
- DivyaBhaskarમાં રડમસ ચેહરે આપવીતીના અહેવાલ બાદ NGOએ જરૂરી વસ્તુઓ પહોંચાડી
શહેરના આનંદનગર રોડ પર વેજલપુર સૂર્યનગર વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં મંગળવારે સવારે આગ લાગી હતી, જેમાં 35 જેટલાં ઝૂંપડાં બળીને ખાક થઈ ગયાં હતાં. આગની દુર્ઘટનામાં 20થી 25 પરિવાર બેઘર બની ગયા છે, જેમની પાસે રહેવા ઘર કે મિલકતો હવે રહ્યાં નથી. તેમની મદદે સેવાભાવી સંસ્થાઓ આવી છે. DivyaBhaskarએ ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગમાં અનેક પરિવારો હવે નિરાધાર થઈ ગયા હોવાના અહેવાલ પ્રસારિત કરતાં NGO દ્વારા તેમને જમવાની, કપડાં અને નાની વસ્તુઓની મદદ શરૂ કરી છે.
લોકોને જમવા, કપડાં, દવાઓ સહિતની જરૂરી વસ્તુઓ પહોંચાડી
WICCI સોશિયલ સર્વિસ કાઉન્સિલર સંસ્થાના પ્રમુખ સૌમ્યા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે DivyaBhaskar Digitalમાં વેજલપુર વિસ્તારમાં લાગેલી આગમાં ઝૂંપડાx બળીને ખાક થઇ ગયાં છે તેના પરિવારો બેઘર થઈ ગઈ છે, જેમને પાસે હાલ જમવાની વ્યવસ્થા પણ નથી, જેથી અમે અન્ય સંસ્થાઓ સાથે મળી તેમની જમવાની વ્યવસ્થા, કપડાં, દવાઓ તેમજ અન્ય જરૂરી વસ્તુઓ પહોંચાડી હતી. તમામ લોકોને આસપાસના લોકો અને અન્ય સંસ્થાઓ પણ મદદ કરતી હતી, પરંતુ તેમને તૈયાર જમવાનું જરૂરી હતું. તેઓ જમવાનું બનાવી શકે એમ ન હતા, જેથી તેમને અમે તૈયાર જમવાનું આપ્યું હતું. ઉત્થાન ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી જયશ્રી બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે અમે તેમને જમવાની વ્યવસ્થા અને અન્ય વસ્તુઓની મદદ કરી હતી. વેજિટેબલ ખીચડી ગઈકાલે આપી હતી. લોકો તરફથી પણ તેમને મદદ કરવામાં આવે છે. હજી પણ તેમને મદદની જરૂર પડશે તો અમે મદદ કરીશું.

ફાયરબ્રિગેડની 15 ગાડી ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી
શહેરના આનંદનગર રોડ પર આવેલા વેજલપુર સૂર્યનગર વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર સામે આવેલા ઝૂંપડાંમાં ભીષણ આગ લાગી હતી. શરૂઆતમાં 12થી વધુ ઝૂંપડાંમાં આગ લાગતાં ફાયરબ્રિગેડની 15 ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. એમ્બ્યુલન્સ અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા થોડીઘણી આગ કાબૂમાં આવી છે. આ દુર્ઘટનામાં 35ની આસપાસ ઝૂંપડાં બળીને ખાક થઈ ગયાં છે.

ફાયરબ્રિગેડે મકાનો પર ચડી આગને કાબૂમાં લીધી હતી
ઝૂંપડપટ્ટીના આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા લોકોને દૂર કરવામાં આવી રહ્યા હતા. આગ વધુ ભીષણ લાગતાં વધુ ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી હતી. ઝૂંપડપટ્ટી ગીચ વિસ્તારમાં અને આસપાસમાં મકાનો આવેલાં હોવાથી આગને કાબૂમાં કરવામાં ફાયરબ્રિગેડને મુશ્કેલી પડતાં મકાનો પર ચડી ફાયરબ્રિગેડ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.