
- કોરોનાને માત આપી ઓક્ટોબર મહિનાથી મ્યુકોરમાઇકોસિસની લાંબી લડતનો હિંમતભેર સામનો કરી રહ્યા છે
- ત્રણ લેપ્રોસ્કોપી, 1 ફોરહેડ, 1 બ્રેન સર્જરી પછી પણ અડગ આત્મવિશ્વાસ હવે નવું જીવન આપશે
કોરોનાની બીજી ઘાતક લહેર બાદ મ્યુકોરમાઇકોસિસની મહામારી મોઢું ફાડીને ઊભી છે, જેમાં ગુજરાત પણ આ મહામારીમાં સપડાયું છે. આ રોગ દર્દીને માનસિક, આર્થિક અને શારીરિક રીતે નિચોવી નાખે છે. ખર્ચાળ સારવારને કારણે પરિવાર પણ ધોવાઈ જાય છે તેમજ દર્દી અને તેનાં પરિવારજનો માનસિક હિમંત હારી પોતાનો આત્મવિશ્વાસ ખોઈ બેસે છે. ત્યારે મ્યુકોરમાઇકોસિસના દર્દીઓને આત્મવિશ્વાસનો ઓક્સિજન પૂરતો પાડતો યુવાન વિમલ દોશીની વાત સાંભળતાં ભલભલાને હિંમત આવી જાય. તેમનાં પત્ની ચાંદની દોશીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા પતિએ 6 વાર મ્યુકોરમાઇકોસિસને માત આપી છે. હવે 7મી વાર પકડાર અમે ઝીલી રહ્યા છીએ. અમે અમારી સંપત્તિ વેચી 41 લાખનો ખર્ચ કર્યો છે.
વિમલ દોશી હિંમત હારેલા દર્દીઓ માટે આશાનું કિરણ બન્યા
જીવનના અઘરા પ્રશ્નપત્રમાંથી વિકલ્પ શોધીને કસોટી પાર કરવા માટે રાજકોટના વિમલ દોશી ઝઝૂમી રહ્યા છે. પહેલાં કોરોના અને હવે મ્યુકોરમાઇકોસિસની ગંભીર બીમારી વચ્ચે એક-એક શ્વાસ માટે હિંમતભેર સામનો કરી રહેલા વિમલ દોશી હિંમત હારેલા દર્દીઓ માટે આશાનું કિરણ બન્યા છે તો સાથોસાથ તબીબોના મતે પણ આ કેસ એક મિરેકલ છે. રાજકોટમાં રહેતા અને મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે કામ કરતા યુવાન વિમલ દોશીના જીવનમાં ઓક્ટોબર મહિનાથી અનેક પડકારો ઊભા થયા છે.

અત્યારસુધીમાં ત્રણ લેપ્રોસ્કોપી, 1 ફોરહેડ અને 1 બ્રેન સર્જરી કરાઈ
કુદરત પણ એક પછી એક કસોટી જાણે કરતો હોય અને વિમલભાઈ પણ આત્મવિશ્વાસ અને જુસ્સાભેર આ પરીક્ષા પાસ કરી રહ્યા છે. પ્રથમ લહેરમાં કોરોનાને હરાવ્યા બાદ થોડા સમયમાં તેમને મ્યુકોરમાઇકોસિસની બીમારી આવી હતી. અત્યારસુધીમાં 6 મ્યુકોરમાઇકોસિસની સફળ સર્જરી બાદ ફરી એક વખત 7મી વાર મ્યુકોરમાઇકોસિસ ડિટેક્ટ થયું છે. અત્યારસુધીમાં ત્રણ લેપ્રોસ્કોપી, 1 ફોરહેડ અને 1 બ્રેન સર્જરી તેમના પર કરવામાં આવી છે. તબીબોએ પણ આ યુવાનની ધીરજ અને બહાદુરીથી આશ્ચર્યચકિત થઇ ગયા છે અને તેઓ કહે છે કે આટલી સર્જરી બાદ પણ કઠણ કાળજાનો માનવી હારી જતો હોય છે પણ વિમલ દોશીનો વિલપાવર એટલો મજબૂત છે કે 6-6 વખત મ્યુકોરમાઇકોસિસ આવ્યા બાદ પણ અમને આશા છે કે તેમની હજુ એક સર્જરી સફળતાપૂર્વક કરી તેમને આ રોગમાંથી બહાર કાઢીએ.
આણંદ સારવાર ચાલુ હોવાથી ત્યાં જ ભાડાના મકાનમાં પરિવાર સ્થાયી થયો
આ સારવારને પાંચ મહિનાનો લાંબો સમય થઈ ગયો છે અને આ બીમારીના નિદાન અને સારવાર માટે લાંબો ખર્ચ હોવાથી પરિવારજનોએ વિમલ દોશીના નવા જીવન માટે બધી જ સંપત્તિ વેચી નાખી છે અને હાલમાં તેમની સારવાર આણંદ નજીક આવેલી ઝાયડ્સ હોસ્પિટલ ખાતે ચાલતી હોવાથી વારેવારે ત્યાં સુધીનું ટ્રાન્સપોર્ટેશન તેમની સારવારમાં અવરોધરૂપ બનતી હોવાથી હાલમાં આ પરિવાર ભાડાના મકાનમાં આણંદ ખાતે સ્થાયી થઈ ગયો છે.

હજુ એક સર્જરી માટે 12 લાખ રૂપિયાની જરૂર
પરિવારના આધારરૂપ વિમલભાઈની કોરોના દરમિયાનની સારવારમાં મોટો ખર્ચ બાદ આ બીમારી આવતાં તેમની નોકરી પણ જતી રહી હતી. હવે આ સારવાર માટે પરિવારજનોએ તેમની સંપત્તિ વેચી તેમાંથી મેડિકલ ટ્રીટમેન્ટનો ખર્ચો ચાલી રહ્યો છે. તેમ છતાં હજુ એક સર્જરી માટે રૂપિયા 12 લાખની પરિવારજનોને આર્થિક મદદની જરૂર છે. જો સમાજ, સંસ્થાઓ કે અન્ય દાતાઓ તેમની સહાય કરે તો આ કસોટી પરથી વિમલ દોશી સફળતાપૂર્વક પાર થઈ કરી શકે તેમ છે. આઈસીઆઈસીઆઈ બેન્કમાં તેમના ખાતા નંબર 624801521246 છે.

કિડની પર અસર થતાં હવે દવાથી સારવાર કરાઇ છે
અત્યારસુધીમાં પરિવારે તેમની સારવાર માટે રૂપિયા 41 લાખ ખર્ચી નાખ્યા છે અને 7મી વાર મ્યુકોરમાઇકોસિસ આવ્યું છે. ઇન્ફેક્શનના લીધે કિડની પર અસર થતાં હવે તબીબોએ દવા દ્વારા સારવાર ચાલુ કરી છે, જેમાં 96 હજારની 96 ગોળીનો કોર્સ કરવાનો છે. આ તમામ સારવારમાં સ્વસ્થ થયા બાદ વિમલભાઈના મગજના તળિયે રહેલું મ્યુકોરમાઇકોસિસના ચેપવાળું પોલું થઈ ગયેલું હાડકું ન્યુરોસર્જરીથી દૂર કરવામાં આવશે અને એના સ્થાને બીજી સર્જરીની મદદથી મગજના આધાર માટે એ હાડકાની જગ્યાએ ટિટાનિયમનો સળિયો ઈંપ્લાન્ટ કરશે.