
- દભાડકરની વિનંતીને માનતાં હોસ્પિટલ પ્રશાસને તેમની પાસે એક કાગળ પર લખાવ્યું કે હું મારું બેડ બીજા દર્દી માટે મારી મરજીથી ખાલી કરી રહ્યો છું
કોરોનાની બીજી લહેરમાં જ્યાં લોકોને બેડ, ઓક્સિજન અને જરૂરી દવાઓ મળતાં નથી, એવામાં 85 વર્ષનાં એક વૃદ્ધે જીવ જતા પહેલા મદદ માટે હાથ લંબાવ્યો છે. મહારાષ્ટ્રના નાગપુરના નારાયણ ભાઉરાઉ દાભાડકર(85) હોસ્પિટલમાં દાખલ હતા. આ દરમિયાન એક મહિલા તેના 40 વર્ષના પતિને લઈને હોસ્પિટલમાં પહોંચી, જોકે હોસ્પિટલે દાખલ કરવાથી ઈન્કાર કર્યો કારણ કે બેડ ખાલી ન હતો. મહિલા ડોક્ટરને વિનંતી કરવા લાગી.
આ વાતને સાંભળીને દાભાડકરે પોતાનો બેડ એ મહિલાના પતિને આપવા માટે હોસ્પિટલ પ્રશાસનને રજૂઆત કરી. તેમણે કહ્યું મેં મારી જીંદગી જીવી લીધી છે. મારી ઉંમર હવે 85 વર્ષની છે. આ મહિલાનો પતિ યુવા છે. તેની પર પરિવારની જવાબદારી છે. આ કારણે હવે તેને મારો બેડ આપી દો.
હોસ્પિટલમાંથી પરત ફર્યાના 3 દિવસ પછી નિધન થઈ ગયુ
દભાડકરની વિનંતીને માનતા હોસ્પિટલ પ્રશાસને તેમની પાસે એક કાગળ પર લખાવ્યું કે હું મારો બેડ બીજા દર્દી માટે મારી મરજીથી ખાલી કરી રહ્યો છું. તે પછી દાભાડકર ઘરે પરત ફર્યા. જોકે તેમની તબિયત બગડતી ગઈ અને તેમનું 3 દિવસ બાદ નિધન થઈ ગયું.
દાભાડકરને થોડા દિવસો પહેલા કોરોના થયો હતો. તેમનું ઓક્સિજન લેવલ 60 સુધી ઘટી ગયું હતું. તેમના જમાઈ અને પુત્ર તેમને ઈન્દિરા ગાંધી હોસ્પિટલમાં લઈ ગયા. તેમને ખુબ જ મુશ્કેલી પછી બેડ મળ્યો. જોકે દાભાડકર હોસ્પિટલમાંથી ઘરે એટલે આવી ગયા કે એક યુવાને બેડ મળી શકે.
બાળકોમાં ચોકલેટ ચાચાના નામથી જાણીતા હતા દાભાડકર
તેમના સંબંધી શિવાની દાણી-બખરે જણાવ્યું કે દાભાડકર બાળકોમાં ચોકલેટ વહેંચતા હતા. તે ચોકલેટની મીઠાસ તેમના જીવનમાં હતી.