
- રસી અપાયા બાદ હજુ સુધી કોઈને પણ ગંભીર આડઅસર થઈ હોવાનું નોંધાયું નથી
- માત્ર 15 દિવસમાં ગુજરાત વેક્સિનેશન મામલે 2 નંબરથી 4 નંબર પર આવી ગયું છે
ગુજરાતમાં શુક્રવારે 1,31,826 લોકોને રસી આપવામાં આવી હતી, આ સાથે રાજ્યમાં રસી મેળવનારાની કુલ સંખ્યા 1 કરોડને પાર થઈ હતી. રાજ્યમાં અત્યારસુધી 87 લાખ લોકો રસીનો પ્રથમ ડોઝ મેળવી ચૂક્યા છે, જ્યારે બીજો ડોઝ પણ લઈ લીધો હોય એવા લોકોની સંખ્યા 13 લાખથી વધારે છે. ઉલ્લેખનીય છે કે 1 કરોડ લોકોને રસી અપાઈ છે છતાં હજુ સુધી કોઈને પણ રસીની ગંભીર આડઅસર થઈ હોવાનું નોંધાયું નથી.
વેક્સિનેશન મામલે ગુજરાત નંબર 4 પર
ગુજરાત સરકારે દૈનિક 2.5 લાખ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. જ્યારે માર્ચ અને એપ્રિલ મહિનાના શરૂઆતી દિવસોમાં દૈનિક 3થી 4 લાખ લોકોને વેક્સિન અપાઈ રહી હતી, પરંતુ હાલમાં સ્પીડ પાછી ધીમી પડી ગઈ છે અને સરકારના ટાર્ગેટ કરતાં પણ ઓછું વેક્સિનેશન થઈ રહ્યું છે. હાલમાં ગુજરાતમા દૈનિક 1થી 2 લાખની આસપાસ વેક્સિનેશન થાય છે. એપ્રિલના શરૂઆતના પહેલા 15 દિવસ જોઈને લાગતું હતું કે ગુજરાત ટૂંક સમયમાં વેક્સિનેશન મામલે નંબર 1 પર આવી જશે, પરંતુ હાલની સ્થિતિમાં રાજ્ય 2 નંબરથી 4 નંબર પર આવી ગયું છે.

દૈનિક ટાર્ગેટ કરતાં પણ 1 લાખ ઓછું વેક્સિનેશન
હાલમાં દેશભરમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં વેક્સિનેશનની કામગીરી ઝડપથી ચાલી રહી છે. અહીં અત્યારસુધીમાં કુલ 1,15,12,728 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. ત્યાર બાદ બીજા નંબર પર રાજસ્થાન આવે છે, જ્યાં કુલ 1,03,60,331 લોકોએ વેક્સિન લઈ લીધી છે. જ્યારે ગુજરાત 1,00,28,842 લોકોના વેક્સિનેશન સાથે 4 નંબર આવી ગયું છે. મહારાષ્ટ્રમાં દૈનિક અંદાજે 3 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં દૈનિક 2.5 ટકા લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ છે છતાં છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં દૈનિક 1થી 2 લાખ લોકોને વેક્સિન અપાઈ રહી છે.
ગુજરાતમાં સપ્ટેમ્બરથી હર્ડ ઈમ્યુનિટી આવી જશે
અમેરિકાના ઓહાયો સ્ટેટમાં આવેલી ‘ક્લિવલેન્ડ ક્લિનિક’ના રિપોર્ટ પ્રમાણે, કોવિડ-19 માટે હર્ડ ઇમ્યુનિટીનું થ્રેશોલ્ડ લેવલ 50 ટકાથી 80 ટકા જેટલું છે. યાને કે 50થી 80 જેટલી વસતિને વેક્સિન આપી દઇએ તો પેન્ડેમિક પર અસરકારકતાથી બ્રેક મારી શકાય છે. વેક્સિનેશનના ડેટા પ્રમાણે, ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં 70 ટકા વસતિને રસી મળી ચૂકી છે. આમ, નિષ્ણાતોના મત મુજબ, આ સમયથી ગુજરાતમાં હર્ડ ઈમ્યુનિટી શરૂ થશે અને સંક્રમણ ના બરાબર થઈ જશે.

PMના ખાસ કૈલાસનાથને સંભાળી વેક્સિનેશનની કામગીરી
ગુજરાતમાં વધતા જતા કોરોનાના કહેરની ગંભીર નોંધ વડાપ્રધાન કાર્યાલયે પણ લીધી છે, જેને લઈને કોવિડ ટેસ્ટિંગથી માંડીને વેક્સિનેશન માટે ગુજરાત સરકારને સીધી સૂચના આપવામાં આવી રહી છે, ખાસ કરીને કોરોનાને કાબૂમાં લેવા વેક્સિનેશનની ગતિ વધારવા વડાપ્રધાન કાર્યાલય નજર રાખી રહ્યું છે, સાથે જ વડાપ્રધાનના ખાસ ગણાતા કૈલાસનાથન સહિતના અધિકારીઓની ટીમને સમગ્ર કામગીરી સોંપી દેવાઈ છે. આગામી દિવસોમાં કોઈપણ ભોગે કોરોનાને ફરી કાબૂમાં લઈ લેવા તથા વેક્સિનેશનને ઝડપી બનાવવા વડાપ્રધાન દ્વારા ખાસ સૂચના અપાઈ છે. કૈલાસનાથને રાજ્યમાં વેક્સિનેશન કામગીરીનો ચાર્જ પણ સંભાળી લીધો છે. તેઓ નિર્ણયોના ઝડપી અમલીકરણ માટે જાણીતા હોવાથી તમામ મહાપાલિકામાં તથા જિલ્લાઓમાં રાજ્ય સરકારે ખાસ અધિકારીઓને નિયુક્ત કર્યા છે.

રાજ્યનાં 2500 કેન્દ્રો પર રસીકરણની પ્રક્રિયા
સતત વધી રહેલા કોરોના સંક્રમણને પગલે હાલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મોટો નિર્ણય લીધો હતો, જેમાં ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવશે અને કર્મચારીની કોઈપણ વય મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. દરમિયાન એક એપ્રિલથી શરૂ થનાર કોરોના વેક્સિન મેગા ડ્રાઈવની પૂર્વસંધ્યાએ સીએમએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રસી અને માસ્ક જરૂરી છે, કોરોના સામે રસી જ મોટું શસ્ત્ર છે, એક એપ્રિલથી 2500 કેન્દ્રો પર રસીકરણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.