
- લગ્ન બાદ પતિ હાથમાં આવે એ વસ્તુ પત્નીને છુટ્ટી મારતો, સાસુ-સસરા બચાવવા આવે તો તેમને પણ મારતો
- પત્ની પતિને મનોચિકિત્સક પાસે લઈ પહોંચી તો ડોક્ટરે કહ્યું, હવે બહુ મોડું થઈ ગયું છે
અમદાવાદની ખૂબ મોટી કંપનીમાં કામ કરતી આશાસ્પદ યુવતીને ફેસબુકમાં મિત્ર બનેલા યુવક સાથે પ્રેમ થયો અને થોડા સમય બાદ તેની સાથે લગ્ન કરી લીધા હતા, પણ લગ્ન પછી જે થયું એનાથી યુવતીની સ્થિતિ કફોડી બની ગઈ છે. લગ્નના થોડાક જ દિવસમાં પતિ પત્નીને ઘરમાં પડેલી દરેક વસ્તુ છૂટી મારતો હતો. વહુને બચાવવા સાસુ-સસરા વચ્ચે પડ્યાં તો સગા દીકરાએ તેમને પણ માર્યા. આખરે પતિને મનોચિકિત્સક પાસે લઈ ગયા તો ડોકટર કહ્યું, તમે આવવા માટે ખૂબ મોડું કરી દીધું છે. તમારા પતિના પહેલાં પણ લગ્ન થઈ ગયા છે. આ બધા વચ્ચે પત્નીની જાણ બહાર પતિ દેશ છોડીને જતો રહ્યો છે.
યુકેમાં સેટલ યુવક સાથે લગ્ન કરી પસ્તાઈ યુવતી
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતી નેહા (નામ બદલ્યું છે) મલ્ટીનેશનલ કપનીમાં સારા હોદ્દા પર કામ કરે છે. નેહા સોશિયલ મીડિયા મારફત રાજીવ(નામ બદલ્યું છે)ના સંપર્કમાં આવી હતી. રોજ સોશિયલ મીડિયા ચેટ અને વીડિયો દ્વારા વાત થતી. રાજીવ યુકેમાં સારી જગ્યાએ છે તેવી વાત કરતો હતો. નેહા પણ પોતાના ભવિષ્યને સેટલ કરવા રાજીવ સાથે લગ્ન કરવા માગતી હતી. બંનેએ લગ્ન કરવા માટે પોતાના પરિવારને વાત કરી હતી. લગ્ન કરવા માટે નક્કી થતાં રાજીવ ભારત આવ્યો હતો. રાજીવ અને નેહાએ લગ્ન કર્યાં, પણ લગ્નના બીજા દિવસે જ રાજીવે નેહાને અપશબ્દો બોલીને અપમાનિત કરી હતી.

લગ્ન બાદ જે વસ્તુ હાથમાં આવે એ છુટ્ટી મારતો
એવું રોજ થતું હતું ત્યારે એક દિવસ રાજીવે નેહાને તેના હાથમાં જે આવતું એ મારવા લાગ્યો હતો. નેહાને બચાવવા રાજીવનાં માતા-પિતા પડ્યાં તો રાજીવ તેમને પણ મારવા લાગ્યો હતો. આ બધું વધારે થવા લાગતાં નેહાએ તેના પિતાને બોલાવ્યા હતા. ત્યાર બાદ રાજીવ અને નેહા બન્ને નેહના પિતાના ઘરે ગયાં હતાં. ત્યાંથી તેઓ પાલડી વિસ્તારમાં આવેલા મનોચિકિત્સક પાસે ગયાં હતાં, જ્યાં રાજીવનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે રાજીવે પહેલાં પણ લગ્ન કર્યા હતા, જ્યાં તે પત્નીને માર મારતો હતો, જેથી છૂટાછેડા થઈ ગયા હતા.
મનોચિકિત્સક પાસે જતાં બીજા લગ્નનો ભેદ ખૂલ્યો
મનોચિકિત્સકે નેહાને કહ્યું કે રાજીવને અહીં લાવવામાં ખૂબ મોડું થઈ ગયું છે. હવે દવા આપી છે, જ્યાં સુધી એની અસર રહેશે ત્યાં સુધી સારું રહેશે. આ બધાની વચ્ચે રાજીવ નેહાને કઈ પણ કીધા વગર ગાયબ થઈ ગયો હતો. નેહાએ તપાસ કરી તો જાણવા મળ્યું કે રાજીવ દેશ છોડીને જતો રહ્યો છે. જ્યારે રાજીવનાં માતા-પિતા પણ પોતાના ઘરે ન હતાં. આ અંગેની જાણ થતાં નેહાએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.