
- રાજકોટમાં રાત્રે 2 વાગ્યે જેનું મૃત્યુ થયું તેની લાશ સવારે 11 વાગ્યે સોંપશે એવું કહ્યું, પરિવારજનો પહોંચ્યા તો કહ્યું, રાહ જુઓ; હજુ વારો નથી આવ્યો
- સ્મશાનમાં વેઈટિંગ હતું એટલે હૉસ્પિટલના સેલર,લોબીમાં મૃતદેહો રાખવા પડ્યા
- સ્મશાનમાં ભીડ થાય નહીં એ માટે હોસ્પિટલમાં ડેડબોડી મૂકી રખાય છે
- જે હેલ્પડેસ્ક પર દર્દીના ખબરઅંતર પૂછવામાં આવતા ત્યાં હવે સ્વજનો ‘ડેડબોડી ક્યારે મળશે’ એવા સવાલો પૂછી રહ્યાં છે…
ગુજરાતમાં કોરોનાને કારણે વણસેલી સ્થિતિનેે પરિણામે રાજકોટ, સુરત જેવાં શહેરોની હોસ્પિટલોમાં કોરોનાથી મૃત્યુ પામનારનો મૃતદેહ મેળવવા માટે પણ સ્વજનોને 12 કલાક સુધી રાહ જોવી પડે એવી સ્થિતિ છે. એટલું જ નહીં, ડેડબોડી મળ્યા પછી પણ સ્મશાનમાં અગ્નિદાહ માટે 8થી 10 કલાક વેઇટિંગ કરવું પડે છે. રાજકોટમાં જ્યારે દિવ્યભાસ્કરની ટીમે ગ્રાઉન્ડ રિયાલિટી ચકાસી ત્યારે ચોંકાવનારી બાબતો સામે આવી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મરણાંક વધવાથી મૃતદેહોને અગ્નિસંસ્કાર માટે જ નહીં, પણ મૃતદેહોને બહાર લાવવા માટે પણ વેઈટિંગ છે. ભાસ્કરની ટીમ સિવિલ કોવિડ હોસ્પિટલ પહોંચી ત્યારે હોસ્પિટલના ગેટ પાસે ટેસ્ટ થઇ રહ્યા હતા, જ્યારે હોસ્પિટલની પાછળ સેલરમાંથી મૃતદેહો કાઢીને એમ્બ્યુલન્સમાં સીધા સ્મશાનગૃહ લઈ જવાતા હતા. સ્મશાનમાં કતાર થાય નહીં એ માટે હોસ્પિટલોમાં ડેડબોડી મૂકી રાખવામાં આવે છે.
સુરતઃ કોરોનાગ્રસ્ત પુત્રીની ચિંતામાં માતાનું મૃત્યું થયું, દીકરી પણ ગંભીર
સુરતની હોસ્પિટલો, સ્મશાનની બહાર મૃતદેહોના ખડકલા જોવા મળે છે. મંગળવારે કોરોનાગ્રસ્ત પુત્રીની ચિંતામાં માતાએ અન્નત્યાગ કર્યા બાદ તેમનું મૃત્યુ થયું હતું. વૃદ્ધાની બીજી દીકરી એક તરફ માતાના અંતિમસંસ્કાર માટે દોડાદોડ કરતી હતી તો સાથે સ્મિમેર હોસ્પિટલમાં ગંભીર હાલત ધરાવતી પોતાની બહેન માટે ચિંતાતુર હતી.

વડોદરાઃ એમ્બ્યુલન્સ મળી નહીં તો હાથલારીમાં મૃતદેહ લઈ જવો પડ્યો
વડોદરાના નાગરવાડા વિસ્તારમાં 65 વર્ષીય વૃદ્ધાનું કોરોનાથી મોત નીપજતાં તેમના મૃતદેહને સ્મશાને લઇ જવા માટે એમ્બ્યુલન્સ ન મળતાં મૃતદેહ હાથલારીમાં લઈ જવો પડયો હતો. મહિલાનું હોમ ક્વોરન્ટીન દરમિયાન મૃત્યું થયું હતું. બે-ત્રણ કલાક સુધી પ્રયાસ કરવા છતાં પણ એમ્બ્યુલન્સ મળી શકી નહોતી.

રાજકોટઃ પિતાનું મોં જોવા માટે પુત્રીએ રોક્કળ કરી તો માત્ર 2 મિનિટ મળી
એક પરિવાર સ્વજનના મૃતદેહની રાહ જોઈ રહ્યો હતો. લાશ આવતાં જ મહિલાઓ કલ્પાંત કરવા લાગી હતી. મૃતકની પુત્રી સ્ટ્રેચર સુધી જતી હતી, પણ સ્ટાફે સંક્રમણ ન ફેલાય એ માટે દૂર લઈ ગયા તો રડતાં રડતાં કહેવા લાગી હજુ થોડીવાર મને મારા પપ્પાને જોવા દો આ સ્થળથી 200 મીટર દૂર આવા અનેક પરિવાર રાહ જોઇ રહ્યા હતા.

ભરૂચઃ નર્મદા કાંઠે મૃતદેહોની લાઇન લાગી, કોવિડ સ્મશાન નાનું પડ્યું
ભરૂચમાં નર્મદા નદી કિનારે બનાવાયેલા કોવિડ સ્પેશિયલ સ્મશાનગૃહમાં બુધવારે વહેલી સવારથી બપોરે 2 સુધીમાં 6 મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. એકસાથે મૃતદેહો આવી જતાં મૃતદેહોને લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો. અંતિમક્રિયા માટે કોવિડ સ્મશાનગૃહ પણ નાનું પડી રહ્યું છે.
સુરતમાં દરરોજ સરેરાશ 240 મોત, સ્મશાનમાં 8-10 કલાકનું વેઇટિંગ
અમદાવાદ
- શહેરમાં રોજના સરેરાશ 100-125 મોત થાય છે. સ્મશાનમાં 3-4 કલાકનું વેઇટિંગ છે પણ ઓક્સિજનની તંગી હવે નથી રહી.
- રોજ સરેરાશ 100-125 મોત, સ્મશાનમાં 3-4 કલાક વેઇટિંગ
સુરત
- મોટી હોસ્પિટલોમાં રોજ સરેરાશ 60 મૃતદેહોનો નિકાલ કરાય છે
- દરરોજ 240 મોત થાય છે. સ્મશાનોમાં 8-10 કલાક વેઇટિંગ છે. મોટી હોસ્પિટલોમાં સરેરાશ 60 મૃતદેહોનો નિકાલ થાય છે.
વડોદરા
- મોટી હોસ્પિટલોમાં સરેરાશ 10-15 ડેડબોડીનો નિકાલ
- રોજ સરેરાશ 40થી 50નાં મોત છે. સ્મશાનમાં વેઇટિંગ નથી. મોટી હોસ્પિટલોમાં સરેરાશ 10-15 બોડીનો નિકાલ થાય છે.
રાજકોટ
- સરેરાશ 50થી વધુનાં મોત, 25-30 ડેડબોડીનો નિકાલ
- રાજકોટમાં રોજનાં સરેરાશ 50થી વધુ મોત થાય છે. મોટી હોસ્પિટલોમાં 25-30 ડેડબોડીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.