
- ધો.10નું છેલ્લું પેપર આપી પરત આવતી સગીરાને દુમાડના ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ, આરોપીની ધરપકડ
વડોદરામાં વધુ એક લવ-જેહાદનો કિસ્સો પોલીસ ચોપડે ચઢયો છે. છાણીની 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી 20 વર્ષીય મિકેનિક વિધર્મી યુવકે સતત 23 મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું તેમજ અપહરણ કરીને તેના વતન બિહારમાં લઈ ગયો હતો. આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
લગ્નની લાલચ આપી ફસાવી
શહેરના છાણી વિસ્તારમાં રહેતી 10માં ધોરણનો અભ્યાસ કરી ચૂકેલી 15 વર્ષીય સગીરાએ પોલીસમાં મૂળ બિહાર દરભંગાના અમાનતુલ્લાહ ઉર્ફે રાજા મનસૂરઆલમ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે અમાનતે તેને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ અમાનતે તેને 3 મહિના પહેલાં લગ્નની લાલચ આપી હતી અને એ પછી તેને માર્ચ મહિનામાં અલગ-અલગ દિવસે દશરથ ખાતે આવેલા અવાવરૂ રૂમમાં લઇ ગયો હતો અને તેની સાથે ત્યાં દુષ્કર્મ કર્યું હતું.
ફરવાના બહાને બહાર લઈ જતો હતો
આ ઉપરાંત અમાનત દ્વારા સગીરાને મહાદેવનગર રોડવાળા ઘાસના ખેતરમાં લઇ જઇ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તે 10મા ધોરણની પરીક્ષાનું છેલ્લું પેપર આપીને આવતી હતી ત્યારે પણ અમાનતુલ્લાહ સગીરાને દુમાડ હાઇવે પર આવેલા ખેતરમાં લઇ ગયો હતો અને ત્યાં પણ તેણે સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. એ પછી તેને લગ્નની લાલચ આપીને ફરવા જવાના બહાને પણ લઇ ગયો હતો. ફરિયાદના આધારે છાણી પોલીસે યુવક સામે દુષ્કર્મ અને અપહરણનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
ગત વર્ષે લોકડાઉન પહેલાં સગીરાને ફસાવી
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે અમાનતુલ્લાહ 20 વર્ષનો છે અને તે મૂળ બિહારના દરભંગાનો છે. કેટલાક સમયથી તે રણોલી વિસ્તારમાં રહીને મિકેનિકનો વ્યવસાય કરતો હતો. આવતા-જતાં તે સગીરાને જોઇ જતાં તેણે તેને ફસાવી હતી અને લગ્નની લાલચ આપી તેના પર દુષ્કર્મ કર્યું હતું. ગત વર્ષે લોકડાઉન થઇ જતાં તે વતન પરત જતો રહ્યો હતો અને 6 મહિના વતનમાં રોકાયા બાદ ફરી વડોદરા આવી સગીરા સાથે સંપર્ક રાખવાનું શરૂ કર્યું હતું અને તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.
હિન્દુ સંગઠન અને પોલીસનું કાઉન્સેલિંગ
વિધર્મી યુવકે સગીરાને દુષ્કર્મ અને અપહરણ કર્યું હોવાની જાણ થતાં હિન્દુ સંગઠનો છાણી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યાં હતાં અને સગીરાનું કાઉન્સેલિંગ કરી તેના પરિવારને સોંપી હતી.
સગીરાને ટ્રાવેલ્સની બસમાં બેસાડી વતન બિહાર જતો રહ્યો
3 મહિના પહેલાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરનારો અમાનતુલ્લાહ 2 તારીખે સગીરાને લગ્નની લાલચ આપી તથા ફરવા જવાના બહાને ઘેરથી લઇ જઈ ટ્રાવેલ્સની બસમાં બિહાર પટના રવાના થયો હતો. 2 દિવસ બાદ તે પટના પહોંચ્યો હતો . પોલીસે અનાતુલ્લા સામે અપહરણની કલમ પણ નોંધી હતી.
રણોલીમાંથી જતી વેળા સગીરાના સગા જોઈ જતાં પરિવારને જાણ થઇ
સગીરાને લઇ અમાનતુલ્લાહ રણોલીમાંથી જતો હતો ત્યારે સગીરાના નિકટના સગા જોઇ ગયા હતા. એ પછી સગીરા ગુમ થઇ હતી, જેથી તેના પરિવારે અમાનતુલ્લાહ સામે શંકા રાખી પોલીસને જાણ કરતાં અમાનતુલ્લાહના પરિચિતોનો સંપર્ક કરી તેના પરિવાર વિશે માહિતી મેળવી તેનો સંપર્ક કર્યો હતો.
પોલીસની તાકીદથી યુવકના પરિવારે ફ્લાઇટમાં પરત મોકલ્યા
સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ થતાં પરિવારે છાણી પોલીસની મદદ માગી હતી, જેથી પરિવાર પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે બિહારના દરભંગામાં રહેતા અમાનતુલ્લાહના પરિવારને ફોન કર્યો હતો, પણ તે સગીરાને લઇ ઘેર પહોંચ્યો ન હતો, જેથી પોલીસે પરિવારને કડક તાકીદ કરી તે ઘેર આવે તો બંનેને તત્કાળ વડોદરા મોકલવા. અમાનતુલ્લાહ સગીરાને લઇને ઘેર પહોંચ્યો કે તેના ભાઇએ તત્કાળ તેને ફ્લાઇટમાં બેસાડી પરત મોકલ્યા હતા. વડોદરા આવતાં જ પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે સગીરાની પૂછપરછ કરતાં 3 માસ પહેલાં અમાનતુલ્લાહે લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યું હોવાનું જણાવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી.