
- ગઈકાલે 284 દર્દી કોરોનામુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો
રાજકોટમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. શહેરમાં 24 કલાકમાં 52 દર્દીનાં સારવાર દરમિયાન મોત થયાં છે. કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયાંનું જાણવા મળી રહ્યું છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં હોસ્પિટલમાં બેડ ન મળવાની 357 જેટલી ફરિયાદો મળી છે.
શહેરમાં અત્યારસુધીમાં 24,917 કેસ નોંધાયા
રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે તેમજ કોરાનાનાં મોતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. શહેરમાં અત્યારસુધીમાં 24,917 કેસ નોંધાયા છે તેમજ શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 3989 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે શહેરમાં 284 દર્દી કોરોનામુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટના એસટી ડેપોમાં 50થી વધુ મુસાફરો કોરોના સંક્રમિત થતાં 90થી વધુ રૂટ બંધ કરવામાં આવ્યા છે. આંતરરાજ્ય બસસેવા બંધ કરવામાં આવી છે.
દવાથી માંડી બેડની અછત, વધે છે તો માત્ર કેસ અને મૃતાંક
રાજકોટમાં કોરોનાના દૈનિક કેસ દરરોજ નવી ઊંચાઈ બનાવી રહ્યા છે. લોકોને હોસ્પિટલમાં બેડ નથી મળતાં; એની અછત છે, એમ્બ્યુલન્સની અછત છે, ઈન્જેક્શનની અછત છે, કોરોનાને લગતી દવાઓની અછત છે, ટેસ્ટ કિટની અછત છે, સ્મશાનની અછત છે. મૃતાંક અને કોરોનાના કેસ વધી રહ્યા છે, જેના પર તંત્રનો કોઇ કાબૂ રહ્યો નથી. આ જ કારણે લોકોને ટેસ્ટથી માંડીને સ્મશાનગૃહ સુધી કતારમાં ઊભું રહેવું પડે છે.
પહેલો કેસ રાજકોટમાં આવ્યો હતો છતાં તૈયારીઓ ન કરી
રાજ્યમાં કોરોનાનો પ્રથમ કેસ રાજકોટમાં નોંધાયો હતો. જોકે અન્ય મહાનગરો અમદાવાદ, બરોડા અને સુરતમાં કોરોના વધુ વકર્યો હતો. પ્રથમ લહેરમાં પણ કાબૂ મેળવવામાં પ્રયાસ થયા હતા. જાન્યુઆરીથી કેસની સંખ્યા ઘટતાં માત્ર 30 જ દર્દી દાખલ હતા. આ સમયે કોરોનાની બીજી લહેરની તૈયારી કરવાને બદલે તંત્ર બેફિકર થઈને ચૂંટણીમાં લાગી ગયું હતું. હોસ્પિટલ ડિનોટિફાઈ કરાઈ અને સમરસમાંથી ઓક્સિજન ટેન્ક હટાવી લેવાઈ હતી. બીજી લહેર માટે કોઇ આયોજન જ ન હતું, એટલે જ્યારે કેસ વધ્યા તો આયોજન વગર સિસ્ટમ ભાંગી રહી છે. આજે શું કરીશું એ ભારણ જ એટલું છે કે આગળ શું કરીશું એ કોઇ વિચારતું જ નથી.
તંત્રએ બે દિવસમાં 137 મોત જાહેર કર્યા, 4 સ્મશાનમાં 331ની અંતિમવિધિ થઈ
રાજકોટમાં કોરોનાની સારવાર દરમિયાન થતાં દર્દીઓનાં મોતનો આંક રાજ્યમાં સૌથી વધારે નોંધાયો છે. જોકે આ ફક્ત તંત્રએ જાહેર કર્યા છે. બે દિવસમાં 137નાં મોત થયાનું સરકારી ચોપડે બતાવાયું છે, પણ ભાસ્કરે માત્ર કોવિડ પ્રોટોકોલથી અંતિમવિધિ થાય છે એ ચાર સ્મશાનમાં બે દિવસમાં આંક મેળવતાં 331 મૃતદેહની અંતિમવિધિ કરાઈ હોવાનું સામે આવ્યું છે, એટલે કે તંત્રના જાહેર કરેલા આંકથી ત્રણ ગણા મૃતદેહો સ્મશાન લઇ જવાયા હતા અને તંત્રની વધુ એક પોલ ખૂલી હતી.
અંતિમક્રિયા કરતા કર્મચારીઓ પોઝિટિવ, બેડ પણ માંડ મળ્યાં
રામનાથપરા સ્મશાનગૃહમાં મૃતદેહોની અંતિમવિધિ કરતા કર્મચારીઓ પૈકી 4 કોરોના પોઝિટિવ આવતાં હોમ ક્વોરન્ટીન કરાયા છે. આ કારણે અંતિમવિધિ કરવા માટે ખાસ મોરબીથી માણસો બોલાવાયા હતા, એ પણ જતા રહેતાં મનપાએ સ્ટાફ ફાળવ્યો હતો, પણ આ સ્ટાફને અંતિમવિધિ અનુકૂળ ન આવતાં એક જ રાતમાં ચાલ્યા ગયા હતા, જેથી નાયબ કમિશનર એ.આર. સિંઘ સ્મશાને પહોંચ્યા હતા અને ટ્રસ્ટી ગુણવંત ડેલાવાળા સાથે ચર્ચા કરી હતી. બીજી તરફ, અન્ય ત્રણ સ્મશાનમાં પણ કર્મચારીઓ પોઝિટિવ આવવાનું શરૂ થયું છે. એક કર્મચારીનું ઓક્સિજન ઘટતાં સંચાલકોએ ભલામણ કરતાં પણ બેડ ન મળતાં સિવિલ હોસ્પિટલ મોકલવા પડ્યા છે.