- અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગરમાં 5 લાખ 33 હજાર 612 કેસ નોંધાયા
- દાહોદ, ડાંગ, નવસારી, પંચમહાલ, અરવલ્લી અને મહીસાગરમાં 42,710 કેસ નોંધાયા છે
- અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગરમાં જ 7009નાં મોત
- દાહોદ, ડાંગ, નવસારી, પંચમહાલ, અરવલ્લી અને મહીસાગરમાં માત્ર 292નાં જ મોત
રાજ્યમાં હાલ 18 વર્ષથી ઉપરના વયજૂથના તમામ લોકોનું વેક્સિનેશન ચાલી રહ્યું છે. 7 જૂન સુધીમાં રાજ્યમાં 1 કરોડ 43 લાખ 24 હજારને પ્રથમ ડોઝ અપાય ચૂક્યા છે, જેમાં 77 લાખ 41 હજાર પુરુષોએ અને 65 લાખ 83 હજાર મહિલાઓએ વેક્સિન લીધી છે. આમ પુરુષો કરતાં સ્ત્રીઓ વેક્સિન લેવા મામલે પાછળ છે. 21મી સદીમાં મહિલાઓ પુરુષ સમોવડી બની ચૂકી હોવાનું કહેવાય છે, પણ વેક્સિનેશન મામલે હજુ પણ પાછળ છે. આશ્ચર્યની વાત તો એ છે કે રાજ્યના પછાત ગણાતા આદિવાસી જિલ્લાઓની મહિલાઓ પુરુષોની સમાંતર આવીને ઊભી છે, જ્યારે આર્થિક અને શૈક્ષણિક રીતે વિક્સિત એવાં 5 મહાનગરની મહિલાઓ પુરુષો કરતાં પાછળ છે.
જ્યારથી કોરોના મહામારીએ ગુજરાતને બાનમાં લીધું ત્યારથી લઈ અત્યારસુધી અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગરમાં મોટા પ્રમાણમાં લોકો સંક્રમિત થયા છે. આમ છતાં આ જિલ્લાઓની મહિલાઓ વેક્સિન લેવા મામલે પુરુષો કરતાં પાછળ છે. જ્યારે સૌથી ઓછું સંક્રમણ છે એવા દાહોદ, ડાંગ, નવસારી, પંચમહાલ, અરવલ્લી અને મહીસાગરની મહિલાઓ વેક્સિન લેવા મામલે પુરુષોની સમાંતર ઊભી છે.
અમદાવાદમાં પુરુષો કરતાં વેક્સિન લેનારી મહિલાઓની સંખ્યા 2.50 લાખ ઓછી
નવસારી જિલ્લામાં વેક્સિન લેવા મામલે પુરુષો કરતાં મહિલાઓ આગળ છે. નવસારીમાં 1 લાખ 48 હજાર પુરુષો સામે 1 લાખ 56 હજાર મહિલા વેક્સિન લઈ ચૂકી છે, જ્યારે દાહોદ અને ડાંગમાં તો પુરુષો કરતાં માત્ર 1000 ઓછી મહિલાઓએ વેક્સિન લીધી છે. તો બીજી બાજુ અમદાવાદમાં પુરુષો કરતાં વેક્સિન લેનારી મહિલાઓની સંખ્યા 2.50 લાખ ઓછી છે તેમજ સુરતમાં પણ એ જ રીતે પુરુષો કરતાં વેક્સિન લેનારી મહિલાઓની સંખ્યા 2.42 લાખ ઓછી છે.
5 જિલ્લામાં જ 60 ટકા કેસ છતાં વેક્સિન મામલે મહિલાઓ પાછળ
ગુજરાતમાં અત્યારસુધીમાં 8 લાખ 17 હજાર 707 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગરમાં 5 લાખ 33 હજાર 612 કેસ નોંધાયા છે, જે કુલ કેસના 60 ટકાથી વધુ છે, જ્યારે પછાત ગણાતા જિલ્લાઓ એવા દાહોદ, ડાંગ, નવસારી, પંચમહાલ, અરવલ્લી અને મહીસાગરમાં 42,710 કેસ નોંધાયા છે, જે કુલ કેસના 5 ટકા પણ નથી.
રાજ્યના 70 ટકા મોત આ 5 જિલ્લામાં
રાજ્યનાં કુલ 9955 મોતમાંથી 7009 મોત તો માત્ર અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગરમાં જ નોંધાયાં છે, જે ગુજરાતના મૃત્યુઆંકના 70 ટકા છે. બીજી તરફ પછાત ગણાતા જિલ્લાઓ એવા દાહોદ, ડાંગ, નવસારી, પંચમહાલ, અરવલ્લી અને મહીસાગરમાં માત્ર 292નાં જ મોત નોંધાયાં છે.
પછાત ગણાતા જિલ્લાઓમાં કુલ કેસ, મોત અને ડિસ્ચાર્જ
જિલ્લો | કેસ | ડિસ્ચાર્જ | મોત |
નવસારી | 6,989 | 6,818 | 23 |
દાહોદ | 9,906 | 9,822 | 38 |
ડાંગ | 859 | 826 | 18 |
અરવલ્લી | 5,141 | 4,946 | 75 |
મહીસાગર | 8,142 | 7,964 | 68 |
પંચમહાલ | 11,673 | 11,541 | 70 |
કુલ | 42,710 | 41,917 | 292 |
વિક્સિત ગણાતા જિલ્લાઓમાં કુલ કેસ, ડિસ્ચાર્જ અને મોત
જિલ્લો | કેસ | ડિસ્ચાર્જ | મોત |
અમદાવાદ | 236,738 | 230,621 | 3,370 |
સુરત | 142,085 | 137,690 | 1,932 |
વડોદરા | 76,821 | 73,862 | 782 |
રાજકોટ | 57,372 | 56,158 | 722 |
ગાંધીનગર | 20,596 | 19,628 | 203 |
કુલ | 5,33,612 | 5,17,959 | 7009 |