્ચે બેઠક શરૂ થઈ ચૂકી છે. આ બેઠકમં વિશ્વ ઉમિયાધામ ટ્રસ્ટ-અમદાવાદ, ઉંઝા, સિદસર, સમસ્ત પાટીદાર સમાજ-સુરત સહિતની સાત જેટલી સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે વધુમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, થોડા મહિના પહેલા ઉંઝા ખાતે માં ઉમિયાના દર્શન કરવા કડવા અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો એકત્ર થયા હતા. એ વખતે અમારા ભાઈઓ સાથે બેઠક યોજાઈ હતી.ત્યારબાદ કોરોનાની બીજી લહેર આવતા મિટિંગ થઈ શકી નહીં માટે આજે કાગવડ ખાતે અમારા ભાઈઓ આવી રહ્યા છે. આજે સમાજના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે. જેમાં સમાજના વિકાસની વાત પણ કરવામાં આવશે અને રાજકીય ચર્ચા પણ હશે. જો પાટીદાર સમાજ સાથે અન્યાય થયો હશે તો તેની પણ ચર્ચા થશે.

પાટીદારોનો ચૂંટણીમાં કયા પક્ષ સાથે હશે તે કહેવું મુશ્કેલ છે
વધુમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, જરાતમાં પાટીદાર સમાજ વિશાળ સંખ્યામાં વસવાટ કરી રહ્યો હોવાથી આ બેઠક દરમિયાન અમે સરકાર તેમજ વહીવટી તંત્ર બન્નેમાં પાટીદાર સમાજને વધુમાં વધુ સ્થાન મળે તે વિશે ચર્ચા કરશું અને અમારા જે અધિકાર બને છે તેની ચર્ચા કર્યા બાદ સરકારને વાકેફ કરવામાં આવશે..અહીં કોઈ CM કે કોઈ પક્ષને સપોર્ટ કરવાની વાત નથી પરંતુ જે પક્ષમાં અમારા પાટીદારો છે તેમનું વર્ચસ્વ વધે તેની જરૂર થઈ ચર્ચા કરવામાં આવશે. હાલ ભાજપ અને કોંગ્રેસમાં બંનેમાં અધ્યક્ષ સ્થાને પાટીદારોની ચર્ચા થઈ રહી છે. હજુ 15 મહિના પછી ચૂંટણી યોજાવાની છે ત્યારે કદાચ કોરોનાની ત્રીજી લહેર પણ આવી જાય એટલે પાટીદારોનો ચૂંટણીમાં કયા પક્ષ સાથે હશે તે કહેવું મુશ્કેલ છે.

કોરોના કાળમાં ક્યાંકને ક્યાંક તંત્ર ફેલ થયું છે
વધુમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં ક્યાંકને ક્યાંક તંત્ર ફેલ થયું છે અને એ આપ સૌએ જોયું છે. ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ફાવ્યો નથી પરંતુ હાલ ‘આપ’ જે રીતે આગળ વધે છે. તેનાથી ભવિષ્યમાં ‘આપ’નું વર્ચસ્વ હશે તેવું મને લાગે છે.આપ’એ ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ ઘણા સારા કામ કર્યા છે અને તેની કામ કરવાની શૈલી પણ ઉમદા હોવાને કારણે તેનું ભવિષ્ય ઘણું ઉજળું દેખાઈ રહ્યું છે. પરંતુ કેશુભાઈ પટેલ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી. આગામી CM પાટીદાર સમાજનો હોય એવી અમારી ઈચ્છા છે.

બેઠકને લઈ રાજકીય માહોલ ગરમાયો
ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ તેમજ ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ વચ્ચે 15 જૂને બેઠક યોજાવાની છે. આ બેઠક ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની તૈયારીઓના ભાગરૂપે યોજાશે. પરંતુ ભાજપ કોઈ પ્લાનિંગ કરે એ પહેલા આજે મળેલી બેઠક સમાચારથી રાજકીય ગરમાવો આવી ગયો છે. જેના પરથી મોટી રાજકીય ઉથલપાથલના સંકેત મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા જાન્યુઆરી 2021માં એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઊંઝા ઉમિયાધામમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો એક જ મંચ પર આવ્યા હતા.

બિન અનામત આયોગના ચેરમેનની નિમણૂંક બાબતે ચર્ચા થશેઃ આર.પી.પટેલ
આ અંગે DivyaBhaskar સાથેની વાતચીતમાં 6 સંસ્થાના કન્વીનર અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું હતું કે, આ બેઠક 6 સંસ્થાઓના અગ્રણીઓની બેઠક છે. આ કમિટી પિરિયોડિકલી મળતી હોય છે. તેમાં સમાજના પ્રશ્નોની અને સરકાર લેવલે રજૂઆત કરવાની હોય તો તે મુદ્દે ચર્ચા થાય છે. આવતીકાલની બેઠકમાં બિન અનામત આયોગ અને નિગમના ચેરમેનની નિમણૂંક પડતર રહી છે, એટલે એ બાબતે ચર્ચા થશે. તેમજ કોરોનામાં ભાંગી પડેલા વેપાર-ધંધા પર પર ચર્ચા કરાશે. હાલ ચૂંટણીની ચર્ચા અત્યારના તબક્કે અસ્થાને છે. જો કે બેરોજગારી મામલે પણ ચોક્કસ ચર્ચા થશે, ત્યાર બાદ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
ખોડલધામ મંદિરમાં ઉમિયા માતાજીની મૂર્તિનું સ્થાપન થશે
આજે ખોડલધામ મંદિર ખાતે ચાલી રહેલી લેઉવા-કડવા પાટીદારોની બેઠકમાં આમ તો અનેક મુદ્દે ચર્ચા થવાની છે પરંતુ મહત્ત્વનો મુદ્દો એ પણ ચર્ચામાં અગ્રસ્થાને રહેવાનો છે કે ખોડલધામ મંદિરમાં ઉમિયા માતાજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે. નરેશભાઈ પટેલે આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે ખોડલધામના ટ્રસ્ટીઓ જ્યારે સીદસર ખાતે મા ઉમિયાનાં દર્શનાર્થે ગયા હતા ત્યારે સીદસર મંદિરના ટ્રસ્ટીઓને ખોડલધામ દર્શનાર્થે આવવાનું આમંત્રણ આપ્યું હતું જેનો સ્વીકાર કરીને આજે કડવા પાટીદાર સમાજના આગેવાનો અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો મા ખોડલના આંગણે એકત્ર થયા છે. આ બેઠકમાં ખોડલધામ મંદિરમાં ઉમિયા માતાજીની મૂર્તિનું સ્થાપન કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે અને ટૂંક સમયમાં મૂર્તિ બિરાજમાન થઈ જશે તેવી સંભાવના પણ નરેશભાઈએ વ્યક્ત કરી હતી.