
- રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાની સાથે જ એકાએક જયંતિ રવિની બદલી ભારે ચર્ચાનો વિષય બન્યો
ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવીની તાત્કાલિક અસરથી એરોવિલ ફાઉન્ડેશન તામિલનાડુના સચિત તરીકે 3 વર્ષ માટે બદલી કરવાના આદેશો થયા હતા. કોરોનાના કાળમાં ગુજરાતના આરોગ્ય સચિત તરીકેની જવાબદારી નિભાવનાર જયંતિ રવિ અનેક વિવાદોમાં રહ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાની સાથે જ એકાએક જયંતિ રવિની બદલી થતા સચિવાલય અને ઉચ્ચ અધિકારીઓમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
પ્રથમ લહેરમાં આરોગ્ય તંત્ર નિષ્ફળ ગયું હોવાનું બૂમરાણો મચી હતી
ગુજરાતમાં કોરોના શરૂ થતાની સાથે જ આરોગ્ય સચિવ તરીકે જયંતિ રવિના માથે મોટી જવાબદારી આવી પડી હતી. રાજ્યમાં કોરોનાના કેસોની સાથે હોસ્પિટલ, બેડ, સારવાર, ટેસ્ટિંગ, ટ્રેસિંગની પણ સંપૂર્ણ જવાબદારી હતી.ખાસ કરીને કોરોનાની પ્રથમ લહેર દમિયાન પણ ગુજરાતનું આરોગ્ય તંત્ર નિષ્ફળ ગયું હોવાનું બૂમરાણો મચી ગઈ હતી. જ્યારે બીજી લહેર દમિયાન ઓક્સિજન અને ઈન્જેક્શનની અછતની સાથે હોસ્પિટલોમાં બેડ પણ ખુટી પડતા રાજ્યમાં મેડિકલ ઈમરજન્સી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

રાજકીય આગેવાનોએ જયંતિ રવિના માથે માછલા ધોયા
રાજ્યના આરોગ્ય સચિવ તરીકે સૌથી પહેલી જવાબદારી જયંતિ રવિના માથે હોવાથી બીજી લહેરની મેડિકલ ઈમરજન્સીમાં સરકારના તમામ વિભાગો અને રાજકીય આગેવાનોએ જયંતિ રવિના માથે માછલા ધોયા હતા. પરિણામે છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસોને કાબુમાં લાવવા માટે જયંતિ રવિ દ્વારા આપવામાં આવતી સલાહ અને સૂચનોને કેટલાક ચોક્ક્સ અધિકારીઓ અવગણીને સરકાર સાથે બેસી જયંતિ રવિની ઉપરવટ જઈને નિર્ણયો લેતા હોવાની ફરિયાદોને આધારે જયંતિ રવિ નારાજ હતા.
કેન્દ્રએ જયંતિ રવિની બદલી અટકાવી હતી
ગુજરાતમાં કોરોનાની પ્રથમ લહેર બાદ જયંતિ રવિએ પોતાની બદલી ગુજરાત બહાર ખાસ કરીને તામિલનાડુમાં કરવા માટેની રજૂઆતો કરી હતી. પરંતુ રાજ્યમાં કોરોનાની બીજી લહેર ભારે કહેર વર્તાવતા કેન્દ્ર સરકારે પણ જયંતિ રવિની બદલી તે સમયે અટકાવી દીધી હતી. જ્યારે હાલ બીજી લહેરમાં કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો થતા અને ત્રીજી લહેર આવે તે પહેલા જયંતિ રવિની આજે સવારે એકાએક બદલીના ઓર્ડર થતા મોટો ચર્ચાનો વિષય બન્યો છે.

ગુજરાતમાં હજુ જૂની પ્રક્રિયા જ યથાવત્ રહેશે: ડૉ.જયંતી રવિ
તાજેતરમાં જ આરોગ્ય અગ્ર સચિવ ડૉ.જયંતી રવિએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજ્યમાં 18થી 44 વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજિસ્ટ્રેશન વિના ઓન સ્પોટ રજિસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી.રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજિસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત્ છે. સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપના માધ્યમથી રજિસ્ટ્રેશનની જે પદ્ધતિ છે એ યથાવત રાખેલી છે.
કોણ છે ડો. જયંતિ રવિ?
વર્ષ 2002માં ડો. જયંતિ રવિ પંચમહાલ જિલ્લાના કલેક્ટર હતા. ત્યારબાદ શિક્ષણ વિભાગ, ગ્રામવિકાસ પ્રધાનમંત્રી કાર્યલય જેવા વિભાગોમાં પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. આ સિવાય તેઓ કડક વહીવટકર્તા છે. તેઓ 11 જેટલી ભાષા જાણે છે. તેમણે સંસ્કૃત ભાષામાં ઘણા પુસ્તકો પણ લખ્યા છે. તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ પણ લીધી છે. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી હાવર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેમણે મેનેજમેન્ટ વિષયમાં PhD પણ કર્યું છે.