- વાવાઝોડાના લેન્ડફોલ સ્પીડ 150થી 175 કિલોમીટર પ્રતિ કલાકની હતી
- સમગ્ર રાજ્યના 35 તાલુકમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો
- કુલ 2437 ગામ વીજ ડુલ થઈ હતી જેમાંથી 484 ગામમાં તે પૂર્વવત કરાઈ છે.
- વાપી, રાજકોટ અને ગારીયાધારમાં 1-1 થઈને કુલ 3 વ્યક્તિનાં મોત થયા છે.
ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાને લઈને આજે સવારે મહેસુલ વિભાગના ACS પંકજ કુમારે મુખ્યમંત્રી સાથે પ્રેસ કોન્ફરન્સ સંબોધી છે. તેમણે જણાવ્યું કે, હાલમાં વાવાઝોડાની સ્પીડ 100 કિમીની છે. તેમજ અમદાવાદ જિલ્લા અને ધોળકામાં તેની અસર દેખાઈ રહી છે. સાથે જ સાંજ સુધી આ વાવાઝોડાની પરિસ્થિતિ ચાલુ રહેશે. જોકે તંત્રની તકેદારીના કારણે કોઈપણ મોટી દુર્ઘટના થઈ નથી. મોટી ચિંતા કોવિડ દર્દીઓની હતી. આપણે અન્ય રાજ્યમાં ગુજરાતમાં થી ઓક્સિજન પહોંચાડવામાં કોઈ તકલીફ પડી નથી. ‘તાઉ તે’ વાવાઝોડાને લઈ કોર્પોરેશન તંત્ર સજ્જ થયું છે.
અત્યારે 100-105 કિમી પવનની ઝડપ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વવાઝોડું આગળ વધી રહ્યું છે. અત્યારે 100થી 105 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આટલા બધા કલાક વાવજોડું રહ્યું જેના કારણે ઘણી બાબત ચિંતા હતી. પણ તંત્રની તૈયારીના કારણે કોઈ મોટી દુર્ઘટના થઈ નથી. તૈયારીના કારણે બધું પ્લાનિંગ બરાબર થયું છે. ગઈકાલે 160 કિમીની પવનની ઝડપ હતી. સૌથી મોટી ચિતા કોવિડની હતી. પણ આપણે અન્ય રાજ્યમાં ગુજરાતમાંથી ઓક્સિજન પહોંચાડવામાં કોઈ તકલીફ પડી નથી.
16500 કાચા મકાનોને વાવાઝોડામાં નુકશાન
તેમણે વધુમાં કહ્યું, ભાવનગરમાં ઓક્સિજન પ્લાન્ટમાં પાવર કટ ના કારણે સમસ્યા થઈ હતી. 16 જગ્યાએ હોસ્પિટલમાં વીજ પુરવઠો ખીરવાયો હતો.જ્યાં જનરેટર હતા. હાલ 2437 ગામ વીજ ડુલ થઈ હતી. જેમાં 484 ગામમાં પૂર્વવત કરાઈ છે. 220 kvના સ્ટેશન બંધ થઈ ગયા છે જ્યાં કામગીરી ચાલુ છે. અત્યાર સુધીમાં 1081 થાંબલા, 40 હજાર વૃક્ષો પડી ગયા. 196 રસ્તા બંધ થઈ ગયા, 16500 કાચા મકાન અસરગ્રસ્ત થયા છે, જેનો સર્વે ચાલુ છે. બીજા વિસ્તારમાં 100થી વધુની સ્પીડે પવન ચાલુ છે ત્યાં પણ નુકસાનનો સર્વે ચાલુ છે. અત્યારે વરસાદ 35 તાલુકામાં 1 ઈંચ વરસાદ થયો છે. બગસરામાં 9 ઈંચ, ઉનામાં 8 ઈંચ, સાવરકુંડલામાં 8 ઈંચ, અમરેલી અને આસપાસના સ્થાનોમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. કન્ટ્રોલરૂમથી તમાનની સાથે સંપર્કમાં છીએ. અત્યાર સુધી 3નાં મોત થા છે. જેમાં 1 વાપી, 1 રાજકોટ અને ગારીયાધારમાં 80 વર્ષના 1 વૃદ્ધનું મોત થયું છે.
કાલ સવાર સુધી વાવાઝોડાની અસર ઓછી થશે
પંકજ કુમારે વધુમાં જણાવ્યું હતું કે, કાલ સવાર સુધી વાવાઝોડાની અસર ઓછી થશે. અત્યાર સુધીમાં ખૂબ મર્યાદિત નુકશાન છે. રાત્રે 1.30 વાગે સંપૂર્ણ વાવાઝોડું રાજ્યમાં આવી ગયું છે. અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, ભાવનગર અને બોટાદમાં ઝડપથી તીવ્રતા વાળો પવન ફૂંકાયો હતો. અમદાવાદ જિલ્લાના ધોળકા, ધંધુકામાં પણ પવન ફૂંકાયો હતો. સાંજ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. રાત સુધી તકેદારી રાખવી પડશે. વાવાઝોડાની ગતિ ધીમી થયા બાદ સહાયતાની કામગીરી કરીશું.
ગઈકાલે 150થી 175 કિમી કલાક હતી પવનની ઝડપ
ગઈકાલે રાત્રે પણ પંકજ કુમારે પ્રેસ કોન્ફરન્સ સંબોધી માહિતી આપતા જણાવ્યું હતું કે, રાતે 9 વાગે ઉના પાસે લેન્ડફોલ કર્યું હતું. જેમાં સૌથી વધારે અસર જાફરાબાદ, પીપાવાવ, ઉના અને ગીર-ગઢડા પંથકમાં થઈ હતી. એ સમયે વાવાઝોડાની સ્પીડ 150થી 175 કિલોમીટર પ્રતિ કલાકની હતી. આ સમયે કંટ્રોલ રૂમમાં મુખ્યમંત્રી હાજર હતા. અમુક જગ્યાએ પાવર કટ થઈ ગયા હતા. દરિયામાં 5 મીટર સુધી ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં. વાવાઝોડાની આઇ પસાર થઈ ગઈ છે અને ટેલ બાકી છે. સમગ્ર રાજ્યના 21 તાલુકમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે, આવતીકાલ સુધી વાવાઝોડું પસાર થશે. અમારી વાવાઝોડા સામેની તૈયારી અને નિમણૂક ચાલુ રહેશે. વાવાઝોડાને કારણે ભારે પવન સાથે અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. આ ઉપરાંત આવતીકાલ સુધી તીવ્ર પવન રહેશે.
તમામ IAS અધિકારીઓ હાજર, CM રવાના
વાવાઝોડું ત્રાટક્યું પહેલાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી કંટ્રોલરૂમ પહોંચી ગયા હતા. હાલ તેઓ કંટ્રોલરૂમથી પરત જવા રવાના થયા હતા. પરંતુ તમામ IAS અધિકારીઓ કંટ્રોલરૂમમાં હાજર હતા. આગળની તમામ કામગીરી પર તેઓ નજર રાખશે. સાથે સાથે તમામ જિલ્લાના કલેક્ટરો સાથે પણ કોન્ટેક્ટમાં રહેશે. હાલ કંટ્રોલ રૂમમાં પંકજ કુમાર, જયંતી રવિ, અનિલ મુકિમ સહિતના અધિકારીઓ હાજર છે. કંટ્રોલરૂમ ખાતે વિજય રૂપાણી એરફોર્સના અધિકારીઓ સાથે વીડિયો-કોન્ફરન્સ યોજી હતી. જેમાં જરૂર પડે કોરોનાનાં ઇમરજન્સી દર્દીઓ અને ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવા પણ ચર્ચા કરવામાં આવી હતી.
અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટર સાથે મુખ્યમંત્રીની વીડિયો-કોન્ફરન્સ યોજાઇ
ગુજરાતમાં વવાઝોડાએ દસ્તક દીધા બાદ સમગ્ર ગુજરાત અલર્ટ પર છે. તમામ સનદી અધિકારીઓને ખાસ કામગીરી સોંપી દેવામાં આવી છે. આ બધાની વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણી ખુદ ગઈકાલે રાતે 8.30 વાગ્યાથી ઇમરજન્સી કન્ટ્રોલ રૂમમાં હાજર હતા. તેઓએ રાજ્યના તમામ જિલ્લા જ્યાં વાવઝોડું ત્રાટક્યું છે તેના કલેક્ટર સાથે વીડિયો-કોન્ફરન્સથી વાત કરી છે. મુખ્યમંત્રીએ કોવિડ હોસ્પિટલમાં શું સ્થિતિ છે તેમજ કોઈ ગફલતમાં ન રહેવા સુચના આપી હતી.
મોબાઈલ ટાવર પડી જવાથી અનેક ગામડાં સંપર્કવિહોણા
તાઉ-તે વાવાઝોડાની પળેપળની માહિતી મેળવવા માટે ગઈકાલે રાત્રે વિજય રૂપાણી અને રાજ્યના ટોચના IAS ઓફિસર હાલ કન્ટ્રોલરૂમમાં હાજર હતા. અત્યારે મુખ્યમંત્રીએ ક્લેલ્ટર સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. જેમાં દરેક કલેક્ટર હાલની સ્થિતિ અને કોવિડ હોસ્પિટલમાં શું પરિસ્થિતિ છે તે અંગે જવાબ આપ્યા હતા. અનેક જગ્યાએ ઝાડ પડવાના અને મોબાઈલ ટાવર પડી જવાથી ગામડાં સંપર્કવિહોણાં થઈ ગયાં છે.
સમગ્ર રાજ્યનું મોનિટરિંગ ખુદ મુખ્યમંત્રી કરી રહ્યાં છે
બીજી તરફ વીડિયો મોનિટરિંગ દ્વારા સમગ્ર રાજ્યનું મોનિટરિંગ ખુદ મુખ્યમંત્રી કરી રહ્યાં છે. તેઓ સતત પળેપળની અપડેટ મેળવી રહ્યાં છે. જેની સાથે 24 કલાકમાં વાવઝોડાનો મેપ પણ તૈયાર કરાયો છે. જેના લીધે મહત્વની સૂચના આપી શકે છે. મુખ્યમંત્રીએ દરેક પ્રભાવિત જિલ્લા કલેક્ટરને સવાર સુધી એલર્ટ રહેવા માટે જણાવ્યું હતું.
રાજ્યના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર પણ કંટ્રોલરૂમમાં હાજર
રાજ્યમાં તાઉ-તે વાવઝોડાના સંકટના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યના ઉચ્ચ IAS અધિકારીઓ હાલમાં ગાંધીનગર સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં હાજર હતા. રાજ્યના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર ગઈકાલે બપોરથી સતત વાવાઝોડાની ગતિવિધિ પર નજર રાખી અને મુખ્યમંત્રીને માહિતગાર કરી રહ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી વાવાઝોડા પર નજર રાખી રહ્યાં છે અને રાજ્યમાં આવેલા સંકટ મામલે માહિતી મેળવી રહ્યાં છે.